કપાસની આડમાં ગાંજાનું વાવેતર, 180 છોડ જપ્ત
559 કિલોના 2.79 કરોડના 180 ગાંજાના છોડ સાથે વાડી માલિકની ધરપકડ કરવામાં આવી

કપાસની આડમાં ગાંજાનું વાવેતર

કપાસની આડમાં ગાંજાનું વાવેતર
સુરેન્દ્રનગર જિલ્લામાં માદક દ્રવ્યોના કાળા કારોબાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાંથી અવારનવાર ગાંજો, અફીણ સહિતના માદક દ્રવ્યો ઝડપાતા હોય છે, ત્યારે વધુ એકવાર સુરેન્દ્રનગર SOG પોલીસે સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં દરોડો પાડીને ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. પોલીસને બાતમી મળી હતી કે, ખીટલા ગામની પામર નામની સીમમાં આવેલ વાડીમાં કપાસના છોડની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પર તપાસ કરતાં કપાસની આડમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ગાંજાના 180 છોડ જપ્ત
SOG પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વાડી માલિક રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભૂપતભાઈ ખવડને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ખેતર માલિક રાજુભાઈ ખવડ આ ગાંજાનું વાવેતર પોતાના અંગત વપરાશ માટે તેમજ અન્ય ગાંજાના બંધાણી લોકોને વેચવા માટે કરતો હતો. પોલીસે વાડીમાંથી કપાસની આડમાં વાવેલા લીલા ગાંજાના 180 છોડ જપ્ત કર્યા હતા. આ છોડની લંબાઈ એટલી વધી ગઈ હતી કે, તેને ભરવા માટે કોથળા પણ ટૂંકા પડ્યા હતા.
2.79 કરોડનો ગાંજાનો જથ્થો જપ્ત
જપ્ત કરાયેલા ગાંજાના આ 180 છોડનું કુલ વજન 559 કિલો અને 700 ગ્રામ થાય છે. બજારમાં આ જથ્થાની કુલ કિંમત 2,79,85,000 જેટલી આંકવામાં આવી છે. ગાંજાનું વાવેતર આટલી મોટી માત્રામાં હોવાથી પોલીસે ખેતરમાંથી તમામ ગાંજો ઉખાડવા માટે 12 GRD જવાનોની મદદ લીધી હતી. અંદાજે 19 કલાકની સઘન જહેમત બાદ કબજે કરવામાં આવેલો તમામ ગાંજો એક મોટા ટ્રેક્ટરમાં ભરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.
નશીલા પદાર્થોની હેરાફેરી કરનારા તત્ત્વોમાં ફફડાટ
SOG પોલીસે વાડી માલિક રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખવડ વિરુદ્ધ ધજાળા પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માદક દ્રવ્યોના આ કાળા કારોબારને ઝડપી પાડવાની પોલીસની આ સફળતા જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી કરનારા તત્ત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?