આખા ગામના લોકોને હિન્દુમાંથી મુસ્લિમ બનાવી દેવાયા!
આરોપીઓએ કરેલી ક્વોશિંગ પિટિશનની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં ખુલાસો

આમોદ તાલુકાના કાંકરીયા ગામના 37 થી વધુ પરિવારના 100 થી વધુ લોકોનું ધર્માંતરણ કરાયું

આમોદ તાલુકાના કાંકરીયા ગામના 37 થી વધુ પરિવારના 100 થી વધુ લોકોનું ધર્માંતરણ કરાયું
ગુજરાતમાં એક ગામના મોટાભાગના લોકોને ધર્માતરણ કરાવી હિન્દુમાંથી મુસ્લિમ બનાવ્યાનો ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામના 37 થી વધુ પરિવારોના 100થી વધુ સભ્યોને ખતરનાક ષડયંત્રના ભાગરૂપે મુસ્લિમમાં ધર્માંતરણ કરી દેવાયું હતું. આરોપીઓએ પોતાના વિરૂદ્ધ થયેલી ફરિયાદ રદબાતલ ઠરાવવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ક્વોશિંગ પિટિશન દાખલ કરી ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો છે.
કેસની સુનાવણી દરમિયાન આરોપીઓના પાકિસ્તાન, કાશ્મીર અને વિદેશી કનેકશન સાથે રાષ્ટ્રીય કક્ષાના ધર્માંતરણ કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થતા હાઇકોર્ટ પણ ચોંકી ઉઠી છે. જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ લેન્ડમાર્ક ચુકાદો આપી આરોપીઓની ક્વોશિંગ પિટિશન ફગાવી દીધી છે.
ખૂબ જ સંવેદનશીલ અને રાષ્ટ્રની સલામતીની દ્રષ્ટિએ મહત્વના કેસનું લાઇવ સ્ટ્રીમીંગ હાઇકોર્ટે તેની સંવેદનશીલતા અને ગુપ્તતાના કારણે બંધ રખાવ્યું હતું. જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઇએ આ કેસમાં બહુ જ ગંભીર અને માર્મિક અવલોકનો સાથેનો ચુકાદો જાહેર કર્યો છે. આ કેસ માત્ર એક વ્યકિતના ધર્માંતરણનો નહી પરંતુ રાષ્ટ્રીય કક્ષાના એક બહુ મોટા અને ખતરનાક ષડયંત્રનો ભાગ હોવાનું ઠરાવ્યું છે.
હાઇકોર્ટે તપાસ કે ટ્રાયલ સામે સ્ટે આપવાની આરોપીઓની માંગણી પણ ફગાવી દીધી છે. તેઓને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ કેસમાં ચાર્જશીટ થઈ ગયેલા તમામ આરોપીઓએ ટ્રાયલનો સામનો કરવો પડશે. બે આરોપીઓ મૌલવી અને ફેફડાવાલા સામે ચાર્જશીટ બાકી છે તેમની અરજી પણ હાઇકોર્ટે ફગાવી દીધી છે.
આરોપી વરયાવા અબ્દુલ વહાબ મહેમૂદ તથા અન્યો દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી ક્વોશિંગ પિટિશનનો વિરોધ કરતાં સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ હાર્દિક દવેએ ચોંકાવનારી હકીકતો હાઇકોર્ટના ધ્યાન ઉપર મૂકી હતી. તેમણે જણાવ્યું કે, ભરૂચના આમોદ તાલુકાના કાંકરીયા ગામના સ્થાનિક હિન્દુઓને બહુ આયોજનપૂર્વક અને પદ્ધતિસર મુસ્લિમ બનાવી તેઓને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાનું ખતરનાક ષડયંત્ર વિદેશી તત્વો અને સ્થાનિક આરોપીઓની મદદથી ચાલી રહ્યું હતું.
છેલ્લા 15 વર્ષથી હિન્દુ પરિવારોને ટાર્ગેટ કરી તેમને આર્થિક સહાય, મકાન બાંધી આપવા, નોકરી અપાવવી, અનાજ, કુલર સહિતની ચીજવસ્તુઓની લાલચ આપી તેમની જરૂરિયાત અને મજબૂરીનો ફાયદો ઉઠાવી ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાના પ્રિ પ્લાનિંગ કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ગામના મોટાભાગના હિન્દુઓને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં બહુ પ્લાનિંગ અને ગોઠવાયેલી ચેઇન મુજબ ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવી મુસ્લિમ બનાવી દેવાયા હતા.
વધુમાં જણાવાયું કે, આરોપીઓ વિરૂદ્ધ રાષ્ટ્ર વિરૂદ્ધનો અતિ ગંભીર, સંવેદનશીલ અને માફ કરી ન શકાય તેવો ગુનો છે. આરોપીઓ એફઆઇઆરમાં વિલંબનો બચાવ કરે છે તે ટકી શકે તેમ નથી. કારણ કે, ગંભીર ગુનામાં વિલંબ કયારેય અવરોધ બની શકે નહીં. 25 જુલાઈ, 2022ના દિવસે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાર્યવાહી માટે મંજૂરી આપી દેવાઈ હતી. તેથી તે મુદ્દે પણ આરોપીઓનો બચાવ ટકતો નથી. ખતરનાક ષડયંત્ર રાષ્ટ્રીય કક્ષાના ઇસ્લામ ધર્મમાં હિન્દુઓને ધર્માંતરણ કરાવવાના એક બહુ મોટા અને વ્યાપક કાવતરાનો ભાગ છે. તેથી સંવેદનશીલતા અને ગુનાની ગંભીરતા ખૂબ વધી જાય છે. તેથી હાઇકોર્ટે આરોપીઓની ક્વોશિંગ પિટિશન ફગાવી દેવી જોઇએ.
વિદેશી તત્વો અને પાકિસ્તાન-કાશ્મીર કનેક્શનનો ખુલાસો
ગુજરાત સહિત દેશભરમાં ચકચાર જગાવનારા કેસમાં વિદેશી તત્વો ઉપરાંત, પાકિસ્તાન-કાશ્મીર કનેકશન સામે આવ્યું હતું. હિન્દુઓને મુસ્લિમ બનાવવા ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાના ધર્માંતરણના કાવતરા માટે વિદેશથી મોટાપાયે ભંડોળ આવતું હોવાના મોટા ખુલાસા થયા છે. જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઇ પણ ખતરનાક ષડયંત્રની મોડેસ ઓપરેન્ડી, તેના પ્રિ-પ્લાનિંગ ઘટનાક્રમ અને લાંબા ગાળાના ટાર્ગેટ તેમજ પદ્ધતિસરના આયોજનને લઈ ચોંકી ઉઠયા હતા. હાઇકોર્ટે ધર્માંતરણના ખતરનાક ષડયંત્રને અતિશય ગંભીર, ચેતવણી સમાન અને રાષ્ટ્રની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવી ગંભીર અવલોકન કરતાં જણાવ્યું હતું કે, આરોપીઓ વિરૂદ્ધ આ કેસમાં બહુ ગંભીર અને પ્રથમ દર્શનીય કેસ બને છે. આટલા ગંભીર ગુનામાં તેઓને કોઈપણ પ્રકારની રાહત આપી શકાય નહી.
ધર્માંતરણ કર્યા બાદ જેહાદ અને કટ્ટરતાવાદ શીખવાડતા હતા
ધર્માંતરણના ખતરનાક ષડયંત્રમાં સ્થાનિક મુસ્લિમ આરોપીઓ અન્ય આરોપીઓની મદદથી હિન્દુ પરિવારોના સભ્યોને અલગ અલગ સ્થળોએ લઇ તેમને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવ્યા બાદ મુસ્લિમ તરીકેની બહુ પદ્ધતિસરની તાલીમ આપતાં હતા. જેમાં હિન્દુ નાગરિકોને મુસ્લિમ નામો ધારણ કરાવી કલમા વાંચતા અને બોલતા શીખવાડવામાં આવતું હતું. તેમને જેહાદ અને ઉશ્કેરણીજનક ભાષણો, સાહિત્ય અને મટીરીયલ્સ મારફતે માઇન્ડવોશ કરી કટ્ટર મુસ્લિમ બનાવવાના કાવતરાને અંજામ આપવામાં આવતો હતો.
વિદેશથી ભંડોળ ફાળવનાર ફેફડાવાલા 25 વખત ભારત આવ્યો
જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ આ કેસના મુખ્ય ષડયંત્રકાર અને હાલ ભાગેડુ અને વિદેશમાં રહેતા આરોપી અબ્દુલ આદમ પટેલ ઉર્ફે ફેફડાવાલા હાજીની ખતરનાક ભૂમિકાને લઈને ગંભીર અવલોકન કરતાં જણાવ્યું કે, આરોપી ફેફડાવાલા ધર્માંતરણના કેસમાં એફઆઇઆર થઇ તે પહેલાં વિદેશથી અત્યાર સુધીમાં 25 વખત ભારતમાં આવીને ગયો છે. એફઆઇઆર નોંધાયા બાદ તે એકપણ વાર ભારત આવ્યો નથી. તેની વિરૂદ્ધમાં સીઆરપીસીની કલમ-41 (એ) હેઠળ સમન્સ અને કલમ-70 હેઠળનું ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યા છે.
કેવી રીતે પર્દાફાશ થયો સમગ્ર ષડયંત્રનો?
કાંકરીયા ગામના પ્રવિણ વસાવાને આરોપીઓની ટોળકીએ ધર્માંતરણના કાવતરામાં ફસાવ્યા અને તેમને મુસ્લિમ બનાવી ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવી મુસ્લિમ નામ ધારણ કરાવી દીઘુ હતું. આરોપીઓ જુદી જુદી જગ્યાએ તેમને જેહાદ અને કટ્ટરતાવાદના ભાષણો અને પ્રવૃત્તિઓમાં માઇન્ડવોશના ઇરાદે લઇ જતા હતા. આ દરમિયાન એક જેહાદી કાર્યક્રમમાં તેના ભાષણો સાંભળી હિન્દુ તરીકે પ્રવિણ વસાવાનું લોહી ઉકળી ગયું હતું. તેમને ખ્યાલ આવી ગયો હતો કે, આ માત્ર આમોદ પૂરતી વાત નથી પરંતુ દેશભરમાં હિન્દુઓને ધીરે ધીરે તબક્કાવાર મુસ્લિમ બનાવી ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાનું બહુ લાંબા ગાળાનું ષડયંત્ર અને આયોજન છે.
પ્રવિણ વસાવાએ આખી વાતનો વિરોધ કર્યો ત્યારે આરોપીઓએ પાકિસ્તાન-કાશ્મીર કનેકશનના હવાલા આપી મારી નાંખવાની ધમકી આપી ડરાવ્યા હતા. પ્રવિણ વસાવાએ સમગ્ર ષડયંત્રને લઈ 15 નવેમ્બર, 2021ના રોજ આમોદ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં ચોંકાવનારા અને સનસનીખેજ ખુલાસા થયા હતા.
હાઈકોર્ટે કોની ક્વોશિંગ પિટિશન ફગાવી?
ગુજરાત હાઇકોર્ટનું અવલોકન
ગુજરાતના સૌથી મોટા ધર્માંતરણના કેસમાં જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ બહુ મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું કે, આ કેસ માત્ર એક વ્યકિતના ધર્માંતરણનો કેસ નથી પરંતુ લાર્જર કોન્સ્પીરસી (મોટા વ્યાપક ગુનાહિત ષડયંત્ર)નો ભાગ છે. ધર્માંતરણના આટલા ગંભીર અને સંવેદનશીલ કેસની તપાસ અને ટ્રાયલને પ્રારંભિક તબક્કે રોકી શકાય નહીં. આ કેસમાં આરોપીઓ સામે બહુ પ્રથમદર્શનીય ગંભીર ગુનો સ્પષ્ટ થાય છે.
કેસની તપાસ અને ટ્રાયલ પ્રક્રિયાને લીલીઝંડી આપતાં જણાવ્યું કે, ટ્રાયલ કોર્ટે હાઇકોર્ટના અવલોકનથી પ્રભાવિત થયા વિના કેસના ટ્રાયલની સુનાવણી કરવાની રહેશે. તપાસ એજન્સીએ પણ ગંભીર ગુના અને ષડયંત્રના મૂળ સુધી પહોંચી તપાસ હાથ ધરવી જોઇએ.
આ કેસમાં વધુ કોઈ મટીરીયલ્સ કે પુરાવા મળે તો તપાસ એજન્સીએ પુરવણી ચાર્જશીટ કે જરૂરી રિપોર્ટ સક્ષમ કોર્ટ સમક્ષ રજૂ કરવો જોઇએ. હાઇકોર્ટે વિદેશમાં વસતા અને આ કેસમાં ભાગેડુ અબ્દુલ આદમ પટેલ ઉર્ફે ફેફડાવાલા હાજીની ભૂમિકાને લઇ ગંભીર ટીકા કરતાં જણાવ્યું હતું કે, આરોપી દ્વારા તપાસમાં સાથ સહકાર નહીં અપાવાથી તપાસ પૂરી થઈ શકી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!