Surat Cricket Coach Controversy: સુરતના રમત જગતમાં સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)ની વાર્ષિક સામાન્ય સભા એટલે કે AGMમાં ગંભીર આક્ષેપોને લઈને ભારે હોબાળો થયો હતો. 200થી વધુ સભ્યોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં મહિલા ખેલાડીઓની સુરક્ષા, સિલેક્શન પ્રક્રિયા, નાણાકીય ગેરરીતિ, ટેન્ડરિંગ, ISPLના હિસાબ, હિતોના ટકરાવ અને ઓવરએજ ખેલાડીઓ જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા.
‘સિલેક્ટ થવું હોય તો રાત્રે ચેટિંગ કરવી પડશે’નો આક્ષેપ
SDCAના સભ્ય પ્રતીક શાહે AGMમાં ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં એક કોચ દ્વારા મહિલા ખેલાડીને મેસેજ કરાયો હતો કે ‘જો સિલેક્ટ થવું હોય તો રાત્રે ચેટિંગ કરવી પડશે.’ પ્રતીક શાહે જણાવ્યું હતું કે આ ગંભીર બાબત સેક્રેટરીના ધ્યાને હોવા છતાં સંબંધિત કોચને બચાવવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમની પાસે ક્રિકેટ પ્રશાસનની ગેરરીતિઓના પુરાવા અને ફોન રેકોર્ડિંગ્સ આવ્યા છે, જેને તેઓ યોગ્ય તપાસ માટે ટૂંક સમયમાં પોલીસ સમક્ષ રજૂ કરશે.
ટેન્ડરિંગ અને ISPLના હિસાબ પર સવાલ
પ્રતીક શાહે આક્ષેપ કર્યો હતો કે ઓડિટ રિપોર્ટમાં ટેન્ડરિંગ ન થયું હોવા અંગે ઓડિટર દ્વારા ગંભીર નોંધ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ISPL સાથે કોઈ ઔપચારિક કોન્ટ્રાક્ટ થયો ન હોવા છતાં વહીવટ કરાયો છે અને કોઈ પણ ઈનવોઈસ વિના સેક્રેટરીના અંગત ઈ-મેઈલ મારફતે વ્યવહારો કરીને SOPનું ઉલ્લંઘન કરાયું છે. તેમના જણાવ્યા મુજબ, 5 કરોડ રૂપિયાની માગણી સામે માત્ર 2.5 કરોડ રૂપિયા આવ્યા છે અને તેને આખરી પેમેન્ટ ગણાવાયું છે. ક્રિકેટ સેક્રેટરી, હેડ કોચ અને સિલેક્ટરો પોતાની અંગત એકેડેમી ચલાવતા હોવાનો આક્ષેપ કરી તેમણે હિતોના ટકરાવનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
ઓવરએજ ખેલાડીઓ અને જન્મ પ્રમાણપત્રનો વિવાદ
AGMમાં એક ખેલાડીના 2 અલગ-અલગ જન્મ તારીખ ધરાવતા પ્રમાણપત્રોનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. પ્રતીક શાહના જણાવ્યા મુજબ સુરતમાં 150થી 200 જેટલી એકેડેમીઓમાં 50થી 60 હજાર યુવાનો તાલીમ લઈ રહ્યા છે. બહારથી આવતા ડોમિસાઇલ વગરના અને ઓવરએજ ખેલાડીઓને કારણે દર વર્ષે 1,000થી 1,500 સ્થાનિક પ્રતિભાશાળી ખેલાડીઓ અન્યાયનો ભોગ બને છે. તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં રણજી ટ્રોફીમાં સુરતના 7-8 ખેલાડીઓ રમતા હતા, જ્યારે આજે 50 લાખની વસ્તી ધરાવતા શહેરમાંથી કોઈ ખેલાડી આગળ આવી શકતો નથી. તેમણે સિલેક્શન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા ટ્રાયલ મેચોનું સ્કોરિંગ ફરજિયાત ઓનલાઇન કરવાની માગ કરી હતી.
SDCA સેક્રેટરીનો જવાબ: ‘ઝીરો ટોલરન્સ નીતિ’
મહિલા ખેલાડી સાથેના ચેટિંગના આક્ષેપ અંગે SDCAના સેક્રેટરી ડૉ. નૈમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, આ મામલે AGM દરમિયાન પહેલીવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આજદિન સુધી કોઈપણ ખેલાડી કે વાલી તરફથી આવી કોઈ ફરિયાદ મળી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે, આવી બાબતો સામે સંસ્થાની નીતિ ‘ઝીરો ટોલરન્સ’ની છે. અમારી ટીમમાં મહિલા કોચ કાર્યરત છે અને ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી હેઠળ કામ થાય છે. જો કોઈ નક્કર પુરાવા મળશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
નાણાકીય આક્ષેપોનું ખંડન
ISPL અંગે ડૉ. નૈમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, ઈ-મેઈલ વ્યવહારને મેનેજિંગ કમિટીમાં યોગ્ય રીતે મંજૂર કરવામાં આવ્યો હતો. ગ્રાઉન્ડ પેટે નક્કી થયેલા 2.5 કરોડ રૂપિયા વત્તા GSTની રકમ પાઈ-પાઈ સહિત એસોસિએશનના બેંક ખાતામાં જમા થઈ ચૂકી છે અને હિસાબ એજીએમમાં પાસ થઈ ગયો છે. સિલેક્ટર કે કોચની ખાનગી એકેડેમી ચાલતી હોવાની વાત નકારતાં તેમણે જણાવ્યું કે, તમામ નિયુક્તિઓ નિયમોને આધીન થઈ છે. પોતાના પર લાગેલા આક્ષેપો અંગે તેમણે કહ્યું કે, તેઓ 45 વર્ષથી બાળરોગ નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરે છે અને તેમણે મૈત્રી ટ્રસ્ટમાંથી ક્યારેય 1 રૂપિયો પણ લીધો નથી. બોગસ જન્મ પ્રમાણપત્રના વિવાદમાં ખેલાડીના દસ્તાવેજો GCAને મોકલાયા હતા અને બોન ટેસ્ટ પાસ થયા બાદ જ મંજૂરી અપાઈ હતી, જેથી તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું તેમણે જણાવ્યું હતું. હવે પ્રતીક શાહ દ્વારા જણાવાયેલા પુરાવા અને ફોન રેકોર્ડિંગ્સ પોલીસ સમક્ષ રજૂ થાય છે કે નહીં અને સમગ્ર મામલે આગળ કોઈ સત્તાવાર તપાસ થાય છે કે નહીં, તેના પર સુરતના ક્રિકેટ જગતની નજર છે.