ઇન્દોર બાદ દિલ્હીમાં ઘર આગની ચપેટમાં, 7ના મોત
બેઝમેન્ટમાં ભરેલા કાપડ અને કોસ્મેટિક્સને કારણે આગ ભભૂકી; મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ

દિલ્હીમાં ઘર આગની ચપેટમાં, 7ના મોત

દિલ્હીમાં ઘર આગની ચપેટમાં, 7ના મોત
ઉનાળાની શરૂઆત થતાં જ જ્વલનશીલ પદાર્થો સાથે વધુ સાવચેતી રાખવી જરૂરી બનતી હોય છે. 18 માર્ચે જ દેશમાં આગના બે બનાવ નોંધાયા છે જે સામાન્ય માણસને સ્તબ્ધ કરી દે તેવા છે. ઇન્દોરમાં વહેલી સવારે શોર્ટ સર્કીટની આગથી એક જ ઘરમાં 7 સભ્યોના મોતના સમાચાર આવ્યા હતા અને તેવી જ ઘટના હવે દિલ્હીમાં બની છે.
રાજધાની દિલ્હીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાલમમાં બુધવારે સવારે એક ભયાનક અગ્નિકાંડ સર્જાયો છે. પાલમ મેટ્રો સ્ટેશન નજીક આવેલી એક પાંચ માળની રહેણાંક ઈમારતમાં વહેલી સવારે લાગેલી આગમાં એક જ પરિવારના સાત સભ્યોના ગૂંગળામણ અને દાઝી જવાથી મોત નીપજ્યા છે.
આ મૃતકોમાં ત્રણ નિર્દોષ બાળકોનો પણ સમાવેશ થાય છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વહેલી સવારે અકસ્માત
દિલ્હી ફાયર સર્વિસ (DFS)ને સવારે અંદાજે 7 વાગ્યે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. પાંચ માળની આ બિલ્ડિંગના બેઝમેન્ટ, ગ્રાઉન્ડ અને પહેલા માળે કાપડ તેમજ કોસ્મેટિકની ચીજવસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજા અને ત્રીજા માળે રહેણાંક યુનિટ્સ હતા. નીચેના ભાગે રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં ઉપરના માળ સુધી કાળા ધુમાડાના ગોટા ફેલાઈ ગયા હતા.
આગ એટલી પ્રચંડ હતી કે અંદર ફસાયેલા લોકો માટે બહાર નીકળવાના તમામ રસ્તા બંધ થઈ ગયા હતા. જીવ બચાવવા માટે બે લોકોએ બિલ્ડિંગ પરથી નીચે પડતું મૂક્યું હતું, જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડની 30 જેટલી ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, જેમને હોસ્પિટલ પહોંચાડતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે અને ટ્વિટર (X) પર પોસ્ટ કરીને મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નર તરણજીત સિંહ સંધુએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
તંત્ર દ્વારા હાલ કુલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. સાંકડી ગલીઓ અને ગેરકાયદે સ્ટોરેજને કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવ્યો હોવાનું પણ પ્રાથમિક તબક્કે જણાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ