Barabanki Accident: ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર શનિવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જયપુરથી પશ્ચિમ બંગાળ તરફ મૃતદેહ લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સ રસ્તા પર ઉભેલા પિકઅપ ટ્રક સાથે પાછળથી અથડાતાં પાંચ લોકોનાં મોત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે એમ્બ્યુલન્સમાં સવાર કોઈને બચાવી શકાયા નહોતા. મૃતકોમાં બે એમ્બ્યુલન્સ ડ્રાઈવર સહિત પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. સૌથી કરુણ બાબત એ છે કે એમ્બ્યુલન્સમાં પહેલેથી જ એક મૃત વ્યક્તિનો મૃતદેહ હતો અને પરિવાર તે મૃતદેહને લઈને પશ્ચિમ બંગાળ જઈ રહ્યો હતો. પરંતુ રસ્તામાં થયેલા અકસ્માતે પાંચ અન્ય લોકોના જીવન પણ છીનવી લીધાં.
સવારે 6:30 વાગ્યે 53.3 કિમી પાસે અકસ્માત
પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત શનિવારે સવારે લગભગ 6:30 વાગ્યે પૂર્વાંચલ એક્સપ્રેસવે પર 53.3 કિલોમીટરના અંતરે સુબેહા પોલીસ સ્ટેશન વિસ્તારના ઘેરાવન ગામ નજીક થયો હતો. જયપુરથી પશ્ચિમ બંગાળ તરફ જઈ રહેલી એમ્બ્યુલન્સ રસ્તા પર ઉભેલા પિકઅપ ટ્રક સાથે પાછળથી અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એમ્બ્યુલન્સમાં સવાર પાંચેય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માની જાણ થતાં જ પોલીસ, બચાવ ટીમ અને એક્સપ્રેસવેની સંબંધિત ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક CHC હૈદરગઢ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ પાંચેયને મૃત જાહેર કર્યા હતા.
મૃતકોમાં બે ડ્રાઈવર અને પરિવારના સભ્યોનો સમાવેશ
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના રહેવાસીઓનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ મકબુલ ખાન (62), હરિઓમ યોગી (33), અમીનુલ હક (32), રફીક (50) અને આલમ તરીકે કરવામાં આવી છે. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના બંને ડ્રાઈવરોનું પણ મોત થયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. એમ્બ્યુલન્સ અઝીઝુલ હક નામના વ્યક્તિનો મૃતદેહ લઈને પશ્ચિમ બંગાળ જઈ રહી હતી. મૃતદેહ સાથે પરિવારના સભ્યો અને બે ડ્રાઈવર મુસાફરી કરી રહ્યા હતા. આ મુસાફરી દરમિયાન થયેલા અકસ્માતે પરિવાર પર વધુ એક દુઃખનો પહાડ તોડી નાખ્યો છે.
ધુમ્મસ અને ઝડપ અકસ્માતનું કારણ હોઈ શકે
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, વહેલી સવારના ધુમ્મસ અને એમ્બ્યુલન્સની ઝડપ અકસ્માત પાછળનાં સંભવિત કારણો હોઈ શકે છે. જોકે, અકસ્માત કેવી રીતે થયો, પિકઅપ ટ્રક રસ્તા પર કઈ સ્થિતિમાં ઊભી હતી અને ટક્કરના ચોક્કસ સંજોગો શું હતા તેની તપાસ ચાલી રહી છે. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.