'મોન્થા': ઓડિશા, બંગાળ, બિહાર, ઝારખંડમાં એલર્ટ
બંગાળની ખાડીમાં લૉ પ્રેશર, 27 ઓક્ટોબરથી ભારે વરસાદની આગાહી; દિલ્હીમાં ઠંડી વધી

'મોન્થા' ના કારણે હાઈ એલર્ટ

'મોન્થા' ના કારણે હાઈ એલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લૉ પ્રેશરના કારણે ચક્રવાતી વાવાઝોડાનું જોખમ વધી ગયું છે, જેના પગલે ઓડિશામાં રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, 27 ઓક્ટોબરથી ઓડિશામાં ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે.
આ સંભવિત વાવાઝોડાની અસર માત્ર ઓડિશા પૂરતી સીમિત નહીં રહે. બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ આજથી લઈને આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદની ચેતવણી અને માછીમારોને સલાહ
હવામાન વિભાગે આ અંગે વિશેષ ચેતવણી જાહેર કરી છે. રવિવારથી પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ શરૂ થવાની શક્યતા છે. ઓડિશામાં 27, 28 અને 29 ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા માછીમારોને 26 ઓક્ટોબરથી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે.
ઓડિશાની તૈયારીઓ
રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ રાજ્યની તૈયારીઓ અંગે ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, 'રાજ્ય 22 કે 29 ઓક્ટોબરે આવનારા સંભવિત વાવાઝોડા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આરોગ્ય, જળ સંસાધન, ઊર્જા અને કૃષિ વિભાગો પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે.'
ઓડિશા પૂર, નદીઓના ઉછાળા અને ચક્રવાત જેવી કુદરતી આફતો પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોવાથી, સ્થાનિક વહીવટીતંત્ર, ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં, રાહત કેન્દ્રો, સ્થળાંતરની વ્યવસ્થા અને આવશ્યક પુરવઠાની ગોઠવણ કરી ચૂક્યું છે. મંત્રીએ લોકોને ગભરાયા વિના વહીવટીતંત્રને સહયોગ કરવા વિનંતી કરી છે.
દિલ્હીના હવામાનમાં પલટો: તાપમાન ઘટ્યું, AQI 'ખરાબ'
દેશના અન્ય ભાગોના હવામાન પર નજર કરીએ તો, દિલ્હીમાં તાપમાનમાં હવે ઘટાડો શરૂ થઈ ગયો છે. શનિવારે લઘુત્તમ તાપમાન શુક્રવારની સરખામણીમાં વધુ નીચે નોંધાયું હતું. જોકે, દિલ્હીમાં હવાની ગુણવત્તા (Air Quality) હજી પણ 'ખરાબ' શ્રેણીમાં જળવાયેલી છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, શનિવારે સાંજે 4 વાગ્યે દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 292 એટલે કે 'ખરાબ' શ્રેણીમાં નોંધાયો હતો, જે શુક્રવારના 275 કરતાં વધુ છે.
હવામાન વિભાગ મુજબ, શનિવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.3 ડિગ્રી ઓછું એટલે કે 16.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.2 ડિગ્રી વધુ 32.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...