સોમનાથના આંગણે ભક્તિ અને શક્તિનો ત્રિવેણી સંગમ
વડાપ્રધાન મોદીએ 90 મીટર ઊંચા શિખર પર કર્યો કુંભાભિષેક

ઇન્સ્ટાગ્રામ

ઇન્સ્ટાગ્રામ
PM Modi In Somnat: પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ઇતિહાસ અને આધ્યાત્મનો એક અનોખો સમન્વય જોવા મળ્યો હતો. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ પધાર્યા હતા. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રના સ્વાભિમાન અને આધ્યાત્મિક ચેતનાને બળ આપતા અનેક મહત્વના કાર્યો સંપન્ન કર્યા હતા.
ઐતિહાસિક કુંભાભિષેક અને પુષ્પવર્ષા
વડાપ્રધાન મોદીએ આજે એક અત્યંત દુર્લભ અને ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના 90 મીટર ઊંચા ગગનચુંબી શિખર પર 11 પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ ભવ્ય વિધિ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. શિખર પૂજન બાદ વડાપ્રધાને ગર્ભગૃહમાં જઈ જ્યોતિર્લિંગ પર જળાભિષેક અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી. આ દિવ્ય ક્ષણો દરમિયાન ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા મંદિર પરિસર પર સતત પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
પોખરણથી શિવ-શક્તિ સુધીનો પ્રવાસ
સોમનાથની પવિત્ર ધરતી પરથી જનમેદનીને સંબોધતા વડાપ્રધાને આજના દિવસ (11 મે)નું મહત્વ સમજાવ્યું હતું. તેમણે 1998ના પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કરતા જણાવ્યું કે, "આજે 11 મે છે, આજના જ દિવસે ભારતે 'ઓપરેશન શક્તિ' દ્વારા વિશ્વને પોતાની તાકાતનો પરિચય કરાવ્યો હતો. શિવની સાથે શક્તિની પૂજા આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટને પણ 'શિવ-શક્તિ' નામ આપ્યું છે." તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત તેની આધ્યાત્મિક શક્તિ અને અડગ સંકલ્પના જોરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે.
સાંસ્કૃતિક પુનરુત્થાન અને સરદાર સાહેબનું સ્મરણ
વડાપ્રધાને સોમનાથના જીર્ણોદ્ધારના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયપૂર્વક યાદ કર્યા હતા. તેમણે તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે તે સમયના વિરોધ છતાં મક્કમતાથી સોમનાથનું નિર્માણ કરાવી ભારતના આત્મગૌરવને જીવંત કર્યું હતું. પીએમ મોદીએ ઉમેર્યું કે, જે રીતે સોમનાથનો પુનરોદ્ધાર થયો, આજે એ જ પથ પર અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની સાંસ્કૃતિક વિરાસતને ફરી સ્થાપિત કરી રહ્યું છે.
અમૃતપર્વના મુખ્ય આકર્ષણો
‘સોમનાથ અમૃતપર્વ-2026’ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ અને સરકાર દ્વારા અનેક વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા. વાયુસેનાની પ્રખ્યાત 'સૂર્યકિરણ એરોબેટિક ટીમ' દ્વારા અરબી સમુદ્રના કિનારે સોમનાથના આકાશમાં સાહસિક હવાઈ દાવપેચ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ આ અવસરની યાદમાં રૂ. 75નો ખાસ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટનું વિમોચન કર્યું હતું. હેલિપેડથી હમીરજી ગોહિલ સર્કલ સુધીના 2 કિલોમીટર લાંબા રસ્તા પર લાખો શ્રદ્ધાળુઓએ વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
સોમનાથથી વડોદરા: 'બંગાળ થીમ' પર ભવ્ય સ્વાગત
સોમનાથના કાર્યક્રમો બાદ વડાપ્રધાન સીધા વડોદરા જવા રવાના થશે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શાનદાર દેખાવ બાદ વડાપ્રધાન પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં વિશેષ 'બંગાળ થીમ' પર સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. વડોદરામાં તેઓ 'સરદારધામ-3'નું લોકાર્પણ કરશે અને ગદા સર્કલથી એરપોર્ટ સુધી ભવ્ય રોડ-શો યોજીને જનતાનું અભિવાદન ઝીલશે.
વડોદરામાં PMનો સંભવિત કાર્યક્રમ:
સાંજે 6:00 કલાકે: સરદારધામ-3નું લોકાર્પણ.
સાંજે 7:30 કલાકે: ગદા સર્કલથી એરપોર્ટ સુધી મેગા રોડ-શો.
રાત્રે 8:00 કલાકે: એરપોર્ટથી દિલ્હી પ્રસ્થાન.
વડાપ્રધાનના આ પ્રવાસથી સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. "હર હર મહાદેવ"ના નાદ સાથે સોમનાથની ભૂમિ પરથી વડાપ્રધાને રાષ્ટ્રના નવનિર્માણનો સંદેશ વહેતો કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?