ગુજરાતમાં ડીઝલની અછતથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંકટમાં
ડીઝલની અછત વધતાં 12 લાખ ટ્રકો બંધ થવાની ભીતિ, જીવનજરૂરી ચીજો મોંઘી થવાની શક્યતા

AI જનરેટેડ

AI જનરેટેડ
ગુજરાતમાં કેટલાક દિવસોથી ડીઝલની અછત વધુ ગંભીર બની રહી છે. વૈશ્વિક સ્તરે ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ઇંધણ પુરવઠા પર અસર જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સામે મોટું સંકટ ઊભું થયું છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે તાત્કાલિક ડીઝલ પુરવઠો સામાન્ય નહીં બને તો રાજ્યમાં લગભગ 12 લાખ ટ્રકોના પૈડા થંભી શકે છે.
ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પહેલાથી જ મંદીની અસર હેઠળ છે. હવે ડીઝલની અછત વધતાં માલસામાનની હેરફેર પ્રભાવિત થઈ રહી છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. અનેક હાઈવે પર આવેલા પેટ્રોલ પંપોએ ડીઝલ ઉપલબ્ધ ન હોવાના બોર્ડ લગાવ્યા છે. ઘણા સ્થળોએ મર્યાદિત ડીઝલ આપવામાં આવતું હોવાથી ટ્રકચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અગાઉથી આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે. તેવામાં ડીઝલની અછત સર્જાતા ટ્રાન્સપોર્ટરો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ કફોડી બની છે. હાઈવેના મોટાભાગના પેટ્રોલપંપો બંધ અવસ્થામાં છે જ્યાં પાટિયા લાગ્યાં છે કે, ડીઝલનો જથ્થો નથી. ડીઝલ માટે ટ્રકચાલકોને આમથી તેમ ભટકવું પડે છે. મહત્વની બાબત એ છે કે, પેટ્રોલ પંપો પર મર્યાદિત લિટર જ ડીઝલ આપવામાં આવે છે. જેથી દૂરના અંતરમાં જતાં ટ્રકચાલકો અટવાઈ જાય તેવી સ્થિતિ પરિણમી છે.
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની રજૂઆત
ડીઝલ વિના માલસામાનની હેરફેર કરતાં ટ્રકચાલકો અટવાઈ પડયા છે. અપૂરતા ડીઝલના લીધે માલસામાનની સમયસર ડિલિવરી થઇ શકતી નથી. પરિણામે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વ્યાપક અસર પહોંચી છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી સ્થિતિ બાબતે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને રાજ્ય સરકારને રજૂઆત કરી છે.
ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ વાસણ આહિરે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી કે, એક તરફ મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ત્યારે ડીઝલની અછતને પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગે તેમ છે. આ પરિસ્થિતિ યથાવત રહી તો ગુજરાતમાં 12 લાખ ટ્રકોના પૈડા થંભી જશે એ દિવસો દૂર નથી. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ થશે તો લાખો લોકોની રોજગારી છીનવાઈ શકે છે.
ટ્રકોની અવરજવર અટકશે તો શાકભાજીથી માંડીને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચે તેમ છે. આ જોતાં ઈધણની અછત દૂર કરવા અને મંદીમાં રહેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બચાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર ગુજરાતમાં ડીઝલની અછત નહી હોવાનો દાવો કરે પણ સમસ્યા વધુને વધુ વકરી રહી છે. જેના લીધે ટ્રાન્સપોર્ટરોને મોટું આર્થિક નુકસાન થાય તેવી ભીતિ છે.
ડીઝલની અછત મુદ્દે ફોકિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
કચ્છમાં ડીઝલની અછતના કારણે ટ્રાન્સપોર્ટ, ઉદ્યોગો, લોજિસ્ટિક્સ તેમજ પોર્ટ સાથે જોડાયેલી કામગીરી પર ગંભીર અસર પડી છે. કંડલા અને મુન્દ્રા પોર્ટ દેશના કાર્ગો મૂવમેન્ટમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે અને સમગ્ર સપ્લાય ચેઇન ડીઝલ પર નિર્ભર છે. તેથી કચ્છમાં ડીઝલનો પૂરતો જથ્થો ફાળવવાની રજૂઆત કરી છે. ડીઝલ નહીં મળવાથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને પોર્ટ આધારિત કામગીરી પર વધુ ગંભીર અસર પડી શકવાની ગંભીરતા વ્યક્ત કરી છે.

ખાનગી ટ્રાવેલ્સ વ્યવસાય પણ પ્રભાવિત
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની સાથે ઈંધણની સર્જાયેલી અછતના કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે. પૂરતી માત્રામાં ડીઝલ ન મળતાં ખાનગી ટ્રાવેલ્સ બસ સેવા પ્રભાવિત થઈ છે. અનેક ટ્રાવેલ્સ સંચાલકોએ બસોના રૂટ ઘટાડી દીધાં છે. જાણવા મળ્યું છે કે, ખાનગી બસોના સંચાલનમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ટ્રાવેલ્સ ઓપરેટરોનું કહેવું છે કે, ડીઝલના પુરવઠામાં અનિયમિતતાના કારણે ખાનગી લક્ઝરી બસો દોડાવવી મુશ્કેલ બની છે. બસ ભાડું વધારવામાં આવે તો મુસાફરોનો રોષ વહોરવો પડી શકે છે. તેવા સંજોગોમાં બસો ચલાવવી હવે આર્થિક રીતે પોષાય તેમ નથી. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા રૂટ પર ખાનગી બસોની સંખ્યા ઘટી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, મુંબઈ દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં જતી ખાનગી બસોની સંખ્યામાં 25-30 ટકાનો ઘટાડો થયો છે.
એક તરફ સરકાર કહે છે કે, પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે તે માટે નક્કર આયોજન કરાયું છે બીજી તરફ પેટ્રોલ પંપ માલિકોનું કહેવું છે કે, પાંચ દિવસમાં પેટ્રોલ-ડીઝલનું એક જ ટેન્કર આવે છે. અપૂરતા જથ્થાના લીધે ટુ વ્હીલરથી માંડીને કાર-ટ્રકમાં મર્યાદિત માત્રામાં પેટ્રોલ-ડીઝલ આપવું પડે છે. મોટાભાગના વાહનચાલકો અછતના ડરથી ટાંકી ફૂલ કરવાનો આગ્રહ રાખે છે જેના લીધે પેટ્રોલ પંપ સંચાલકો અને ગ્રાહકો વચ્ચે સંઘર્ષના બનાવો વધી રહ્યા છે.
પેટ્રોલ-ડીઝલની અછત છતાં સરકારનો ગોળગોળ જવાબ
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં અચાનક 35 થી 40 ટકા ઉછાળો આવ્યો છે. અછતના કારણે કચ્છથી લઈને ઉત્તર ગુજરાત સુધી પેટ્રોલ પંપો પર વાહનોની કતાર લાગી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને પરેશાની ભોગવવી પડી રહી છે. પેટ્રોલપંપો પર પેટ્રોલ-ડીઝલ નથી તેવા પાટિયા લાગી રહ્યાં છે. તેમ છતાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગોળ ગોળ જવાબ આપીને લોકોને અપીલ કરી છે કે, અફવાથી સાવધાન રહેવું, પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે એટલે ગભરાશો નહીં. પ્રવક્તા મંત્રીના નિવેદનથી વિપરીત ઘણાં જિલ્લાઓમાં ઈંધણની અછતના કારણે સામાન્ય જનજીવન ઉપર અસરો શરૂ થઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?