આ રાજ્યમાં ઇંધણ કટોકટીથી 400 પેટ્રોલ પંપ બંધ?
અફવાઓથી વધ્યું પેનિક બાયિંગ, મુખ્યમંત્રીની બેઠક બાદ ઈંધણનું સપ્લાય સુધારવાના પ્રયાસ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
આંધ્રપ્રદેશમાં કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવની અસર હવે દેખાવા લાગી છે. રાજ્યના 4510 પેટ્રોલ પંપોમાંથી અંદાજે 421 પંપો સ્ટોકના અભાવે કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે વાહનચાલકો અને નાગરિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
રાજ્યમાં ઇંધણની કટોકટી વચ્ચે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રવિવારે સમીક્ષા બેઠક યોજી હતી. મુંબઈથી અમરાવતી પરત ફરતા પહેલા તેમણે મુખ્ય સચિવ સાઈ પ્રસાદ અને અન્ય અધિકારીઓ સાથે ટેલિફોનિક કોન્ફરન્સ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ કલેક્ટરો અને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓને ખાસ કરીને એક્વાકલ્ચર સેક્ટરમાં ઇંધણની સપ્લાય ખોરવાય નહીં તે માટે તાત્કાલિક એક્શન પ્લાન અમલમાં મૂકવા સૂચના આપી હતી.
અધિકારીઓએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, સપ્લાયમાં અડચણોની અફવાને કારણે લોકો જરૂરિયાત કરતા વધુ ઇંધણ ભરાવી રહ્યા છે. દૈનિક 6330 કિલોલીટર પેટ્રોલ અને 9048 કિલોલીટર ડીઝલનું વેચાણ થાય છે. શનિવારે 10,345 કિલોલીટર પેટ્રોલ અને 14,156 કિલોલીટર ડીઝલનું વેચાણ થયું હતું. આમ, માંગમાં 50 ટકાથી વધુનો અચાનક ઉછાળો આવતા પેટ્રોલ પંપ પરનો સ્ટોક ઝડપથી ખાલી થઈ રહ્યો છે. સપ્લાયમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં પેનિક બાયિંગને કારણે લાંબી કતારો જોવા મળી રહી છે.
આંધ્રપ્રદેશ પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ ગોપાલ કૃષ્ણાએ જણાવ્યું કે, ઓઈલ કંપનીઓ હાલમાં દર બે દિવસે એકવાર સ્ટોક રિફિલ કરી રહી છે. જે પૂરતો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પ્રતિ લીટર 30 થી 40 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જે સપ્લાય ચેઈનને અસર કરી રહ્યું છે. રવિવારે પુરવઠો સામાન્ય નહીં થાય તો સોમવાર સુધીમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPG નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પશ્ચિમ એશિયાની સ્થિતિ અને હોર્મુઝની સ્ટ્રેટના વિવાદ વચ્ચે પણ ભારત સરકાર 100 ટકા સપ્લાય સુનિશ્ચિત કરી રહી છે. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને લોકોએ બિનજરૂરી સંગ્રહખોરી કે પેનિક બાયિંગ ટાળવું જોઈએ. હાલમાં આંધ્રપ્રદેશ સરકાર ઓઈલ કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સોમવાર સુધીમાં સપ્લાય ચેઈન ફરી પાટા પર આવી જશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?