વલસાડમાં લાલચ આપી યુવતી સાથે રૂ.10 લાખની ઠગાઈ
યુકેમાં નોકરી-વર્ક વિઝા અપાવવાના બહાને છેતરપિંડી આચરી

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Valsad : વલસાડમાં યુકેમાં નોકરી અને વર્ક વિઝા અપાવવાની લાલચ આપી એક યુવતી સાથે રૂ.10 લાખની છેતરપિંડી આચરવાના મામલે વલસાડ સીટી પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અગાઉ મુખ્ય આરોપી ગુલામની ધરપકડ કર્યા બાદ હવે ‘અલોરા ઈમિગ્રેશન’ અને ‘એ ફિટનેસ’ની મહિલા પ્રોપરાઈટર તબસુમ અબ્દુલ પઠાણને પણ પોલીસે ઝડપી પાડી છે.
ફેસબુક મિત્ર મારફતે થયો હતો સંપર્ક
પોલીસ ફરિયાદ મુજબ વલસાડના ધનોરી ઢોડીયાવાડ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય સોનલબેન પટેલ યુકે જઈ નોકરી કરવા ઈચ્છતા હતા. દરમિયાન તેમના ફેસબુક મિત્ર લવેશભાઈએ અબ્રામા ધરમપુર રોડ પર આવેલી શિવમ ઈન્ફિનીટીમાં ઓફિસ ધરાવતા વિઝા એજન્ટ ગુલામભાઈનો સંપર્ક કરાવ્યો હતો.
યુકે વર્ક વિઝા માટે રૂ.20 લાખની ડીલ
જ્યારે ‘અલોરા ઈમિગ્રેશન’ ઓફિસે પહોંચ્યા ત્યારે આરોપી ગુલામે યુકેના વર્ક વિઝા માટે કુલ રૂ.20 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. જેમાં શરૂઆતમાં રૂ.10 લાખ એડવાન્સ, વિઝા મંજૂર થયા બાદ રૂ.5 લાખ અને યુકે પહોંચ્યા પછી બાકીના રૂ.5 લાખ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.આરોપીએ શરૂઆતમાં વિઝીટ વિઝા કાઢી આપવાના બહાને સોનલબેન પાસેથી અલગ-અલગ હપ્તામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.25 એપ્રિલ 2025ના રોજ રૂ.50 હજાર,4 જૂન 2025ના રોજ રૂ.30 હજાર ‘અલોરા ઈમિગ્રેશન’ના બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા.ત્યારબાદ 21 જૂન 2025ના રોજ ‘એ ફિટનેસ જીમ’ના ICICI બેંક ખાતામાં રૂ.20 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.
વિઝા કેન્સલનું નાટક રચી વધુ રૂપિયા પડાવ્યા
મુંબઈ ખાતે ઇન્ટરવ્યૂ અપાવ્યા બાદ આરોપીઓએ વિઝીટ વિઝા કેન્સલ થયાનું નાટક રચ્યું હતું. ત્યારબાદ વર્ક વિઝા પાક્કો થઈ જશે તેવી ખાતરી આપી સોનલબેનનો વિશ્વાસ જીત્યો હતો.આ વિશ્વાસમાં આવી સોનલબેને 18 જુલાઈ 2025ના રોજ RTGS મારફતે સીધા રૂ.9 લાખ ‘અલોરા ઈમિગ્રેશન’ના ખાતામાં જમા કરાવ્યા હતા. આમ કુલ રૂ.10 લાખ આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર થયા હતા.
ન વિઝા મળ્યા,ન રૂપિયા પરત
લાંબો સમય વીતી જવા છતાં સોનલબેનને ન તો યુકેનો વિઝા મળ્યો અને ન તો તેમના રૂપિયા પરત મળ્યા. રૂપિયા પરત માંગતા આરોપી ગુલામ વારંવાર વાયદા કરતો રહ્યો અને અંતે સંપર્ક ટાળવા લાગ્યો હતો.છેતરાયા હોવાનો અહેસાસ થતા સોનલબેને વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મહિલા પ્રોપરાઈટર તબસુમ પઠાણ ઝડપાઈ
ફરિયાદના આધારે વલસાડ સીટી પોલીસે BNS કલમ 316(2) અને 318(4) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જે બેંક ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા તે ‘અલોરા ઈમિગ્રેશન’ અને ‘એ ફિટનેસ’ની પ્રોપરાઈટર તબસુમ અબ્દુલ પઠાણના હોવાનું સામે આવ્યું હતું.જેના આધારે પોલીસ સબ ઈન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલની ટીમે ઝડપી કાર્યવાહી કરીને મહિલા આરોપી તબસુમ પઠાણની ધરપકડ કરી છે.હાલ પોલીસે સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?