Congress Leader Virji Thummar Passes Away: ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનું અમરેલી ખાતે નિધન થયું છે. લાંબા સમયથી બીમાર રહેલા વીરજી ઠુમ્મરે ટૂંકી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારથી અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રાજકીય અને સહકારી ક્ષેત્રમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત દ્વારા તેમના નિધનની માહિતી આપવામાં આવી છે. વીરજી ઠુમ્મરની અંતિમયાત્રા આજે સાંજે 5 વાગ્યે અમરેલી ખાતે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. અંતિમયાત્રામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો ઉપરાંત સૌરાષ્ટ્રના વિવિધ રાજકીય આગેવાનો અને સમર્થકો જોડાય તેવી શક્યતા છે.
ત્રણ ટર્મ ધારાસભ્ય અને એક ટર્મ સાંસદ
વીરજી ઠુમ્મરની રાજકીય કારકિર્દી લાંબી અને મહત્વપૂર્ણ રહી છે. 1990માં તેઓ બાબરા બેઠક પરથી જનતા દળના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા હતા. 1995માં બાબરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ ફરી ધારાસભ્ય બન્યા હતા. 1990થી 1998 દરમિયાન તેમણે વિધાનસભામાં વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. 2004ની લોકસભા ચૂંટણીમાં વીરજી ઠુમ્મર અમરેલી બેઠક પરથી કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 2004થી 2009 સુધી અમરેલીના સાંસદ રહ્યા હતા. ત્યારબાદ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ લાઠી-બાબરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને 2017થી 2022 સુધી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. રાજકીય ક્ષેત્ર ઉપરાંત વીરજી ઠુમ્મર વિવિધ સહકારી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા રહ્યા હતા. સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં પણ તેમની આગવી ઓળખ હતી.
ખેડૂતોના પ્રશ્નો માટે આક્રમક રાજકીય શૈલી
વીરજી ઠુમ્મર ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી અને જનહિતના મુદ્દાઓને લઈને સરકાર સામે અવાજ ઉઠાવવા માટે જાણીતા હતા. વિપક્ષમાં રહીને તેઓ ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા હતા. તેમના નિવેદનો અને ભાષણોમાં આક્રમક રાજકીય શૈલી જોવા મળતી હતી. જમીન સાથે જોડાયેલા નેતા તરીકે અમરેલી અને સૌરાષ્ટ્રના રાજકારણમાં તેમની અલગ ઓળખ બની હતી. ખેડૂતો અને સ્થાનિક લોકોના પ્રશ્નોને વિધાનસભા તથા સંસદ સુધી પહોંચાડવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ વ્યક્ત કર્યો શોક
વીરજી ઠુમ્મરના નિધન પર કોંગ્રેસના નેતા લલિત વસોયાએ શોક વ્યક્ત કરતાં કહ્યું કે તેમના અવસાનથી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટી ખોટ પડી છે. તેમણે જણાવ્યું કે વીરજી ઠુમ્મર હંમેશા ખેડૂતો અને સમાજ માટે લડતા રહ્યા હતા અને કોંગ્રેસમાં તેમની લડાયક નેતા તરીકે છાપ હતી. લલિત કગથરાએ વીરજી ઠુમ્મરને જમીન સાથે જોડાયેલા નેતા અને પાટીદાર સમાજના મોભી ગણાવ્યા હતા. તેમણે સહકારી ક્ષેત્રમાં વીરજી ઠુમ્મરની સેવાઓને પણ યાદ કરી હતી. ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પણ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે પાટીદાર સમાજને મોટી ખોટ પડી છે. અમરેલીના ભાજપ સાંસદ ભરતભાઈ સુતરિયાએ પણ વીરજી ઠુમ્મરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે વીરજી ઠુમ્મર હંમેશા લોકોના પ્રશ્નો માટે લડતા હતા. તેમના નિધનથી કોંગ્રેસ પરિવારને મોટી ખોટ પડી છે. તેમણે વીરજી ઠુમ્મરની સાદગી, સમર્પણ અને જાહેર સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને યાદ કરી હતી.
રાજકીય વારસો પુત્રી જેની ઠુમ્મર સાથે આગળ
વીરજી ઠુમ્મરનો રાજકીય વારસો તેમની પુત્રી જેની ઠુમ્મર પણ આગળ ધપાવી રહ્યા છે. જેની ઠુમ્મર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને 2024ની લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. વીરજી ઠુમ્મરના નિધનથી અમરેલી કોંગ્રેસ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રાજકીય ક્ષેત્રમાં શોકની લાગણી છે. આજે સાંજે 5 વાગ્યે નીકળનારી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, કાર્યકરો અને સમર્થકો જોડાય તેવી શક્યતા છે.