ગુજરાતમાં વાઘણ માટે વાધે ઓળંગ્યા સીમાડા
રતનમહાલના વાઘે ૧૨૦ ચોરસ કિમી વિસ્તાર કર્યો સર; જોડીદારની શોધમાં અનેક તાલુકા ખૂંદી વળ્યો

વાધણની શોધમાં વાધની લટાર

વાધણની શોધમાં વાધની લટાર
ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ અને પર્યાવરણવિદો માટે એક રોમાંચક સમાચાર સામે આવ્યા છે. રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં વસવાટ કરી રહેલા એકમાત્ર વાઘે વન વિભાગની ઊંઘ ઉડાવી દીધી છે. છેલ્લા ૧૧ મહિનાથી ગુજરાતના જંગલોમાં પોતાનું સામ્રાજ્ય જમાવનાર આ વાઘ હવે માત્ર એક સીમિત વિસ્તારમાં નથી રહ્યો, પરંતુ તેણે નવા વિસ્તારોને પોતાના કબજામાં લેવાનું શરૂ કર્યું છે. વન વિભાગના નિષ્ણાતો માને છે કે વાઘની આ વ્યાપક હિલચાલ તેના કુદરતી સ્વભાવ અને જોડીદારની શોધનો એક ભાગ હોઈ શકે છે.
ગુજરાત વન વિભાગના લેટેસ્ટ ડેટા અને મોનિટરિંગ મુજબ, રતનમહાલ અભયારણ્યમાં સ્થાયી થયેલા આ વાઘે છેલ્લા એક મહિનામાં જ આશરે ૧૨૦ ચોરસ કિમીના વિશાળ વિસ્તારને પોતાના ક્ષેત્ર (Territory) તરીકે ચિહ્નિત કર્યો છે. શરૂઆતના મહિનાઓમાં આ વાઘ માત્ર રતનમહાલની આસપાસના સીમિત જંગલોમાં જ જોવા મળતો હતો, પરંતુ હવે તે રતનમહાલથી ૨૫ કિમીની ત્રિજ્યામાં આવતા અનેક વિસ્તારોમાં સતત પરિભ્રમણ કરી રહ્યો છે.
વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વાઘ હવે માત્ર દાહોદ જિલ્લા પૂરતો મર્યાદિત નથી રહ્યો. તેની હિલચાલ દેવગઢ બારિયા, છોટાઉદેપુર, ડોલરિયા, સાગતાળા અને સુખી ડેમ સુધી નોંધાઈ છે. આટલી મોટી ત્રિજ્યામાં વાઘની હાજરી વન વિભાગ માટે પડકાર અને કુતૂહલ બંનેનો વિષય બની છે.
જોડીદારની શોધમાં રઝળપાટ?વન્યજીવ નિષ્ણાતોનું માનવું છે કે વાઘનો આ રીતે જુદી જુદી દિશામાં અને લાંબા અંતર સુધી પ્રવાસ કરવા પાછળનું મુખ્ય કારણ 'માદા વાઘ' (Tigress) ની શોધ હોઈ શકે છે. નર વાઘ જ્યારે પુખ્ત વયનો થાય છે ત્યારે તે પોતાના પ્રજનન માટે જોડીદાર શોધવા સેંકડો કિલોમીટર કાપી નાખતો હોય છે. રતનમહાલ અને તેની આસપાસના જંગલોમાં હજુ સુધી કોઈ માદા વાઘની હાજરીના પુરાવા મળ્યા નથી, જેના કારણે આ વાઘ સતત ભટકી રહ્યો હોવાની પ્રબળ સંભાવના છે.
કેમેરા ટ્રેપ અને પંજાના નિશાનોથી પુષ્ટિવાઘની હિલચાલની છેલ્લી મજબૂત પુષ્ટિ છોટાઉદેપુરના જંગલોમાં લગાવેલા કેમેરા ટ્રેપમાંથી મળી છે, જેમાં વાઘની ભવ્ય તસવીર કેદ થઈ છે. જોકે, આખા માર્ગ પર કેમેરાની સુવિધા નથી, પરંતુ વન વિભાગની ટીમોને દેવગઢ બારિયાના જંગલોમાં પણ વાઘના તાજા પંજાના નિશાન (Pugmarks) મળી આવ્યા છે. તે સાગતાલા અને સુખી ડેમ વિસ્તારમાં પણ વારંવાર દેખાયો છે, જે સાબિત કરે છે કે તે એક સ્થળે સ્થિર રહેવાને બદલે સતત ગતિશીલ છે.
વડોદરા વન વિભાગની સતર્કતાવડોદરા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે, "વાઘનો વિચરણ વિસ્તાર અગાઉના મહિનાઓની સરખામણીએ ઘણો મોટો થયો છે. અમારી ફિલ્ડ ટીમો સતત વાઘના રૂટનું નિરીક્ષણ કરી રહી છે. સ્થાનિક આદિવાસી ભાઈ-બહેનો અને જંગલ નજીક રહેતા લોકોને સતર્ક રહેવા અને રાત્રિના સમયે એકલા જંગલમાં ન જવા સૂચના આપવામાં આવી છે." વન વિભાગને આશા છે કે ઉનાળાના પ્રારંભ સાથે જળાશયોમાં પાણી ઓછું થતા અને ગરમી વધતા વાઘ ફરીથી રતનમહાલના સુરક્ષિત અને ઘટાદાર વિસ્તારમાં પરત ફરશે.
વાઘનું મૂળ હજુ પણ એક રહસ્યગયા વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૫માં જ્યારે આ વાઘે પ્રથમ વખત ગુજરાતમાં પ્રવેશ કર્યો ત્યારે મધ્ય પ્રદેશના અલીરાજપુર સરહદેથી આવ્યો હોવાનું મનાતું હતું. જોકે, આશ્ચર્યની વાત એ છે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) પાસે આ વાઘનો અગાઉનો કોઈ ડેટા કે રેકોર્ડ નથી. આ વાઘને હજુ સુધી રેડિયો કોલર કે કોઈ ટેગ લગાવવામાં આવ્યો નથી, જેના કારણે તે કયા રાજ્યના કયા જંગલમાંથી વિખૂટો પડીને ગુજરાત આવ્યો છે તે હજુ સુધી એક રહસ્ય જ છે.
ગુજરાતના જંગલોમાં વાઘનું પુનરાગમન એ પર્યાવરણીય સંતુલન માટે ખૂબ સારા સંકેત છે. રતનમહાલનો આ વાઘ હવે માત્ર એક પ્રવાસી નથી રહ્યો પણ ગુજરાતનો કાયમી નિવાસી બની રહ્યો છે. જો આગામી સમયમાં વન વિભાગ યોગ્ય વ્યવસ્થાપન કરે અને માદા વાઘની ઉપલબ્ધતા વિશે વિચારે, તો ગુજરાતમાં સિંહની સાથે સાથે વાઘનું વંશવૃદ્ધિ કેન્દ્ર પણ વિકસી શકે છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.