એશિયાઈ સિંહોની વસ્તીનું રહસ્ય ખૂલશે આવતીકાલે, મુખ્યમંત્રી કરશે જાહેરાત
રાજ્યના 11 જિલ્લાઓમાં પ્રથમ તબક્કાની સિંહની વસતી ગણતરી 2025 પૂર્ણ

‘ડાયરેક્ટ બીટ વેરિફિકેશન’ પદ્ધતિ મુજબ 3254 કર્મચારીઓ ગણતરીમાં જોડાયા

‘ડાયરેક્ટ બીટ વેરિફિકેશન’ પદ્ધતિ મુજબ 3254 કર્મચારીઓ ગણતરીમાં જોડાયા
ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાઈ સિંહોની 10 મે થી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી હતી. 13 મે ના રોજ મુખ્યમંત્રી પટેલ સિંહોના નવા આંકડાની વિધિવત જાહેરાત કરશે. બીજો તબક્કો મંગળવારે(13 મે) બપોરે બે વાગ્યે પૂરો થશે. ત્યારબાદ સાસણ ખાતે હાઈ મોનિટરિંગ યુનિટમાં ડેટાનું વિશ્લેષણ કરાશે. ત્યારબાદ અંતિમ આંકડા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જાહેર કરશે. 10 થી 12 મે સુધી રાજ્યના 11 જિલ્લામાં હાથ ધરાયેલી ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ મુજબ 3254 કર્મચારીઓ સિંહની વસતી ગણતરીમાં જોડાયા હતા.
એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનો 16મો તબક્કો સાસણ ગીર ખાતે 10 મેથી શરૂ કરાયો હતો. ચાર દિવસમાં 11 જિલ્લાના 35 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, બોટાદ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરના કુલ 58 તાલુકાઓને આવરી લેવામાં આવ્યા હતા. વસતી ગણતરી માટે 735 યુનિટ, 112 સબ ઝોન, 32 ઝોન અને 8 રિજન બનાવવામાં આવ્યા છે.
કેવી રીતે થાય છે સિંહની વસતી ગણતરી?
સિંહોની વસતી માટે “ડાયરેક્ટ બીટ વેરીફિકેશન” પદ્ધતિ અપનાવવામાં આવી છે. જેમાં ફિલ્ડ સ્ટાફ પોતપોતાના વિસ્તારના રાઉન્ડમાં સિંહોની હાજરીના દ્રશ્યો, પગલાં, અવાજ કે અન્ય નિશાનને આધારે નોંધણી કરે છે. ત્યારબાદ માહિતીનું ડેટા એનાલિસિસ થાય છે અને ચોક્કસ વસતીનો અંદાજ કાઢવામાં આવે છે. આ વર્ષે સિંહની ગણતરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ડિજિટલ કેમેરા અને કેમેરા ટ્રેપ, GPS-GIS ટેકનોલોજી, રેડિયો કોલરિંગ પદ્ધતિ અને AI આધારિત ડેટા વિશ્લેષણ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઝોન વાઇઝ અધિકારીઓ, ગણતરીકારો, મદદનિશ ગણતરીકારો અને નિરક્ષકો સહિત સ્વયં સેવકો દ્વારા સિંહની ગણતરી કરવામાં આવી હતી. સિંહની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને વિસ્તારના નકશા આપવામાં આવ્યા હતા. સિંહોના અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પર કોઈ અન્ય ઓળખ ચિન્હો, GPS લોકેશન અને ગૃપ કંપોઝિશનની નોંધણી કરવામાં આવી હતી.
‘ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ’ એટલે શું?
બીટ એટલે એક નાનો ભૌગોલિક વિસ્તાર સૌથી નાનો વહીવટી એકમ બને છે અને તેની જવાબદારી બીટ ગાર્ડ ઉપર હોય છે. બે-ત્રણ બીટ ભેગા કરીને એક રાઉન્ડ બનાવાય છે. બે-ત્રણ રાઉન્ડ મેળવીને એક રેન્જ એટલે કે એક પરિક્ષેત્રનું નિર્માણ કરાય છે. રેન્જ મળીને એક ડિવિઝનનું નિર્માણ કરાય છે.
સિંહની વસતી ગણતરી ક્યારે શરૂ થઈ?
ગીરના જંગલમાં વર્ષ 1936માં જૂનાગઢથી સિંહોની ગણતરી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ ગણતરીમાં 287 સિંહ નોંધાયા હતા. 14 વર્ષ બાદ વર્ષ 1950માં ફરીથી મિસ્ટર વિન્ટર બ્લિથ દ્વારા વસતી ગણતરી કરવામાં આવી હતી. જેમાં સિંહની સંખ્યામાં 60નો ઘટાડો થઈ 227 નોંધાયા હતા. વર્ષ 1955માં મિસ્ટર વિન્ટર બ્લિથ દ્વારા કરાયેલી સિંહની ગણતરીમાં સિંહોની સંખ્યા 63 વધી 290 થઈ હતી.
ગુજરાતમાં વન વિભાગની વર્ષ 1963માં સ્થાપના
વર્ષ 1963માં ગુજરાતમાં વન વિભાગની સ્થાપના થયા બાદ પ્રથમ વખત સિંહોની ગણતરી વન વિભાગે કરી હતી. જેમાં સિંહની સંખ્યા પાંચ ઘટીને 285 નોંધાઈ હતી. વર્ષ 1968માં થયેલી ગણતરીમાં સિહોની સંખ્યામાં 108નો ઘટાડો થઈને 177 રહ્યાં હતા. વર્ષ 1974માં છ વર્ષ પછી ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં માત્ર ત્રણ સિંહનો વધારો થયો અને ગીરમાં સિંહોની સંખ્યા 180 પર પહોંચી હતી. વર્ષ 1979માં 25 સિંહના વધારા સાથે સંખ્યા 205 પર પહોંચી હતી. વર્ષ 1984માં સિંહોની સંખ્યા 34ના વધારા સાથે 239 પર પહોંચી હતી. છેલ્લાં 3 દાયકાની સિંહની વસતી જોઈએ તો વર્ષ 1995માં 304, વર્ષ 2001માં 327, વર્ષ 2005માં 359, વર્ષ 2010માં 411, વર્ષ 2015માં 523 અને વર્ષ 2020માં 674 થયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?