બાઈક સાથે અથડાતા બસમાં ભીષણ આગ, 25 લોકોના મોત
આંધ્રપ્રદેશના કુર્નૂલ નજીક ખાનગી બસ અને બાઈક વચ્ચેની ટક્કરમાં બસમાં અચાનક લાગી

કુર્નૂલમાં આગ

કુર્નૂલમાં આગ
આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આવેલા ચિન્નાટેકુર નજીક નેશનલ હાઈવે 44 (NH-44) પર એક ખાનગી બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં લગભગ 25 લોકો મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટના વહેલી સવારે લગભગ 3:30 વાગ્યાની આસપાસ ઘટી હતી, જ્યારે બેંગ્લુરુ તરફ જઈ રહેલી બસ એક ટુ-વ્હીલર સાથે અથડાઈ હતી.
અકસ્માત બાદ લાગી આગ
NH-44 પર મુસાફરી દરમિયાન બસ અને એક બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ. ટક્કર બાદ બાઇક બસના નીચેના ભાગમાં ઘૂસી ગઈ અને સીધી ફ્યુઅલ ટેન્ક સાથે અથડાઈ. આ ગંભીર અથડામણના કારણે સેકન્ડોમાં જ બસમાં ભીષણ આગ લાગી ગઈ. અહેવાલો મુજબ, બસમાં આશરે 40 મુસાફરો સવાર હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે મુસાફરોને બહાર નીકળવાનો સમય મળ્યો ન હતો.
23 લોકો જીવ બચાવવામાં સફળ
મળતી માહિતી મુજબ, બસમાં શોર્ટ સર્કિટ થવાથી દરવાજો જામ થઈ ગયો હતો, જેના કારણે બહાર નીકળવાના માર્ગો બંધ થઈ ગયા અને થોડી જ મિનિટોમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ. જોકે, 19 મુસાફરો, 2 બાળકો અને 2 ડ્રાઈવરો સહિત કુલ 23 લોકો બસમાંથી કૂદીને અથવા અન્ય રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. પોલીસના મતે, ઘણા મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હોવાથી તેમની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. મૃત્યુ પામનાર મોટાભાગના લોકોની ઉંમર 25થી 35 વર્ષની વચ્ચે હોવાનું અનુમાન છે. દુર્ઘટના બાદ કુર્નૂલ જિલ્લા કલેક્ટર ડૉ. એ. સિરી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પીડિતો તેમજ તેમના પરિવારોને મદદરૂપ થવા માટે હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા હતા.
AC સ્લીપર બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને પૂર્વ મુખ્યમંત્રી વાય. એસ. જગનમોહન રેડ્ડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અકસ્માત પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજસ્થાનના જેસલમેરમાં પણ એક AC સ્લીપર બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 25 જેટલા મુસાફરો જીવતા ભૂંજાયા હતા. આ દુર્ઘટનાઓ ફરી એકવાર વાહનોની સુરક્ષા અને માર્ગ સલામતીના મુદ્દાઓને ગંભીરતાથી લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...