વડોદરા: સાતમા માળેથી કૂદવા ગયેલા યુવકનું રેસ્ક્યુ
માંજલપુરમાં હાઈવોલ્ટેજ ડ્રામા: મહિલા મિત્ર સાથે અણબનાવ થતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

વડોદરા માંજલપુર રેસ્ક્યુ ઓપરેશન

વડોદરા માંજલપુર રેસ્ક્યુ ઓપરેશન
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આજે એક હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. માંજલપુરના 232 ફાટક પાસે આવેલી માતૃકા રેસીડેન્સીમાં એક યુવકે સાતમા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા આસપાસના રહીશોમાં ફાળ પડી હતી. જોકે, પોલીસ અને ફાયર વિભાગની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને બે કલાકની ભારે જહેમત બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના ?
મળતી માહિતી મુજબ, માંજલપુરની માતૃકા રેસીડેન્સીમાં રહેતો એક યુવક તેની મહિલા મિત્ર સાથે લીવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. કોઈ કારણોસર બંને વચ્ચે ઉગ્ર અણબનાવ સર્જાયો હતો. આ ઝઘડા બાદ આવેશમાં આવી ગયેલા યુવકે બિલ્ડિંગના સાતમા માળની ટેરેસ પર જઈને પેરાફિટ (અગાસીની પાળી) પર બેસી નીચે કૂદવાની ધમકી આપી હતી. યુવકને જોખમી રીતે પાળી પર બેઠેલો જોઈને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ત્રણ ફાયર સ્ટેશનની ટીમો વચ્ચે મેગા રેસ્ક્યુ ઓપરેશન :
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માંજલપુર પોલીસ સ્ટેશન તેમજ વડોદરા ફાયર બ્રિગેડની ત્રણ અલગ-અલગ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જીઆઈડીસી, ગાજરાવાડી અને પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનોએ સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયરના જવાનોએ યુવકને સમજાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. બીજી તરફ, કોઈ અઘટિત ઘટના ન બને તે માટે નીચે નેટ અને ગાદલાની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. અંદાજે બે કલાક સુધી ચાલેલા આ ડ્રામા બાદ ફાયરના જવાનોએ કુનેહપૂર્વક યુવકને પકડી લીધો હતો અને તેને સુરક્ષિત રીતે ટેરેસ પરથી નીચે લાવવામાં આવ્યો હતો.
પોલીસની કાર્યવાહી અને પૂછપરછ :
યુવકને રેસ્ક્યુ કર્યા બાદ પોલીસ તેને પૂછપરછ માટે માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મહિલા મિત્ર સાથેના વિવાદને કારણે યુવકે આ આત્યંતિક પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે યુવક અને તેની સાથે રહેતી યુવતીના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે માતૃકા રેસીડેન્સીના રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
વડોદરા ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, સમયસર મળેલી માહિતી અને ટીમોના ઝડપી પ્રતિસાદને કારણે યુવકનો જીવ બચાવી શકાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.