ઇન્દિરા બ્રિજ મુદે તંત્રની ઢાક પિછોળી, લોકોમાં રોષ
બ્રિજની તિરાડોને તંત્રએ 'એક્સપાન્શન જોઈન્ટ' ગણાવ્યા; જનતાએ સત્તાવાર ફિટનેસ રિપોર્ટની માંગ

બ્રિજ પર તિરાળો, જ્યારે કાગળ પર સુરક્ષીત

બ્રિજ પર તિરાળો, જ્યારે કાગળ પર સુરક્ષીત
અમદાવાદ અને ગાંધીનગરને જોડતા વ્યસ્ત એવા ઈન્દિરા બ્રિજની સુરક્ષાને લઈને અત્યારે જનતા અને તંત્ર સામસામે આવી ગયા છે. બ્રિજ પર દેખાતી તિરાડોને લઈને ઉઠેલા સવાલો સામે તંત્રએ જે રીતે બચાવ કર્યો છે, તેણે નાગરિકોની ચિંતામાં ઘટાડો કરવાને બદલે વધારો કર્યો છે.
ઘટનાની પૃષ્ઠભૂમિ: ભયના ઓથાર હેઠળ વાહનચાલકોઅમદાવાદની સાબરમતી નદી પર બનેલા બ્રિજ જાણે હવે શહેરીજનો માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. સુભાષ બ્રિજને સમારકામ માટે બંધ કરાયા બાદ તમામ ટ્રાફિકનું ભારણ ઈન્દિરા બ્રિજ પર ડાયવર્ટ થયું છે. આ દરમિયાન, ઈન્દિરા બ્રિજ પર મોટી તિરાડો અને ખાડા પડી ગયા હોવાના મીડિયા અહેવાલોએ હજારો વાહનચાલકોમાં ફાળ પાડી છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની આ મુખ્ય કડી જો જોખમી હોય, તો તે એક મોટી જાનહાનિને નિમંત્રણ આપી શકે છે.
તંત્રનો બચાવ: 'બધું જ નિયમ મુજબ છે'બ્રિજની સુરક્ષા પર સવાલો ઉઠતા જ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરની ટીમ દોડતી થઈ હતી. જોકે, આ તપાસ બાદ તંત્રએ જે ખુલાસો કર્યો તે આશ્ચર્યજનક હતો. તંત્રએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે, "ન્યૂઝમાં જે તિરાડો દેખાડવામાં આવી રહી છે તે કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી. સિવિલ એન્જિનિયરિંગના નિયમ મુજબ, તાપમાનમાં ફેરફારને કારણે બ્રિજને પ્રસરવા અને સંકોચાવવા માટે જગ્યા જોઈએ છે, જેને 'એક્સપાન્શન જોઈન્ટ' કહેવામાં આવે છે. આ જોઈન્ટ્સ બ્રિજની સુરક્ષા માટે અનિવાર્ય છે."
તંત્રએ વધુમાં ઉમેર્યું કે, 'ઇન્ફાઇનાઇટ કન્સલ્ટન્ટ' દ્વારા આ બ્રિજનું ટેકનિકલ ઓડિટ તાજેતરમાં જ કરવામાં આવ્યું છે અને તેના રિપોર્ટ મુજબ બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
સિવિલ એન્જિનિયરિંગના તર્ક અને જનતાના સવાલોકોઈપણ બ્રિજમાં એક્સપાન્શન જોઈન્ટ હોવા જોઈએ એ વાત પાયાની છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ દેખાઈ રહી છે. બ્રિજના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં માત્ર જોઈન્ટ્સ જ નહીં, પણ તેની આસપાસના કોંક્રિટના સ્તરમાં પણ મોટી તિરાડો જોવા મળી રહી છે.
નિષ્ણાતો અને શહેરીજનો તંત્રને કેટલાક વેધક સવાલો પૂછી રહ્યા છે: ૧. રિપોર્ટ જાહેર કેમ નથી કરાતો?: જો ઇન્ફાઇનાઇટ કન્સલ્ટન્ટનો રિપોર્ટ 'ઓલ ક્લિયર' હોય, તો તંત્ર તેને સાર્વજનિક કેમ નથી કરતું? શું તંત્ર પાસે છુપાવવા જેવું કંઈ છે? ૨. ઝડપી તપાસનું રહસ્ય: સવારે સમાચાર આવ્યા અને બપોર સુધીમાં તો 'બ્રિજ સુરક્ષિત છે' નું સર્ટિફિકેટ પણ મળી ગયું! શું એક જ દિવસમાં બ્રિજના જટિલ લોડ ટેસ્ટિંગ અને સ્ટ્રક્ચરલ એનાલિસિસ શક્ય છે? ૩. સ્ક્રૂ અને ખાડા: સ્થાનિક લોકોના કહેવા મુજબ, બ્રિજના જોઈન્ટ્સના સ્ક્રૂ ખુલી ગયા છે અને રસ્તા પર મોટા ગાબડાં છે. શું ખુલેલા સ્ક્રૂ અને રસ્તા પરના ખાડા પણ એન્જિનિયરિંગના 'નિયમ' મુજબ જ હોય છે?
સુભાષ બ્રિજની સ્થિતિ અને ઈન્દિરા બ્રિજ પર દબાણવર્તમાન પરિસ્થિતિ વધુ ગંભીર એટલા માટે છે કારણ કે સુભાષ બ્રિજ પહેલેથી જ સમારકામ માટે બંધ છે. તેના કારણે ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ અને અન્ય વિસ્તારોમાં જવા માટે ઈન્દિરા બ્રિજ એકમાત્ર મુખ્ય રસ્તો બચ્યો છે. અત્યારે આ બ્રિજ પર તેની ક્ષમતા કરતા અનેકગણું વધુ ટ્રાફિકનું ભારણ છે. આવા સમયે જો તંત્ર માત્ર શબ્દોની માયાજાળ રચીને બેદરકારી દાખવે, તો તે કોઈ મોટી હોનારતનું કારણ બની શકે છે.
જનતાની માંગ: પારદર્શિતા અને નક્કર કાર્યવાહીશહેરીજનો હવે માત્ર નિવેદનોથી સંતોષ માનવા તૈયાર નથી. લોકોની માંગ છે કે તંત્ર બ્રિજનું તટસ્થ ત્રીજી પાર્ટી દ્વારા નિરીક્ષણ કરાવે અને તેનો વીડિયો કે ફોટોગ્રાફિક પુરાવા સાથેનો રિપોર્ટ જનતા સમક્ષ મૂકે. તંત્રએ 'રદિયો' આપવાની ઉતાવળ કરવાને બદલે વાસ્તવિક ખામીઓ સ્વીકારીને તેનું સમારકામ કરવું જોઈએ.
કોઈપણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે હજારો લોકોના જીવન સાથે જોડાયેલું હોય, ત્યારે તંત્રની પારદર્શિતા જ તેનો સૌથી મોટો વિશ્વાસ હોય છે. ઈન્દિરા બ્રિજ બાબતે તંત્રએ માત્ર 'ભ્રામક સમાચાર' કહીને પલ્લું ઝાટકવાને બદલે સત્તાવાર 'ફિટનેસ સર્ટિફિકેટ' જાહેર કરવું જોઈએ જેથી નાગરિકો નિર્ભય બનીને મુસાફરી કરી શકે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.