અત્યાર સુધી રાજ્યના પાટનગર ની પોલીસ લગભગ વીઆઇપી મૂવમેન્ટમાં જ જોતરાયેલી રહેતી હતી. સ્વાભાવિક છે કે ગાંધીનગર પાટનગર હોવાથી અહીં વીઆઇપીની મબવમેન્ટ વધુ રહે અને સુરક્ષાના કારણોસર પોલીસને તેના પર વધુ ધ્યાન આપવું પડે અને તેથી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ તકલીફ રહે. જો કે સરકાર હવે પોલીસના આ પ્રથ્નનું નિવારણ લાવી છે. હવે ગાંધીનગરમાં કોઇપણ વીઆઇપી મૂવમેન્ટ હોય કે પછી મુખ્યમંત્રીની મૂવમેન્ટ હોય તેમાં ગાંધીનગર પોલીસના બદલે સ્પેશયલ પ્રોટેક્શન બ્રાન્ચ સુરક્ષામાં રહેશે.
પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રીથી માંડીને કોઈપણ વીઆઈપી મૂવમેન્ટ હોય તો તે માટે બંદોબસ્ત માટે સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચની રચના કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગે આ મહત્વનો નિર્ણય કર્યો છે. ડીવાયએસપી કક્ષાના અધિકારીના નેજા હેઠળ સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચ તમામ વીઆઇપી મૂવમેન્ટ અને બંદોબસ્ત પ્રોટોકોલ યુનિટ દ્વારા કરવામાં આવશે.
સરકારના આ નિર્ણયથી હવે ગાંધીનગર પોલીસને મુખ્યમંત્રીથી માંડીને વીઆઇપી મૂવમેન્ટ અને બંદોબસ્ત માટે ગમે તે ઘડીએ દોડવું નહીં પડે. સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચમાં ડીવાયએસપીના વડપણ હેઠળ ત્રણ પીઆઈ, 10 પીએસઆઈ ઉપરાંત 161 પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે. પ્રોટોકોલ શાખાની ટીમ રોજિંદી કામગીરી કરવાના બદલે માત્ર વીઆઈપી મૂવમેન્ટ - બંદોબસ્તની ફરજ બજાવશે