વડનગરમાં મૃતક યુવકની સુસાઈડ નોટથી ખળભળાટ
પત્ની-પુત્રીની હત્યા કરી લાશ દાટી દીધાની કબૂલાત

વડનગર સિવિલમાં યુવકનો આપઘાત

વડનગર સિવિલમાં યુવકનો આપઘાત
Vadnagar Suicide Shocker: મહેસાણા જિલ્લાના વડનગર પંથકમાં રવિવારે રાત્રે એક એવી ઘટના બની જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. વડનગરની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી કૂદીને એક યુવકે આપઘાત કર્યો હતો, પરંતુ આ આપઘાતની તપાસમાં જે રહસ્ય ખુલ્યું તે કોઈ ફિલ્મની પટકથા જેવું ભયાનક છે. મૃતક યુવકના ખિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટમાં તેણે કબૂલાત કરી છે કે, તેણે 6 મહિના પહેલા પોતાની પત્ની અને માસૂમ દીકરીની હત્યા કરી તેમના મૃતદેહ પોતાના જ ઘરમાં દાટી દીધા હતા.
હોસ્પિટલમાં આપઘાત અને રહસ્યનો ખુલાસો
વડનગર તાલુકાના શાહપુર વડ ગામના રહેવાસી અને હીરાના કારખાનામાં કામ કરતા ગિરીશ બાબુભાઇ પરમારે 3 મે, 2026ની સાંજે વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બાદ પોલીસ દ્વારા જ્યારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ અને તપાસ કરવામાં આવી, ત્યારે તેના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. આ સુસાઈડ નોટમાં ગિરીશે લખ્યું હતું કે, "મેં છ મહિના પહેલા મારી પત્ની પ્રિયંકા અને દીકરી પરીની હત્યા કરી દીધી છે અને તેમની લાશ શાહપુર વડ સ્થિત મારા પોતાના મકાનમાં જ દાટી દીધી છે." આ ચોંકાવનારી કબૂલાત સામે આવતા જ વડનગર પોલીસ અને વહીવટી તંત્ર સ્તબ્ધ થઈ ગયું હતું.
હત્યા બાદ અફવા અને છ મહિનાનો છુપાવેલો ગુનો
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગિરીશ અને પ્રિયંકાએ ચાર વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. ગિરીશે અંદાજે છ મહિના પહેલા પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ સમાજ અને પરિવારમાં અફવા ફેલાવી હતી કે તેની પત્ની પ્રિયંકા પુત્રી અને ઘરેણાં લઈને ક્યાંક જતી રહી છે. ગુનો છુપાવવા માટે તે પોતે પણ પોતાની બહેનના ઘરે રહેવા જતો રહ્યો હતો. આ દરમિયાન પ્રિયંકાના દાદા રમણભાઈએ 18 સપ્ટેમ્બરના રોજ ગિરીશ સાથે વાત કરી હતી, જેમાં ગિરીશે તેમને પણ એવું કહીને ગુમરાહ કર્યા હતા કે પ્રિયંકા પોતાની મેળે જતી રહી છે અને તે પરત આવી જશે. જોકે, છ મહિના સુધી કોઈ પત્તો ન મળતા અંતે પ્રિયંકાના દાદાએ 15 દિવસ પહેલા વડનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસના ડરથી અંતિમ પગલું
પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ગિરીશને એવો ફાળ પડ્યો હતો કે હવે ગમે ત્યારે તેનો ભાંડો ફૂટી જશે. પોલીસ તપાસની સોય તેના સુધી પહોંચે અને ધરપકડ થાય તે પહેલા જ ગિરીશે મોતને વહાલું કરવાનું નક્કી કર્યું હતું. આપઘાતના આ પગલાં પાછળ ગુનાનો પસ્તાવો, પોલીસનો ડર અને કૌટુંબિક વિવાદ કારણભૂત હોવાનું મનાય છે.
ઘરની અંદર મૃતદેહોની શોધખોળ શરૂ
સુસાઈડ નોટમાં કરવામાં આવેલા ઘટસ્ફોટ બાદ આજે વડનગર પોલીસ, મામલતદાર અને એફએસએલની ટીમ મજૂરો સાથે શાહપુર વડ ગામે પહોંચી છે. ગિરીશના બંધ મકાનની અંદર જ્યાં તેણે મૃતદેહો દાટ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે, ત્યાં ખોદકામ કરી લાશ બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ કમકમાટીભરી ઘટનાએ સમગ્ર મહેસાણા જિલ્લામાં ચર્ચા જગાવી છે. માતા-પિતા બંનેના મોતના કારણે ગિરીશના અન્ય સંતાનોએ છત્રછાયા ગુમાવી છે, જેણે પરિવારમાં ભારે શોકનું મોજું ફેરવી દીધું છે. વડનગર પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને હત્યાના આ રહસ્યમયી પ્રકરણની ઊંડી તપાસ તેજ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?