પોલીસકર્મી અરવિંદ ચૌધરીનું હિટ એન્ડ રનમાં કરૂણ મોત
શ્વાનનો જીવ બચાવી પરત ફરતી વખતે અકસ્માતનો ભોગ બન્યા, અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ.

પોલીસકર્મી અરવિંદ ચૌધરીનું હિટ એન્ડ રનમાં કરૂણ મોત

પોલીસકર્મી અરવિંદ ચૌધરીનું હિટ એન્ડ રનમાં કરૂણ મોત
અંકલેશ્વરના અમરતપુરા પાટીયા નજીક હિટ એન્ડ રનની ગંભીર ઘટનામાં ફરજ પરના એક પોલીસકર્મીનું કરૂણ મૃત્યુ થયું છે. મૃતક પોલીસકર્મી અરવિંદ અવચળભાઈ ચૌધરી અંકલેશ્વર શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમના અણધાર્યા અવસાનથી સમગ્ર પોલીસ બેડા અને તેમના પરિવારમાં શોકની ઊંડી લાગણી છવાઈ ગઈ છે.
શ્વાનનો જીવ બચાવવા જતા પોતાનો જીવ ગુમાવ્યો
મૃતક પોલીસકર્મી અરવિંદ ચૌધરીનું મૃત્યુ એક અત્યંત માનવતાપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યા બાદ થયું છે. મળતી માહિતી મુજબ, તેમણે રસ્તા પર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા એક શ્વાનને જોયું હતું. અરવિંદ ચૌધરીએ તુરંત જ જીવદયા પ્રેમીઓનો સંપર્ક કર્યો અને એનિમલ એમ્બ્યુલન્સ બોલાવીને શ્વાનને સારવાર માટે મોકલી તેનો જીવ બચાવ્યો હતો. આ સેવાકીય કાર્ય પૂર્ણ કર્યા બાદ જ્યારે તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અતિ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે અરવિંદ ચૌધરીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
અંકલેશ્વર પંથકમાં પોલીસકર્મીના હિટ એન્ડ રનમાં મૃત્યુની આ બીજી ઘટના છે. આ પહેલા 16 દિવસ અગાઉ પાનોલી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-48) પર ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસકર્મી વિવેકસિંહ ડાભીનું પણ અજાણ્યા વાહનની ટક્કરથી મોત થયું હતું. ટ્રાફિક નિયમન દરમિયાન તેમને ટક્કર વાગતા ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. પોલીસકર્મીઓ વારંવાર હિટ એન્ડ રનની ગંભીર ઘટનાઓનો ભોગ બની રહ્યા છે, જે રોડ સેફ્ટી અને કાયદાના અમલ સામે મોટો પડકાર છે.
પોલીસ દ્વારા તપાસ શરૂ
પોલીસે મૃતક અરવિંદ ચૌધરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને PM બાદ મૃતદેહ તેમના પરિજનોને સોંપવામાં આવશે. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને, તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
નવા 'હિટ એન્ડ રન' કાયદા હેઠળ પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર ફરાર થનાર ડ્રાઇવરને 10 વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ છે. આ ગંભીર ગુનામાં પોલીસ તુરંત જ આરોપીને પકડવા કાર્યવાહી કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!