પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ POK અને પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ વિરુદ્ધ 'Operation Sindoor' શરૂ કર્યું હતું. જેમાં 9 આતંકી ઠેકાણાઓ પર નિશાન સાધીને સ્ટ્રાઈક કરવામાં આવી હતી. હવે સરકાર 'Operation Sindoor'ની સફળતા બાદ ગુરુવારે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં વિપક્ષના પણ ઘણા મોટા નેતાઓ સામેલ થયા હતા. આ બેઠક હવે સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ બેઠક પૂરી થવાની સાથે જ એક મોટી ખબર સામે આવી રહી છે, જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે 'Operation Sindoor' હજુ સુધી પૂરું થયું નથી.
હજુ પણ ચાલુ છે Operation Sindoor...
કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠક હાલમાં પૂરી થઈ ગઈ છે. આ બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તમામ સભ્યોને માહિતી આપી હતી. સૂત્રોનો દાવો છે કે, આ બેઠકમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે 'Operation Sindoor' હજુ પૂરું થયું નથી, તે હજુ પણ ચાલુ છે. રાજનાથ સિંહે આ બેઠકમાં કહ્યું હતું કે ઓપરેશન હજુ ચાલી રહ્યું છે અને સરહદ પરની સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે, તેથી અમે હમણાં વિગતો શેર કરી શકીશું નહીં. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદીની ગેરહાજરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સાથે જ મીડિયા રિપોર્ટમાં રાફેલ અંગે જે દાવો કરવામાં આવી રહ્યો છે તેના પર પણ સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
સંરક્ષણ મંત્રીએ કરી અધ્યક્ષતા...
આ સર્વપક્ષીય બેઠકમાં સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, એસ જયશંકર, જે પી નડ્ડા અને નિર્મલા સીતારમણે ભાગ લીધો હતો. જ્યારે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે આ બેઠકમાં સામેલ થયા હતા. આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય અને દ્રમુકના ટી આર બાલુ આ બેઠકમાં સામેલ થયા હતા. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ વિપક્ષી નેતાઓ પણ સામેલ થયા...
અન્ય વિપક્ષી નેતાઓમાં સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, શિવસેના (UBT)ના સંજય રાઉત, NCP (SP)ના સુપ્રિયા સુલે, BJD ના સસ્મિત પાત્રા અને માકપાના જોન બ્રિટાસ સામેલ હતા. આ ઉપરાંત જેડી (યુ) નેતા સંજય ઝા, કેન્દ્રીય મંત્રી અને લોજપા (રામવિલાસ) નેતા ચિરાગ પાસવાન અને AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ બેઠકનો ભાગ હતા.
કિરેન રિજિજુએ આપી માહિતી...
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે, સરકાર તમામ પક્ષોને ‘Operation Sindoor’ વિશે માહિતી આપવા માંગે છે. પહેલગામ આતંકી હુમલાના બદલામાં, ભારતીય સશસ્ત્ર દળોએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા હતા, જેમાં જૈશ-એ-મોહમ્મદનો ગઢ બહાવલપુર અને લશ્કર-એ-તૈયબાનો અડ્ડો મુરીદકે સામેલ છે.
પહેલગામ હુમલા બાદ થઈ કાર્યવાહી...
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 26 નાગરિકોની હત્યાના બે અઠવાડિયા બાદ ‘Operation Sindoor’ હેઠળ આ સૈન્ય હુમલા કરવામાં આવ્યા હતા. આ પહેલાં સરકારે પહેલગામ હુમલા વિશે તમામ પક્ષોના નેતાઓને માહિતી આપવા માટે 24 એપ્રિલના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.