સુરત ક્રાઇમ બ્રાંચની મોટી સફળતા
90 વર્ષના વૃદ્ધાને 'ડિજિટલ અરેસ્ટ' કરી 1.34 કરોડ પડાવનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો

સુરત ક્રાઇમ બ્રાંચની મોટી સફળતા

સુરત ક્રાઇમ બ્રાંચની મોટી સફળતા
Surat Broker Arrested: કર્ણાટક રાજ્યના કોલાર સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનાનો મુખ્ય સૂત્રધાર, જે છેલ્લા ઘણા સમયથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો, તેને આખરે સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. આ હાઇટેક સાયબર સ્કેમની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરોપીઓએ એક 90 વર્ષના વયસ્ક સિનિયર સિટીઝન મહિલાને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ વૃદ્ધાને કાયદા અને જેલનો ભયંકર ડર બતાવી, ચોવીસ કલાક 'ડિજિટલ અરેસ્ટ'ની જાળમાં ફસાવીને આરોપીઓએ આખી લૂંટને અંજામ આપ્યો હતો.
સીમકાર્ડ અને સરનામાં બદલતો 'જીગો' અમરોલીમાંથી પકડાયો
સુરત ક્રાઇમ બ્રાંચના સકંજામાં આવેલા આ શાતિર મુખ્ય આરોપીનું નામ જીગ્નેશ ઊર્ફે જીગો મીસ્ત્રી ધીરજલાલ વઘાડીયા (ઉંમર 42 વર્ષ) છે. આરોપી મૂળ મોરબીના સનાડા રોડ પર આવેલી અંકુર સોસાયટીનો વતની છે. તે સુરતમાં અમરોલી ખાતે ન્યુ કોસાડ રોડ પર આવેલી ક્રિષ્ના નગર સોસાયટીમાં આશ્રય લઈને રહેતો હતો અને બહારથી જમીન-મકાનની દલાલીનું કામ કરતો હતો. પરંતુ દલાલીની આડમાં રાતોરાત અમીર બની જવાના સપના જોતો આ શખ્સ આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગનો મુખ્ય મોહરો બની ગયો હતો. તે પોલીસથી બચવા માટે સતત પોતાના રહેઠાણ અને મોબાઇલના સીમકાર્ડ બદલી નાખતો હતો. જોકે, સુરત ક્રાઇમ બ્રાંચની નાસતા-ફરતા સ્કોડની ટીમે ચોક્કસ બાતમી મેળવી અમરોલી વિસ્તારમાંથી તેને દબોચી લીધો છે અને તેનો કબજો કર્ણાટક પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી છે.
TRAIના નકલી ઓફિસરનો વૉટ્સએપ કૉલ અને ડ્રગ્સની ધમકી
આ કરોડો રૂપિયાની આંતરરાજ્ય છેતરપિંડીની શરૂઆત ગત 7 ડિસેમ્બર, 2024ના રોજ થઇ હતી. ભોગ બનનાર 90 વર્ષના વૃદ્ધા જ્યારે પોતાના ઘરમાં એકલા હતા, ત્યારે તેમના મોબાઇલ પર એક અજાણ્યા વૉટ્સએપ નંબર પરથી કૉલ આવ્યો હતો. વૃદ્ધાએ કૉલ રિસીવ કરતા જ સામેની વ્યક્તિએ ભારેખમ અવાજમાં પોતાની ઓળખ નવી દિલ્હી TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ના વરિષ્ઠ અધિકારી 'વિજય શર્મા' તરીકે આપી હતી. આ નકલી અધિકારીએ વૃદ્ધા પર રોફ જમાવતા કહ્યું કે, "તમારા ઓળખ પત્ર અને ફોન નંબર પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા ડ્રગ્સ વેચવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. આ બાબત ગંભીર હોવાથી તમારો ફોન તાત્કાલિક બ્લોક કરાશે અને દિલ્હીમાં તમારી સામે FIR પણ નોંધાઈ ચૂકી છે."
બેડરૂમમાં ઊભું કર્યું નકલી પોલીસ સ્ટેશનનું સેટઅપ
વૃદ્ધા કશું સમજે કે વિચારે તે પહેલા જ સ્કેમર્સે નવી દિલ્હીના એક પોલીસ સ્ટેશન અને સરકારી ઓફિસ જેવો જ આબેહૂબ નકલી સેટઅપ ઊભો કરી વૉટ્સએપ વીડિયો કૉલ કર્યો હતો. આ વીડિયો કૉલમાં એક વ્યક્તિ દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારી (પ્રદીપ સિંહ) તરીકેના યુનિફોર્મમાં સજ્જ હતો, જ્યારે બીજા એક શખ્સે સી.બી.આઇ. (CBI)ના વરિષ્ઠ ઓફિસર તરીકે ઓળખ આપી હતી. આ નકલી અધિકારીઓએ વૃદ્ધા પર ખોટો અને ગંભીર આરોપ લગાવ્યો કે, "તમે એક બેંક મેનેજર સાથે મળીને મની લોન્ડરિંગ અને ઇન્ટરનેશનલ ડ્રગ ટ્રાફિકિંગ માટે નકલી ખાતું ખોલાવ્યું છે, જેમાં કરોડો રૂપિયાના કાળા નાણાંની હેરફેર થઇ છે."
નકલી CBI લેટરહેડ મોકલી 24 કલાક રાખ્યા 'ડિજિટલ અરેસ્ટ'
જ્યારે વૃદ્ધાએ રડતાં-રડતાં પોતે નિર્દોષ હોવાની આજીજી કરી, ત્યારે આરોપીઓએ આ કેસ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હોવાનું કહીને તેમને વધુ ડરાવવાનું શરૂ કર્યું હતું. કેસની ગુપ્તતા જાળવવા અને ઘરની બહાર સહેજ પણ પગ ન મૂકવા માટે વૃદ્ધાને સખત તાકીદ કરવામાં આવી હતી. કાનૂની સકંજાનો અહેસાસ કરાવવા માટે આરોપીઓએ વૃદ્ધાના વૉટ્સએપ પર CBIના નકલી લોગોવાળી નોટિસ અને સરકારી લેટરહેડ પણ મોકલી આપ્યા હતા. વૃદ્ધા પોતાના પરિવારના સભ્યોને પણ આંગળી ચીંધી ન શકે તે માટે તેમને સતત વીડિયો કૉલ પર કેમેરા સામે બેસી રહેવા મજબૂર કરાયા હતા, જેને 'ડિજિટલ અરેસ્ટ' કહેવામાં આવે છે.
RBI વેરિફિકેશનના બહાને 1.34 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા
વૃદ્ધાને માનસિક રીતે સંપૂર્ણ તોડી નાખ્યા બાદ નકલી સીબીઆઇ અધિકારીઓએ છેલ્લો દાવ ખેલતા જણાવ્યું કે, "તમારા બેંક ખાતામાં રહેલા નાણાં કાયદેસરના છે કે કેમ તેની તપાસ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા કરવામાં આવશે. આ માટે તમારે તમારા ખાતાની તમામ રકમ અમે કહીએ તે સરકારી ખાતામાં ટ્રાન્સફર કરવી પડશે. જો તપાસમાં તમે નિર્દોષ સાબિત થશો, તો માત્ર 2 જ દિવસમાં તમારા બધા પૈસા સહી-સલામત પરત મળી જશે." જેલ જવાની બીકના કારણે 90 વર્ષના વૃદ્ધાએ પોતાના જીવનભરની મૂડી સમાન કુલ 1,34,00,000 રૂપિયા (1.34 કરોડ) આરોપીઓએ આપેલા ત્રણ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. રકમ જમા થતાં જ આરોપીઓએ પોતાના તમામ ફોન બંધ કરી દીધા હતા.
કર્ણાટક અને સુરત પોલીસની સંયુક્ત તપાસ શરૂ
આ મામલે કર્ણાટકની કોલાર સાયબર ક્રાઇમ પોલીસે આઇ.ટી. એક્ટની કલમ- 66(C), 66(D) તથા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાંચે મુખ્ય આરોપી જીગાને પકડી પાડી આગળની કાનૂની કાર્યવાહી માટે તેને કર્ણાટક પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ સાથે પોલીસ હવે એ દિશામાં પણ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે, આ આંતરરાજ્ય સાયબર ક્રાઇમ ગેંગના તાર સુરત કે ગુજરાતના અન્ય કેટલા મોટા સાયબર ગુનેગારો અને શંકાસ્પદ બેંક ખાતાઓ સાથે જોડાયેલા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?