વડોદરામાં વિશ્વામિત્રી નદી પરના ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અગોરા મોલનું વિવાદિત ગેરકાયદે બાંધકામ દૂર કરાયુ

વડોદરામાં વિશ્વામિત્રી નદી પરના ગેરકાયદે દબાણો

વડોદરામાં વિશ્વામિત્રી નદી પરના ગેરકાયદે દબાણો
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી ઉપરના ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમોએ 6 જેસીબી સાથે ગેરકાયદે દબાણ હટાવવાની કામીગીરી શરૂ કરી છે. અગોરા મોલના વિવાદિત ક્લબ હાઉસના ગેરકાયદે બાંધકામને દૂર કરી 3 હજાર સ્કેવર ફૂટ જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાની અન્ય ટીમોએ નિઝામપુરા વિસ્તારમાં ભૂખી કાંસ ઉપરના ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા.
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમોએ વિશ્વામિત્રી નદી પરના દબાણો હટાવવાની કામગીરી આરંભી છે. જેમાં સૌપ્રથમ બાલાજી ગૃપે અગોરા મોલમાં બનાવેલા 3 હજાર સ્ક્વેર ફૂટ ક્લબ હાઉસના ગેરકાયદે બાંધકામને દૂર કર્યુ હતુ.
ક્લબ હાઉસ દૂર કરવાથી વિશ્વામિત્રી નદી કિનારાની 3 હજાર સ્ક્વેર ફૂટ ઉપરાંત જગ્યા ખુલ્લી થશે. આ ક્લબ હાઉસમાં ભવ્ય ઓફિસો બનાવવામાં આવી હતી. ઈન્ટિરિયર ડેકોરેશન સાથે કાચના દરવાજા બનાવ્યા હતા. મોલના માણસોએ ફર્નિચર સહિત અન્ય સામાન કાઢી લીધો હતો. ક્લબ હાઉસમાં ઓફિસો બનાવી વેચાણ અને ભાડેથી આપવામાં આવી હતી. જ્યારે અન્ય ટીમોએ નિઝામપુરામાં ભૂખી કાંસ ઉપરનાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.
વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરને એક મહિનો પૂર્ણ થયો છે. વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર માટે કિનારે ખડકી દેવામાં આવેલાં દબાણો જવાબદાર ઠેરવાયાં હતાં. જેને લઈને શહેરીજનો અને વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. પરિણામે કોર્પોરેશન દ્વારા વેમાલીથી વડસર સુધી 23 કિલોમીટરના કિનારા ઉપર ડ્રોન તેમજ ફિઝિકલી સરવે કરવામાં આવ્યો હતો. સરવે દરમિયાન 25 જેટલાં દબાણો સામે આવ્યાં હતાં. જેમાંથી 11 જેટલાં દબાણકારોને નોટિસ પાઠવી 72 કલાકમાં દબાણ દૂર કરવા તાકિદ કરી હતી.
મહાનગરપાલિકાએ આપેલી નોટિસનું 72 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થતાં સવારથી દબાણ શાખાની ટીમોએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. મંગલ પાંડે રોડ ઉપર આવેલા શહેરના સૌથી મોટા અગોરા મોલ પરના દબાણો દૂર કરવાની કામગીરીથી શરૂઆત કરવામાં આવી હતી. અગોરા મોલના માલિકાએ નદી કિનારે દબાણ કરી રિટર્ન વોલ તેમજ ક્લબ હાઉસ બનાવી દીધુ હતું.
ઝૂંપડપટ્ટી હટાવી મહાનગરપાલિકાએ બાલાજી ગૃપને જમીન આપી
વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા મહાનગરપાલિકાએ ઝુંપડપટ્ટી હટાવવાની કામગીરી 10 વર્ષ અગાઉ શરૂ કરી હતી. મંગલ પાંડે રોડ ઉપર સંજયનગર ઝુંપડપટ્રીને દૂર કરી મહાનગરપાલિકાએ પીપીપી મોડેલથી તે જગ્યા બાલાજી ગૃપને આપી હતી. બાલાજી ગૃપે આ જગ્યા ઉપર સંજયનગર ઝૂંપડપટ્ટીના લોકો માટે આવાસ બનાવ્યાં હતાં અને બાકીની જગ્યા ઉપર વડોદરાનો સૌથી મોટો અગોરા મોલ બનાવ્યો હતો.
અગોરા મોલનું બાંધકામ શરૂ થયું ત્યારથી વિવાદ શરૂ થયો હતો. પૂર્વ વિપક્ષ નેતા અમીબેન રાવત, વિશ્વામિત્રી બચાવ સમિતિ અને શહેરીજનોએ અગોરા મોલ મુદ્દે આક્ષેપો કરી વિરોધ કર્યો હતો. પરંતુ શાસક પક્ષ ભાજપે આંખ આડા કાન કરી અગોરા મોલના વહીવટકર્તાઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નહોતી. પરિણામે અગોરા મોલના માલિકોએ વિશ્વામિત્રી નદીના કિનારા પર મોટું દબાણ કરી દીધું હતું.
એક મહિના અગાઉ વિનાશક પૂર આવતાં તંત્ર દોડતું થયું
26 ઓગસ્ટ 2024ના રોજ વિશ્વામિત્રી નદીમાં ભારે પૂરના કારણે નદી કિનારે થયેલાં દબાણો અંગે જનઆક્રોશ શરૂ થયો હતો. શાસક પક્ષ અને વહીવટીતંત્ર ઉપર માછલા ધોવાતા નદી કિનારાનાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. પૂરને કારણે થયેલા ભારે નુકસાનને પગલે શહેરીજનોનો રોષ હજુ શમ્યો નથી. વિપક્ષ કોંગ્રેસે પણ વિશ્વામિત્રી નદીમાં આવેલું પૂર માનવસર્જિત નહીં પણ ભાજપસર્જિત પૂર હોવાનો આક્ષેપ કર્યો હતો. વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે ચારેકોરથી ફસાયેલી રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરવા કોર્પોરેશનને તાકીદ કરી હતી. જેના પગલે કોર્પોરેશને દબાણો શોધવાની કામગીરી શરૂ કરી હતી.
ફિઝિકલ અને ડ્રોન સર્વે કરી 11 દબાણકારોને નોટિસ આપી હતી
વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, વિશ્વામિત્રી નદી ઉપરનાં દબાણો શોધવા વેમાલીથી વડસર સુધી 23 કિલોમીટર સુધી ફિઝિકલ તેમજ ડ્રોન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 11 જગ્યાઓ ઉપર દબાણો જણાઈ આવતાં મહાનગરપાલિકાએ નોટિસ પાઠવી હતી. તેઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં નહીં આવતાં 72 કલાક બાદ માર્જિનની જગ્યામાં થયેલાં દબાણોને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પૂર્વ સચિવ નવલાવાલાને જવાબદારી સોંપાઈ
રાજ્ય સરકારે વિશ્વામિત્રી નદી ઉપર વિકાસ માટે રૂપિયા 1200 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારના પૂર્વ સચિવ બી.એન. નવલાવાલાને જવાબદારી સોંપવામાં આવી છે. તેમના વડપણ હેઠળની ટીમે કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી પૂર અંગે તૈયાર થયેલા પ્રોજેક્ટ પર ચર્ચા કરી હતી.
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરનું કાયમી નિરાકરણ લાવવા સરકારે ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી છે. જેના અધ્યક્ષ તરીકે કેન્દ્ર સરકારના પૂર્વ સચિવ બી.એન.નવલાવાલાની નિમણૂક કરવામાં આવી છે. નવલાવાલાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠોડ, વોટર કમિશન, ગાંધીનગરના ચીફ એન્જિનિયર એન.એન. રાય, એમ.એસ. યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ગોપાલ ભટ્ટી જોડાયા હતા. બેઠકમાં કોર્પોરેશનના પદાધિકારીઓ કે ભાજપાના હોદ્દેદારોને દૂર રાખવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?