લાખોનો પગાર, નિવૃત્તિના 2 વર્ષ બાકી છતાં ન સુધર્યા
સુરત મનપાના ભ્રષ્ટ એન્જિનિયર ACBના સકંજામાં

આરોપી આસિસ્ટન્ટ એન્જિનિયર જિજ્ઞેશ મોદી

આરોપી આસિસ્ટન્ટ એન્જિનિયર જિજ્ઞેશ મોદી
Surat SMC Bribery Case: સુરત મહાનગરપાલિકા (SMC)માં ભ્રષ્ટાચારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઉધના ઝોનના ક્લાસ-2 આસિસ્ટન્ટ એન્જિનિયર જિજ્ઞેશ નટવરલાલ મોદી પોતાની જ સરકારી કચેરીના મુખ્ય દરવાજે લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ગોઠવવામાં આવેલા સફળ છટકામાં અધિકારીને દબોચી લેવામાં આવ્યા છે. આ ભ્રષ્ટ અધિકારીનો માસિક પગાર આશરે રૂપિયા 1,17,000 જેટલો હોવા છતાં, માત્ર થોડા રૂપિયાની લાલચમાં તેમણે પોતાની આબરૂ અને આખી જિંદગીની કમાણી દાવ પર લગાવી દીધી છે.
કોન્ટ્રાક્ટરનું બિલ મંજૂર કરવા માગી હતી લાંચ
આ કેસની વિગત એવી છે કે, એક જાગૃત નાગરિકે સુરત મનપાના ઉધના ઝોન વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાનું સરકારી કામ રાખ્યું હતું. આ કોન્ટ્રાક્ટ હેઠળનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયા બાદ, કોન્ટ્રાક્ટરના બિલના નાણાં મંજૂર કરવાના થતા હતા. આ બિલની ફાઇલ આગળ વધારવાના અવેજ પેટે આસિસ્ટન્ટ એન્જિનિયર જિજ્ઞેશ મોદીએ 50,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ ભ્રષ્ટ અધિકારીને પૈસા આપવા માંગતા ન હોવાથી તેમણે રકઝક કરી હતી, જેના અંતે 45,000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જોકે, ફરિયાદી ભ્રષ્ટાચાર સામે લડવા મક્કમ હોવાથી તેમણે તાત્કાલિક સુરત ACBનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી.
કચેરીના ગેટ બહાર ACBનું સફળ ટ્રેપ ઓપરેશન
ફરિયાદીની વિગતોના આધારે ACBની ટીમે પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ ઉધના સાઉથ ઝોનની ઓફિસ નજીક લાંચના છટકાનું આયોજન કર્યું હતું. યોજના મુજબ, ફરિયાદી લાંચની રકમ આપવા માટે ઓફિસ પહોંચ્યા ત્યારે એન્જિનિયર જિજ્ઞેશ મોદીએ તેમની સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાંની ખાતરી કરી હતી. મનપા કચેરીના મુખ્ય ગેટની બહાર, રોડની સાઇડમાં આરોપીએ જેવા 45,000 રૂપિયા સ્વીકાર્યા, કે તરત જ છૂપાઈને ઉભેલી ACBની ટીમે ત્રાટકીને તેમને સ્થળ પર જ દબોચી લીધા હતા અને લાંચની પૂરેપૂરી રકમ જપ્ત કરી લીધી હતી.
નિવૃત્તિના માત્ર 2 વર્ષ બાકી હતા છતાં ન સુધર્યા
અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આરોપી એન્જિનિયર જિજ્ઞેશ મોદીની ઉંમર હાલ 55 વર્ષની છે અને સરકારી નિયમોનુસાર તેમની નોકરીના અને નિવૃત્તિના માત્ર 2 વર્ષ જ બાકી રહ્યા હતા. 2 વર્ષ પછી તેમને લાખો રૂપિયાના નિવૃત્તિના લાભો અને પેન્શન મળવાનું હતું. પરંતુ સત્તાના નશા અને પૈસાની અંધ લાલચે તેમની પ્રતિષ્ઠા પર પાણી ફેરવી દીધું છે. બીજી વખત લાંચના કેસમાં પકડાવાને કારણે હવે તેમને નોકરીમાંથી બરતરફી સહિતની કડક અદાલતી અને વિભાગીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
વર્ષ 2021 માં પણ લાંચ લેતા પકડાયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, આસિસ્ટન્ટ એન્જિનિયર જિજ્ઞેશ મોદી ભૂતકાળમાં પણ ભ્રષ્ટાચારના કેસમાં ઝડપાઈ ચૂક્યા છે. વર્ષ 2021 માં જ્યારે તેઓ રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા, ત્યારે ડ્રેનેજ કનેક્શનની મંજૂરી આપવાના બદલામાં 15,000 રૂપિયાની લાંચ લેતા સુરત ACBના હાથે રંગેહાથ પકડાયા હતા. આમ છતાં તેમની આદત સુધરી ન હતી. હાલમાં ACB દ્વારા આરોપી વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેમની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. એજન્સીએ જનતાને પણ અપીલ કરી છે કે જો કોઈ સરકારી કચેરીમાં કામ માટે લાંચ માંગવામાં આવે, તો તુરંત જ ACBનો સંપર્ક કરવો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત