મુંબઈના વિલે પાર્લે (પૂર્વ)માં કાંબળીવાડીમાં આવેલું 90 વર્ષ જૂનું શ્રી 1008 પાર્શ્વનાથ દિગમ્બર જૈન દેરાસર બુધવારે વહેલી સવારે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું. આ ઘટનાએ જૈન સમાજમાં ભારે આક્રોશ અને દુઃખની લાગણી ફેલાવી દીધી છે. પાલિકાનું કહેવું છે કે, આ દેરાસર ગેરકાયદેસર બાંધકામ હતું અને છેલ્લા 20 વર્ષથી આ મામલો જુદી જુદી કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં સીટી સિવિલ કોર્ટથી લઈને હાઈ કોર્ટ અને છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલી. દેરાસરના ટ્રસ્ટીઓ પાસે તેના કાયદેસરના દસ્તાવેજો ન હોવાથી આ જગ્યા ગેરકાયદેસર હોવાનું નોંધાયું હતું. તંત્રનું એમ પણ કહેવું છે કે, તોડકામ પર કોઈ સ્ટે ઓર્ડર ન હોવાથી નિયમ અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હતી અને તે પહેલાં આગલા દિવસે દેરાસરને નોટિસ પણ આપવામાં આવી હતી.
જો કે, દેરાસરના ટ્રસ્ટીઓનો દાવો તદ્દન અલગ છે. તેમના જણાવ્યા અનુસાર, આ દેરાસર 1935 ની સાલમાં બન્યું હતું અને કાયદા મુજબ 1961-62 પહેલાં બનેલા કોઈપણ બાંધકામને કાયદેસર ગણવામાં આવે છે. તેમનું કહેવું છે કે અહીં માત્ર એક સ્ટ્રક્ચર હતું અને તેમાં દેરાસર ઊભું કરવામાં આવ્યું હતું, તેથી દેરાસર પણ કાયદેસર ગણાય.
વધુમાં, દેરાસર જે કમ્પાઉન્ડમાં આવેલું છે ત્યાંની બિલ્ડિંગ રીડેવલપ થયા બાદ પાલિકા તરફથી તેને આંશિક ઓસી (ઓક્યુપન્સી સર્ટિફિકેટ) મળી હતી. પાલિકાનું કહેવું છે કે, જ્યાં સુધી ગેરકાયદેસર બાંધકામ એટલે કે દેરાસર નહીં હટાવવામાં આવે ત્યાં સુધી સંપૂર્ણ ઓસી નહીં મળે. બિલ્ડરે અગાઉ કહ્યું હતું કે બિલ્ડિંગ બન્યા બાદ દેરાસર હટાવી દેશે, પરંતુ તેમ ન કર્યું હોવાથી સોસાયટીએ દેરાસર વિરુદ્ધ કેસ કર્યો હતો. ટ્રસ્ટીઓ જણાવે છે કે 1998 માં સ્ટ્રક્ચરમાં તેમણે દેરાસરનું નિર્માણ કર્યું હતું. 2005 માં જે પ્લોટ પર દેરાસર હતું તેને પાલિકાએ બગીચા માટે આરક્ષિત જાહેર કરીને તેમને નોટિસ આપી હતી. આથી ટ્રસ્ટીઓએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ લડાઈ સીટી સિવિલ કોર્ટ, હાઈ કોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી ચાલી, જેમાં દેરાસરને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટીઓએ ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટના છેલ્લા આદેશમાં નીચલી કોર્ટમાં તમામ દસ્તાવેજો રજૂ કરવા માટે આઠ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ કામગીરી ચાલી રહી હતી, પરંતુ તેમાં બે-ત્રણ બેંક હોલિડે આવી ગયા હતા. આ દરમિયાન, મંગળવારે મોડી સાંજે તેમને બુધવારે સવારે દેરાસર તોડી પાડવાની પાલિકાની નોટિસ મળી હતી. તેથી તેઓ તાત્કાલિક કોર્ટમાં ગયા હતા અને તેના પર સુનાવણી થઈને રાહત મળવાની હતી એ પહેલાં જ પાલિકાએ દેરાસરનો 70 ટકા હિસ્સો તોડી પાડ્યો હોવાનો દાવો ટ્રસ્ટીઓએ કર્યો છે.
આ કાર્યવાહીના વિરોધમાં આજે વિલે પાર્લે (પૂર્વ)માં સવારથી એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જૈન સમાજના સાધુ-સાધ્વીજીઓ, મહારાજસાહેબ સહિત મુંબઈ જ નહીં પરંતુ દેશભરના જૈન સમાજના લોકો જોડાવાના છે. એક 90 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ આ રીતે તોડી પાડવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ કાયદાકીય પ્રક્રિયાઓ અને ધાર્મિક લાગણીઓના સંઘર્ષને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે.