ગોંડલ માર્કેટયાર્ડમાં દાણચોરીનું ચાઈનીઝ લસણ ઘૂસતાં સત્તાધીશોમાં દોડધામ
ઉપલેટાથી ચાઈનીઝ લસણના 30 કટ્ટા વેચાણ માટે આવ્યા હતા

Authorities run into smuggled Chinese garlic in Gondal market yard

Authorities run into smuggled Chinese garlic in Gondal market yard
ગોંડલ માર્કેટયાર્ડમાં વેચાણ માટે દાણચોરીનું ચાઈનીઝ લસણ આવતાં સત્તાધીશોમાં દોડધામ મચી છે. પ્રતિબંધિત ચાઈનીઝ લસણના 30 જેટલાં કટ્ટા વેચાણ માટે આવ્યા હતા. ઉપલેટાથી આવેલું 30 કટ્ટા ચાઈનીઝ લસણ જોઈ વેપારીએ માર્કેટયાર્ડના સત્તાધીશોને જાણ કરી હતી. તેથી ચેરમેને રાજ્ય અને કેન્દ્ર સરકારને જાણ કરી ચાઈનીઝ લસણ અંગે તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં કિસાન સંઘે ચાઈનીઝ લસણનો મુદ્દો ઉછાળતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે.
સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટયાર્ડમાં ઉપલેટાથી એક વેપારી પ્રતિબંધિત ચાઈનીઝ લસણના 30 કટ્ટા વેચાણ કરવા આવ્યા હતા. માર્કેટયાર્ડનાં ચેરમેન અલ્પેશ ઢોલરીયાને જાણ થતાં ચાઈનીઝ લસણના કટ્ટા કબજે લઈ રાજ્ય સરકારનું માર્ગદર્શન માગી લસણ કોણે અને ક્યાંથી મોકલ્યું તે અંગે તપાસ હાથ ધરી છે. 750 કિલો ચાઈનીઝ લસણ આવ્યું હોવાનું ધ્યાને આવતાં વેપારીએ કર્મચારીઓને અને કર્મચારીઓએ સતાધીશોને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
લસણના વેપારી રમણિક વઘાસિયાએ જણાવ્યું કે માર્કેટયાર્ડમાં નવા લસણની આવક શરૂ થઈ છે. શુક્રવારે 30 કટ્ટામાં 750 કિલો ચાઈનીઝ લસણનો જથ્થો ઉપલેટાથી વેચાણ માટે આવ્યો હતો. માર્કેટયાર્ડના સત્તાધીશોને રજૂઆત કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા વિનંતી કરી છે. ચીનનું લસણ ભારતમાં આવવાથી ખેડૂતોને નુકસાન થાય તેમ હોવાથી વર્ષ 2014થી ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ છે.
ગોંડલ માર્કેટયાર્ડના આસિસ્ટન્ટ સેક્રેટરી હિતેષ સાવલિયાએ જણાવ્યું કે, શુક્રવારે માર્કેટયાર્ડમાં ચાઈનીઝ લસણ આવ્યું હોવાની વેપારીઓએ અમને જાણ કરી હતી. અમે ચાઈનીઝ લસણનો જથ્થો કબજે લઈ ક્યાંથી અને કેવી રીતે આવ્યુ તે અંગે તપાસ હાથ ધરી છે.
ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું કે, દેશમાં ચીનના લસણ ઉપર પ્રતિબંધ છે. દાણચોરીના લસણ અંગે કેન્દ્ર કક્ષાએ યોગ્ય નિર્ણય લેવાય તે માટે રજૂઆત કરી છે. સ્થાનિક ખેડૂતોને નુકસાન થાય નહી તે માટે ચાઈનીઝ લસણ ઘૂસતું બંધ કરવું જોઈએ. ખેડૂતોને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કોઈપણ ભોગે ચલાવી લેવામાં નહી આવે. ચીનનું લસણ વાયા ઉપલેટાથી આવ્યું છે. સમગ્ર મામલાની તપાસ કરી રાજ્ય અને કેન્દ્ર સરકારને જાણ કરીશું.
ગુજરાત કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે.પટેલે પણ ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઈનીઝ લસણ ઘૂસવા અંગે ચિંતા વ્યક્ત કરી ચાઈનીઝ લસણનું બિયારણ ક્યાથી આવ્યુ તેની ઝીણવટભરી તપાસ કરવા સરકારને રજૂઆત કરી છે. ચાઈનીઝ લસણ આરોગ્ય માટે પણ હાનિકારક હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ગોંડલ માર્કેટયાર્ડમાં હાલ નવા લસણની 2 હજાર કટ્ટાની આવક થઈ રહી છે. પ્રતિ 20 કિલોગ્રામે રૂપિયા 3600 થી 5500 નો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. જ્યારે ચાઈનીઝ લસણના ભાવ રૂપિયા 3600 કરતાં પણ નીચા હોવાથી વધારે નફો કમાવાની લાલચમાં ચાઈનીઝ લસણ ઘૂસાડવાનો પ્રયાસ કરતા હોય છે. બિહાર અને ઉત્તર પૂર્વીય રાજ્યોની બોર્ડર પરથી ચાઈનીઝ લસણ ઘૂસાડી અલગ-અલગ રાજ્યોમાં વેચાણ કરવામાં આવતુ હોય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?