કેન્દ્ર સરકારે 1 જુલાઈથી નવી મોટર વ્હિકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ (MVAG) 2025 અમલમાં મૂકી છે. નવા નિયમો અનુસાર, કેબ એગ્રિગેટર્સને પીક અવર્સ દરમિયાન મૂળ ભાડા કરતાં બમણું ભાડું લેવાની છૂટ આપવામાં આવી છે. આ અગાઉ દોઢ ગણું ભાડું લેવાતું હતું, હવે વધુ માંગ દરમિયાન વધુ ચાર્જ કરવાનું ઓથોરાઈઝેશન મળશે.
રાજ્ય સરકારોને આગામી 3 મહિનામાં આ નિયમોને અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવી છે. આનો હેતુ એગ્રિગેટર્સને સાનુકૂળતા આપવી અને ટ્રાન્સપોર્ટના ખર્ચ અને સંચાલન સંબંધિત પડકારોનો નિકાલ કરવો છે.
આ સાથે જ, ખાનગી મોટરસાયકલને પણ પેસેન્જર વાહન તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. નોન-ટ્રાન્સપોર્ટ બાઈક હવે એગ્રિગેટર એપ મારફતે મુસાફરી માટે વાપરી શકાશે, જો રાજ્ય સરકાર મંજૂરી આપે. આ પગલાંથી ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો અને હાઈપરલોકલ ડિલિવરીમાં વધારો થવાનો આશય છે.
ક્લોઝ 23 મુજબ, રાજ્ય સરકારો ખાનગી મોટરસાયકલોના શેર્ડ ઉપયોગ બદલ એગ્રિગેટર્સ પાસેથી દૈનિક, સાપ્તાહિક કે પખવાડિક ફી વસૂલ કરી શકશે. ઓલા, ઉબર, રેપિડો જેવી કંપનીઓએ આ પરિવર્તનને આવકાર્યું છે. ખાનગી ટુ-વ્હીલર માટે મંજૂરી એ "લાસ્ટ માઈલ કનેક્ટિવિટી" અને "અફોર્ડેબલ મોબિલિટી" માટે મોટી સફળતા ગણવામાં આવી રહી છે. ઉબરે આને ઈનોવેશન અને નીતિગત સ્પષ્ટતાનું પગલું ગણાવ્યું છે.
MVAG 2025 બાઈક ટેક્સી, ઈ-વાહનો અને શેર્ડ ટ્રાન્સપોર્ટ માટે ભારતના પરિવહન વ્યવસ્થામાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે.