નર્મદા જિલ્લાના દેડીયાપાડામાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાની ફરિયાદના આધારે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ઘટના આદિજાતિ વિકાસ કચેરી (ATVT)ની સંકલન બેઠક દરમિયાન બની, જ્યાં ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ ઘટનાને પગલે નર્મદા પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ ચૈતર વસાવાના સમર્થકો મોડી રાત સુધી રાજપીપળા ખાતે એલસીબી કચેરીએ એકઠા થયા હતા, જેના કારણે પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે નર્મદા પોલીસે બળપ્રયોગનો ઉપયોગ કરવો પડ્યો. આ ઉપરાંત, દેડીયાપાડામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, કલમ 144નો ભંગ કરનાર સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે, ચૈતર વસાવાએ તાજેતરમાં મનેરગા કૌભાંડને ઉજાગર કરીને ચર્ચામાં આવ્યા હતા. તેમની ધરપકડ બાદ સમર્થકોનો જમાવડો એલસીબી કચેરી બહાર થયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા પોલીસે રાજપીપળા અને દેડીયાપાડામાં એસઆરપીની ટુકડીઓ તૈનાત કરી છે. પોલીસે નર્મદા જિલ્લાના નાગરિકોને શાંતિ જાળવવા અને કાયદાનું પાલન કરવા અપીલ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૈતર વસાવાને આજે બપોર બાદ દેડીયાપાડા કોર્ટમાં હાજર કરવામાં આવી શકે છે. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે, અને આગામી સમયમાં આ મામલે વધુ વિકાસની શક્યતા છે.