અમદાવાદમાં AMTS બસ ડેપોની દીવાલ ધરાશાયી
યુવકનું મોત: ત્રણ મહિનામાં ત્રણ રજૂઆત છતાં બેદરકારી
બસ ડેપોની દીવાલ ધરાશાયી
બસ ડેપોની દીવાલ ધરાશાયી
અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં AMTS બસ ડેપોની જર્જરિત દીવાલ ધરાશાયી થતાં એક યુવકનું કરુણ મોત થયું છે. સ્થાનિક રહીશો અને કોર્પોરેટરે વારંવાર ફરિયાદ કરી હોવા છતાં, છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ વખત પત્રો લખીને જાણ કરવામાં આવી હોવા છતાં, મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા, જેના કારણે આ દુ:ખદ ઘટના બની. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઓરંગાબાદકર પાસે AMTS અને પશ્ચિમ ઝોનનો હવાલો હોવા છતાં, યોગ્ય ધ્યાન ન આપવામાં આવ્યું, જેના કારણે તેમની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા થયા છે. ઘટના બાદ પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.
યુવક કાટમાળમાં દટાયો, હોસ્પિટલમાં મોતનવા વાડજમાં આવેલા શ્રીનાથ બસ ડેપોની દીવાલ 16 સપ્ટેમ્બર, 2025ની વહેલી સવારે ધરાશાયી થઈ. દીવાલ પડવાનો અવાજ સાંભળીને નજીકના જવાહર નગરના છાપરામાં રહેતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા. દીવાલ નજીક બેઠેલા સુરેશ ભરવાડ (ઉં.વ. 30) નામના યુવક પર દીવાલનો કાટમાળ પડ્યો, જેના કારણે તે દટાઈ ગયો. સ્થાનિક લોકોએ તાત્કાલિક કાટમાળ હટાવીને તેને બહાર કાઢ્યો અને હોસ્પિટલમાં મોકલ્યો. જોકે, ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું.
વાડજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. આ દીવાલ ઘણા વર્ષો જૂની અને જર્જરિત હતી. સામેના ભાગે આવેલા છાપરામાં રહેતા લોકો દીવાલ નજીક બેસતા હતા, પરંતુ વહેલી સવારે ઓછા લોકો હોવાથી મોટી જાનહાનિ ટળી. જોકે, એક યુવકનું મોત થયું, જે દુ:ખદ છે.
સ્થાનિકોનો આક્ષેપ: 'વારંવાર ફરિયાદો કરી, પણ કોઈ સાંભળ્યું નહીં'સ્થાનિક રહીશ લાખાભાઈએ જણાવ્યું, "સવારે 6:30 વાગ્યે દીવાલ અચાનક ધડામ કરતાં પડી. અમે દોડીને બહાર આવ્યા અને સુરેશને કાટમાળમાંથી બહાર કાઢ્યો. તેનો શ્વાસ ચાલુ હતો, પરંતુ હોસ્પિટલમાં તેનું મોત થયું. અમે આ દીવાલની જર્જરિત સ્થિતિ અંગે ત્રણ-ચાર વખત ફરિયાદ કરી હતી, પણ કોઈ ધ્યાન આપ્યું નહીં."
અન્ય રહીશ સોનલબેને કહ્યું, "અમે 40 વર્ષથી અહીં રહીએ છીએ. આ દીવાલ વર્ષોથી જોખમી હાલતમાં હતી. અમે અવારનવાર ફરિયાદો કરી, પરંતુ તંત્રએ નજીવું રિપેરિંગ કરીને બાબત ટાળી. અગાઉ પણ દીવાલનો ભાગ પડ્યો હતો, જેમાં એક મહિલા બચી ગઈ હતી. આ વિસ્તારમાં બાળકો રમે છે અને લોકો બેસે છે, છતાં તંત્રએ ગંભીરતા દાખવી નહીં."
યુવક ખાટલામાં સૂતો હતો ત્યારે ઘટના બનીએક વૃદ્ધ રહીશે જણાવ્યું, "સુરેશ નાનપણથી અહીં મોટો થયો હતો. તેના માતા-પિતાનું અહીં જ મોત થયું હતું. તેણે પોતાનું મકાન વેચી દીધું હતું અને બીજે રહેવા ગયો હતો. ગઈકાલે તે અહીં આવ્યો હતો અને ખાટલામાં સૂતો હતો ત્યારે આ ઘટના બની."
ત્રણ મહિનામાં ત્રણ પત્રો, છતાં કોઈ પગલાં નહીંનવા વાડજ વોર્ડના ભાજપ કોર્પોરેટર વિજય પંચાલે જણાવ્યું, "શ્રીનાથ બસ ડેપોની દીવાલ ખૂબ જ જર્જરિત હતી. ચોમાસામાં તે ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિ હતી. અમે ત્રણ મહિનામાં AMTSના ટ્રાન્સપોર્ટ મેનેજરને ત્રણ પત્રો લખ્યા હતા. 17 જૂન, 19 જૂન અને 30 ઓગસ્ટ, 2025ના રોજ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર અને ઇજનેર વિભાગે પત્રો લખીને દીવાલના રિપેરિંગ અથવા દૂર કરવાની માંગ કરી હતી. છતાં કોઈ પગલાં લેવાયા નહીં."
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર બેદરકારીનો આરોપડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઓરંગાબાદકર પાસે AMTS અને પશ્ચિમ ઝોનનો હવાલો છે. નવા વાડજ પશ્ચિમ ઝોનમાં આવે છે, અને AMTS પણ તેમની જવાબદારી હેઠળ છે. છતાં, આ મુદ્દે યોગ્ય ધ્યાન ન આપવામાં આવ્યું, જેના કારણે તેમની બેદરકારી પર સવાલો ઉભા થયા છે. સ્થાનિકો અને કોર્પોરેટરે આ ઘટનાને તંત્રની ગંભીર નિષ્ફળતા ગણાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!