Vadodara GSFC Gas Leak Accident: વડોદરા શહેર નજીક આવેલા ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (GSFC)ના યુરિયા પ્લાન્ટમાં સોમવારે સવારે મેન્ટેનન્સની કામગીરી દરમિયાન અચાનક ગેસ ગળતરની ગંભીર ઘટના બની હતી. ગેસ લીકેજની અસર થતાં બે કર્મચારીઓની તબિયત લથડી હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે છાણીની શ્રીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન એક કર્મચારીનું મોત થતાં GSFCના ઔદ્યોગિક એકમમાં ચકચાર મચી ગઈ હતી.
GSFC યુરિયા પ્લાન્ટમાં મેન્ટેનન્સ દરમિયાન ગેસ લીકેજ
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના છેવાડે આવેલા GSFCના યુરિયા પ્લાન્ટમાં સવારે મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક ગેસ ગળતર થતાં પ્લાન્ટમાં કામ કરી રહેલા બે કર્મચારીઓ તેની અસર હેઠળ આવ્યા હતા. ગેસની અસર થતાં બંને કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તેમાંથી એક કર્મચારીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. શ્રીજી હોસ્પિટલમાં તબીબોએ તપાસ કર્યા બાદ એક કર્મચારીને મૃત જાહેર કર્યો હતો, જ્યારે અન્ય એક કર્મચારીની સારવાર હાલ ચાલી રહી છે.
ગેસ ગળતરની ઘટનામાં ઘનશ્યામ ગોહિલનું મોત
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કર્મચારીની ઓળખ બાજવાના રહેવાસી ઘનશ્યામ ગોહિલ તરીકે થઈ છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે ઘનશ્યામ ગોહિલ GSFCમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી તરીકે છેલ્લા 20થી 25 વર્ષથી નોકરી કરતા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. પતિના મોતના સમાચાર મળતાં પત્નીએ પરિવાર અને બે બાળકોના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
‘મારા બાળકોનું ભરણપોષણ કેવી રીતે કરીશ?’
મૃતક ઘનશ્યામ ગોહિલની પત્નીએ જણાવ્યું હતું કે, “મારે બે દીકરા છે. એક 7 વર્ષનો અને બીજો 14 વર્ષનો છે. હવે હું તેમને એકલા કેવી રીતે ઉછેરું? મારો કોઈ સહારો નથી. ન તો મમ્મી-પપ્પા છે કે ન તો સાસુ-સસરા.” તેમણે વધુમાં જણાવ્યું કે તેમના પતિ GSFCમાં 20થી 25 વર્ષથી નોકરી કરતા હતા અને હવે પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે તે મોટો સવાલ છે. પત્નીએ કંપનીની જવાબદારી અંગે સવાલ ઉઠાવી ન્યાયની માંગ કરી છે.
ગેસ કયા કારણોસર લીક થયો? તપાસ શરૂ
ગેસ ગળતરની ઘટનાની જાણ થતાં છાણી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. GSFCના યુરિયા પ્લાન્ટમાં ગેસ કયા કારણોસર લીક થયો અને મેન્ટેનન્સની કામગીરી દરમિયાન કઈ પરિસ્થિતિમાં આ દુર્ઘટના બની તે અંગે હાલ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા ઘટનાની કાયદેસરની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ ઔદ્યોગિક એકમમાં સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી રહી હતી કે કેમ તે અંગે પણ તપાસ થઈ શકે છે.
GSFC ગેસ ગળતર બાદ પરિવાર સામે મોટો સવાલ
GSFCમાં ગેસ ગળતરની આ ઘટનામાં એક કર્મચારીનું મોત થતાં તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ખાસ કરીને બે બાળકોની જવાબદારી હવે પરિવાર માટે મોટો પડકાર બની છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે. ગેસ લીકેજનું ચોક્કસ કારણ, ઘટનાની પરિસ્થિતિ અને જવાબદારી અંગે તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવી શકે છે.