ગુજરાતમાં હવે નકલી તાલુકા પંચાયત કચેરી પકડાઈ!
ગોંડલમાં સરકારી જમીનમાં ગેરકાયદે પ્લોટિંગ બતાવી હરાજી કરી તાલુકા પંચાયતના હુકમ આપ્યા

ત્રાકુડા ગામમાં નકલી હુકમ અને સનદ આપી પ્રતિ ચોરસ મીટરે રૂપિયા 300 ની લાંચ પણ લીધી

ત્રાકુડા ગામમાં નકલી હુકમ અને સનદ આપી પ્રતિ ચોરસ મીટરે રૂપિયા 300 ની લાંચ પણ લીધી
ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષથી નકલીની બોલબાલા છે. નકલી ટોલનાકાથી લઈને નકલી આઈએએસ અધિકારીઓ પકડાઈ ચુક્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં નકલી તાલુકા પંચાયત કચેરીનો પર્દાફાશ થયો છે. ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે નકલી તાલુકા પંચાયત કચેરી ઉભી કરી, સરકારી જમીનની હરાજી કરી, નકલી સનદ અને હુકમ બનાવી દીધા છે. આ હરાજી સરકારી છે અને કોઇને શંકા ન જાય તે માટે નકલી તાલુકા પંચાયતના અધિકારીઓએ પ્લોટ ફાળવણી વખતે પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયાની લાંચ લીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે નવું ગામતળ નીમ થયું છે. સરવે નંબર 91ની પાંચ એકર જગ્યામાં સરકારે પ્લોટની હરાજી કરી ગ્રામજનોને ફાળવવાની મંજૂરી આપી છે તેવી ગામમાં વાત વહેતી થઈ હતી. જેને લઈ ગામમાં પ્લોટની હરાજીના કાગળો તૈયાર થયા હતા અને 850 રૂપિયા પ્રતિ ચોરસ મીટર અપસેટ કિંમત રાખી પ્લોટની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ ચોરસ મીટરે 890 થી 900 રૂપિયા સુધીની ઊંચી બોલી લગાવનારને અલગ અલગ 25 પ્લોટ આપવામાં આવ્યા હતા. સનદ અને તાલુકા પંચાયતના હુકમ સામેલ કરી પરિશિષ્ટ એચ સહિતના સોગંદનામા પણ તૈયાર કરાયા હતા.
પૂર્વ તલાટી કમ મંત્રીની મીલીભગત
સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સસ્તા ભાવે મળેલા પ્લોટ વેચવા માટે અમુક શખ્સોએ પેરવી શરૂ કરી હતી. જેને લઈને ડોક્યુમેન્ટ મેળવી તપાસ કરતાં સમગ્ર હરાજીની પ્રક્રિયા ખોટી અને બનાવટી હોવાનું સામે આવ્યું છે. ત્રાકુડા ગામના તત્કાલીન તલાટી કમ મંત્રી અને હાલ હડમડિયામાં ફરજ બજાવતા ધર્મેશ હાપલિયાની મીલીભગત હોવાનું જાણવા મળ્યું છે. કોઇ પ્લોટધારક પાસેથી 150 તો કોઇને 160 ચોરસ વારના પ્લોટ આપીને 1.39 લાખથી લઈ 1.43 લાખ સુધી પ્લોટનો ભાવ અને તેની ઉપર આકાર, લોકલ ફંડ તેમજ શિક્ષણ ઉપકર જેવા કર પણ લગાવ્યા હતા.
તાલુકા પંચાયતના અધિકારીઓ વતી લાંચ પણ પડાવી
પ્લોટ વેચાણ માટેની વિગતો બહાર આવતાં સનદ ચકાસવામાં આવી હતી. વેચાણ મંજૂર કરવાનો જે હુકમ હતો તેમાં લેટરપેડ અને સિક્કો અસલ હતા પણ તેમાં તારીખ લખી ન હતી. કોઇપણ હુકમ તારીખ વગર હોતા નથી. આ ઉપરાંત સર્કલ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીની સહી છે તેની ખરાઈ કરતાં હાલમાં તેવા કોઇ અધિકારી તાલુકા પંચાયતમાં નથી. તેથી સહીઓ નકલી કરવામાં આવી છે. જ્યારે પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયા લેખે તાલુકા પંચાયતના અધિકારીઓને આપવાના છે તેમ કહી લાંચ પણ પડાવી લીધી હતી.
જિલ્લા પંચાયત યોગ્ય તપાસ કરે તેવી માંગ
સામાન્ય રીતે કોઇપણ સરકારી જમીનની ફાળવણી કરવાની હોય તો લેન્ડ ડિસ્પોઝલ કમિટીની બેઠક મળે છે. તેવી કોઇ બેઠક પણ મળી નથી. આ મામલે રેકર્ડની ખરાઈ કરવામાં આવતા ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત પાસેથી કોઇ રેકર્ડ નીકળ્યા નથી. તેથી હુકમ નંબર, સનદ તેમજ અન્ય પરિશિષ્ટ નકલી હોવાનું સાબિત થયું છે. જિલ્લા પંચાયત અને વહીવટીતંત્ર યોગ્ય તપાસ કરે તો કૌભાંડીઓ બેનકાબ થશે અને ત્રાકુડા ગામના ગરીબ પરિવારોને તેમની રકમ પરત મળશે.
તાલુકા પંચાયતના કર્મચારીઓની સંડોવણીની આશંકા
જે લેટરપેડ પર નકલી હુકમ તૈયાર કરવામાં આવ્યો છે તે લેટરપેડ અને તેના પરના સિક્કા પ્રથમ દ્રષ્ટિએ સરકારી કાગળો છે. આ મામલે નિષ્ણાતોની મદદ લેતા તેઓએ લેટરપેડ અસલી હોવાનું કહ્યું છે. તાલુકા પંચાયત કચેરીમાંથી કોરા લેટરપેડ અને સિક્કા પહેલાં ચોરી લેવામાં આવ્યા હતા અને નકલી હુકમ તેના પર બનાવી સહી-સિક્કા કરાયા હોવાનું સાબિત થઈ રહ્યું છે. તેના પરથી નકલી કચેરીના કૌભાંડમાં અસલી સરકારી કર્મચારીઓની સંડોવણી હોવાનું પુરવાર થઈ રહ્યું છે.
ગ્રામ પંચાયતમાં કોઈ રેકર્ડ ઉપલબ્ધ નહી
ત્રાકુડાના હાલના તલાટી ભાવેશ ઉદેશીને સનદ તેમજ પ્લોટ ફાળવણીના હુકમો ગ્રામ પંચાયતના ચોપડે ખરાઈ કરવાનું કહેવાયું હતું. આ મામલે તેઓએ જણાવ્યુ હતું કે, ‘પ્લોટની હરાજીના કે સનદ આપ્યાના કોઇ રેકર્ડ પંચાયતના ચોપડે નથી. સનદમાં 2023ની સાલ છે ત્યારે હું ફરજ પર ન હતો. મારી હમણા જ બદલી થઈ છે.’
તાલુકા વિકાસ અધિકારીનો ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ
નકલી સનદ મામલે ગોંડલ તાલુકા વિકાસ અધિકારી મિલન ઉકાવાલાને પ્રશ્ન કરતાં તેઓએ ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ કહ્યું કે, ‘પ્લોટની હરાજીની કોઈ ફરિયાદ નથી. આવો કોઇ બનાવ બન્યો જ નથી.’ તપાસ કરવા કે તપાસનો ભાગ બનવું ન હોવાથી પોતાની બદલી ન થાય ત્યાં સુધી મામલો દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગુજરાતમાં નકલીની બોલબાલા..
ગુજરાતમાં નકલીની બોલબાલા હોય તેમ ત્રણ વર્ષ દરમિયાન નકલી IAS અધિકારી, નકલી જજ, નકલી સ્કૂલ, મંત્રીઓના નકલી પીએ, નકલી PMO અધિકારી, નકલી ટોલનાકું, નકલી સરકારી કચેરી, નકલી સિરપ, નકલી IPS અધિકારી, નકલી CMO અધિકારી, નકલી સરકારી કચેરી, નકલી વૈજ્ઞાનિક પકડાયા છે.
20 થી વધુ નકલી અધિકારી ઝડપાયા..
નકલી IAS મેહુલ શાહ, નકલી કસ્ટમ અધિકારી હિમાંશુ રાય, નકલી નાયબ કલેક્ટર પ્રકાશ નાયી, નકલી CBI અધિકારી હિતેશ્વરસિંહ મોરી (સુરેન્દ્રનગરનો ભાજપનો કોર્પોરેટર), નકલી કેન્દ્રીય એજન્સીનો અધિકારી ભરત છાબડા, નકલી IPS પ્રદીપ પટેલ, નકલી CID અધિકારી તરૂણ ભટ્ટ, નકલી ગૃહ મંત્રાલય અધિકારી સૌરિશ ઘોષ, નકલી FCI અધિકારી પુણ્યદેવ રાય (પોલીસ ભવનમાં IPSને આમંત્રણ આપવા ગયો હતો), નકલી ડેપ્યુટી કલેક્ટર નેહા પટેલ, નકલી CMO અધિકારી લવકુશ દ્વિવેદી, નકલી CMO નકલી અધિકારી નિકુંજ પટેલ, નકલી ED અધિકારી ઓમવીરસિંહ, નકલી NIA અધિકારી ગુંજન કાંતિયા, નકલી PMO અધિકારી સંજય રાય ઉર્ફે સંજય શેરપુરિયા અને કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં તાલીમ લઈ રહેલો નકલી PSI મયૂર તડવી ઝડપાયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!