મોડાસાની બાળકીના ગળામાં પીન ફસાઈ, સિવિલમાં બચાવ
શ્વાસનળીમાં ફસાઈ પીન, 13 વર્ષની બાળકી બચી

ગળામાં પીન

ગળામાં પીન
અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકની 13 વર્ષીય તરુણી માટે શનિવારનો દિવસ મુસીબત લઈને આવ્યો હતો. શાળામાં સફાઈ દરમિયાન મળેલી એક નાનકડી સેફ્ટી પીન મોઢામાં મૂકવી આ દીકરીને એટલી ભારે પડી કે તેનો જીવ જોખમમાં મૂકાઈ જતા તેને અરવલ્લી પછી હિંમતનગર અને છેવટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ અહીંયાના ઇએનટી તબીબોની સમયસૂચકતા અને કુશળતાને કારણે ગણતરીની મિનિટોમાં પીન બહાર કઢાતા દીકરીને નવું જીવનદાન મળ્યું છે.
મોડાસા વિસ્તારમાં રહેતી 13 વર્ષીય બીજલ શનિવારે શાળાએ ગઈ હતી. સવારના સમયે શાળામાં સફાઈ ચાલી રહી હતી ત્યારે બીજલને જમીન પર પડેલી એક તીક્ષ્ણ સેફ્ટી પીન મળી હતી. તે સમયે બંને હાથમાં ઝાડુ હોવાથી બીજલે ઉતાવળમાં એ પીનને મોઢામાં દબાવી દીધી હતી. પરંતુ વિધિની વક્રતા જુઓ, સફાઈ કરતાં કરતાં અચાનક તેને ખાંસી આવી અને મોઢામાં રહેલી પીન સીધી ગળાની નીચે ઉતરી ગઈ. પીન ગળી જતાં જ બીજલને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને ગભરામણ થવા માંડી. પરિવારે તાત્કાલિક તેને મેઢાસણની સરકારી હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે હિંમતનગર લઈ જવામાં આવી. હિંમતનગરમાં પણ પીન કાઢવી શક્ય ન બનતા અંતે અત્યંત નાજુક હાલતમાં તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી.
સિવિલના ઇએનટી વિભાગના ડો. કલ્પેશ પટેલ અને ડો. શૈલી મહેતાની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. એક્સ-રે રિપોર્ટમાં માલૂમ પડ્યું કે અણીદાર પીન ફેફસાંની એકદમ નજીક શ્વાસનળીમાં ફસાયેલી છે. ડો. કલ્પેશ પટેલની સાથે એનેસ્થેસિયા વિભાગના ડો. ભાવના રાવલ અને પ્લમોલોજીસ્ટ ડો. નલીન શાહ, ડો. ઊર્જીતાએ પરામર્શ કરી દૂરબીન વડે પીન કાઢવાનું નક્કી કર્યું. તબીબોની આ ટીમે અત્યંત ચોકસાઈપૂર્વક માત્ર 2 મિનિટમાં જ ફેફસાં પાસે ફસાયેલી પીન બહાર કાઢી લીધી હતી. પીન નીકળતા જ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. નોંધનીય છે કે, આ કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે. દરજીઓ, સુતાર કે ગૃહિણીઓ વારંવાર સોય કે પીન મોઢામાં રાખવાની ભૂલ કરે છે. યાદ રાખો, એક નાનકડી ખાંસી કે છીંક આ આદતને જીવલેણ અકસ્માતમાં ફેરવી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.