નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો કાનૂની વળાંક
સસ્પેન્ડેડ એન્જિનિયર સુજલે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનરે આદેશ કર્યાનો દાવો કર્યો

સુરતના નાસીરનગર ડિમોલિશનની ફાઈલ તસવીર

સુરતના નાસીરનગર ડિમોલિશનની ફાઈલ તસવીર
Suspended engineer surrenders to High Court: સુરતના નાસીરનગર વિસ્તારના વિવાદાસ્પદ ડિમોલિશન કાર્યવાહી હવે કાનૂની લડાઈના નવા તબક્કામાં પ્રવેશી છે. સુરત મહાનગરપાલિકાના સસ્પેન્ડ થયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ પોતાના સસ્પેન્શન સામે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરીને કાર્યવાહીને પડકારી છે. આ અરજીમાં તેમણે સસ્પેન્શનને એકતરફી અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ ગણાવ્યું છે.
સસ્પેન્શન રદ કરી સેવા પર પુનઃસ્થાપનની માંગ
અરજીમાં સુજલ પ્રજાપતિએ કોર્ટને વિનંતી કરી છે કે, તેમની સામેનો સસ્પેન્શન આદેશ રદ કરવામાં આવે અને તેમને અગાઉના હોદ્દા પર ફરીથી ફરજ પર મુકવામાં આવે. તેમનું કહેવું છે કે, સમગ્ર કાર્યવાહી દરમિયાન તેમને યોગ્ય રીતે પોતાની વાત રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી નહોતી.
કમિશનરના આદેશથી સ્થળે ગયાનો દાવો
સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટ સમક્ષ દાવો કર્યો છે કે, તેઓ નાસીરનગર ડિમોલિશન સ્થળે પોતાની ઇચ્છાથી ગયા નહોતા. તેમના કહેવા મુજબ તેઓ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન તરફથી મળેલી સૂચનાઓના આધારે જ સ્થળ પર હાજર રહ્યા હતા. અરજીમાં તેમણે આ દાવાને સમર્થન આપવા માટે વોટ્સએપ ચેટ સહિતના ડિજિટલ સંચારના દસ્તાવેજો રજૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
વોટ્સએપ ચેટ સહિતના પુરાવા કોર્ટમાં રજૂ
પિટિશનમાં રજૂ થયેલા દસ્તાવેજો અનુસાર, અધિકારીઓ વચ્ચે થયેલા સંચારના આધારે ડિમોલિશન સંબંધિત સૂચનાઓ આપવામાં આવી હતી. પ્રજાપતિનું કહેવું છે કે આ પુરાવાઓથી નિર્ણય પ્રક્રિયામાં ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા સ્પષ્ટ થઈ શકે છે.
તપાસ પ્રક્રિયા પર પણ ઉઠાવ્યા પ્રશ્નો
અરજીમાં આંતરિક તપાસ સમિતિની કામગીરી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પ્રજાપતિનો આક્ષેપ છે કે, તેમણે તપાસ દરમિયાન સ્પષ્ટતા કરી હોવા છતાં તેમની રજૂઆતને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવી નહોતી અને તેમને માત્ર જવાબદાર ઠેરવવા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ઝોનલ જવાબદારી અંગે પણ ઉલ્લેખ
અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડિમોલિશનની કામગીરી સંબંધિત વહીવટી જવાબદારી અન્ય ઝોન હેઠળ આવતી હતી. તેમ છતાં પોતાને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો પ્રજાપતિએ દાવો કર્યો છે.
કમિશનર એમ. નાગરાજનનો જવાબ
આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, તેમણે કોઈ સત્તાવાર આદેશ આપ્યો નહોતો. તેમના જણાવ્યા અનુસાર તેમને મળેલી રજૂઆત માત્ર સંબંધિત અધિકારીઓ સુધી મોકલવામાં આવી હતી. શું કાર્યવાહી કરવી તે અંગે કોઈ સૂચના આપવામાં આવી નહોતી અને જરૂરી જવાબ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
ડિમોલિશનમાં સુજલ પ્રજાપતિની ભૂમિકા અંગે શું કહેવાય છે?
ઉપલબ્ધ વિગતો અનુસાર, સુજલ પ્રજાપતિએ ડિમોલિશન માટે જરૂરી મશીનરી અને માનવબળની વ્યવસ્થા કરાવવા સૂચના આપી હતી. તેઓ પોતાના કાર્યક્ષેત્ર બહાર હોવા છતાં સ્થળ પર હાજર રહ્યા હતા. ઉપરાંત, પોલીસની હાજરીમાં કામગીરી શરૂ કરવાની સૂચના આપવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, આ મુદ્દાઓ હવે હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીનો ભાગ હોવાથી અંતિમ હકીકત કોર્ટના નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળનો બીજો દિવસ… પણ રસ્તા પર રિક્ષા હજુ કેમ દોડી રહી છે? હડતાળ વચ્ચે રિક્ષા રોકાવવાના અને વધુ ભાડું વસૂલવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આખરે અમદાવાદમાં ચાલી શું રહ્યું છે?

GSFCમાં આખરે મેન્ટેનન્સ દરમિયાન ગેસ કયા કારણોસર લીક થયો? શું આ દુર્ઘટનામાં કોઈ બેદરકારી હતી? પોલીસ તપાસમાં શું સામે આવશે?

ગણપતિ બાપ્પાના આગમન પહેલાં સુરતમાં બદલાઈ ગયો યુવાનોનો અંદાજ! આખરે શું છે નવો ટ્રેન્ડ અને કેમ પહોંચી રહ્યો છે વેપાર રૂ.20 કરોડને પાર? જાણો સંપૂર્ણ હકીકત…