સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પાલિકાની ડ્રેનેજમાંથી કેમિકલ અને કલરવાળું પાણી નિકાલવાની ફરિયાદ આવી છે.ઉઘના વિસ્તારમાં વરસાદી પાણી સાથે કેમિકલવાળું પાણી છોડવાની ફરિયાદ બાદ પાલિકા અને જીપીસીબી દ્વારા કાર્યવાહી કરીને ચાર તપેલા ડાઈંગ સીલ કર્યા હતા. પાલિકા અને જીપીસીબી દ્વારા કાર્યવાહી કર્યા બાદ હવે વારિયાવી બજાર હોડી બંગલા વિસ્તારની ડ્રેનેજમાંથી કેમિકલ અને કલરવાળું પાણી બહાર આવવાનું શરૂ થઈ ગયું છે.
ગત રવિવારે પડેલા વરસાદ બાદ ઉઘના અને ભેસ્તાન વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. કેટલાક એકમો દ્વારા તેનો લાભ ઉઠાવીને ટ્રીટ કર્યા વિનાનું કેમિકલવાળું પાણી છોડવામાં આવ્યું હતું. આ અંગેની ફરિયાદ નોંધ્યા બાદ ત્યાંના મેયર અને ધારાસભ્ય ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જીપીસીબીની સૂચના આપી કેમિકલ છોડવા વાળા એકમોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહાબલ પ્રોસેસ, મમતા હેડ ડાઈંગ,પ્રગતિ ફેશન,એ.એન.ક્રિએશન મળી ચાર તપેલા ડાઈંગ સીલ કરવામાં આવી હતી. જેના કારણે હાલ ઉઘના વિસ્તારની ડ્રેનેજમાંથી કેમિકલ વાળું પાણી બહાર આવવાનું બંધ થયું છે.
સેન્ટ્રલ ઝોનમાં આવેલા હોડીબંગલા અને વરીયાવી બજારમાં આવેલી ડ્રેનેજમાંથી કલરવાળું પાણી બહાર આવવાનું શરૂ થયું છે. રસ્તા પરથી ડ્રેનેજ નું પાણી આવતા લોકોમાં ગભરાટ ફેલાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે, કે ઘાણી વાર આવી રીતે પાણી બહાર આવે છે. આ વિસ્તારમાં અનેક તપેલા ડાઈંગ છે. તેના કારણે અનેક વખત આવું કેમિકલવાળું પાણી બહાર આવે છે. તેથી તે વિસ્તારમાંથી બવ ગંદી વાસ આવતી હોય છે. લોકોના આરોગ્ય સામે ખતરા સમાન છે. ઉઘનાની જેમ આ વિસ્તારમાં પણ જીપીસીબી અને પાલિકા તપાસ કરે અને કેમિકલવાળું પાણી છોડનાર એકમો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.