24 કલાકમાં 145 તાલુકામાં મેઘમહેર
ઉમરપાડામાં પોણા 5 ઇંચ, 12 જિલ્લામાં આજે યલો એલર્ટ; માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં મેઘરાજાની સટાસટી

છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં મેઘરાજાની સટાસટી
અમદાવાદ, ગુજરાત: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે, કારણ કે રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને આજે (મંગળવાર, જુલાઈ 29, 2025) દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘમહેર થવાની શક્યતા છે. તંત્ર દ્વારા માછીમારોને પણ આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે હાલમાં રાજ્યમાંથી ટ્રફલાઇન પસાર થઈ રહી છે, જેના કારણે સારો વરસાદી માહોલ સર્જાયો છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોઈએ તો, સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન, સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં પોણા પાંચ ઇંચ (4.75 ઇંચ) પડ્યો છે. આ ઉપરાંત, છોટાઉદેપુર શહેરમાં સવા ત્રણ ઇંચ, બોડેલીમાં ત્રણ ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં અઢી ઇંચ, છોટા ઉદેપુરના પાવી જેતપુર અને તાપીના સોનગઢમાં સવા બે ઇંચ, તેમજ દાહોદના ગરબાડા અને તાપીના ડોલવણમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અન્ય ઘણા તાલુકાઓમાં પણ બે ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે. સોમવારે રાજ્યના 132થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં 30 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ હતો.
ધરોઈ ડેમ અને સંત સરોવરમાં પાણીની આવક વધીસાબરમતી નદી પરનો મહત્વનો ધરોઈ ડેમ હાલમાં તેની ક્ષમતાના 83.55 ટકા ભરાઈ ગયો છે. ડેમના ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ હોવાથી, ધરોઈ ડેમમાંથી ગમે ત્યારે પાણી છોડવાની ફરજ પડી શકે છે. આ સ્થિતિમાં ગાંધીનગર સ્થિત સંત સરોવર વિયરનું રૂટ લેવલ જાળવી રાખવા માટે સોમવારે સવારે 2 ફૂટ સુધી 4 ગેટ ખોલીને નદીમાં 10,493 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. બપોરે 4 વાગ્યા પછી 1 ગેટ બંધ કરીને 3 ગેટ ખુલ્લા રાખી પ્રતિ કલાક 7,590 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. સંત સરોવર વિયરમાં પાણીની સતત આવકને કારણે છેલ્લા 20 દિવસથી તેના દરવાજા ખુલ્લા જ રખાયા છે.
આ વર્ષે સારા વરસાદને પગલે જુલાઈ મહિનામાં જ ધરોઈ ડેમ 617 ફૂટની સપાટીએ પહોંચ્યો છે, જ્યારે તેનું રૂટ લેવલ 618 ફૂટ છે. હાલમાં પ્રતિ કલાક 1,146 ક્યૂસેક પાણીની આવક ચાલુ હોવાથી, ધરોઈના દરવાજા ગમે ત્યારે ખોલવાની ફરજ પડી શકે છે. ધરોઈમાંથી પાણી છોડવામાં આવે તો સાબરમતી નદી બે કાંઠે હોવાથી સંત સરોવર વિયરમાં પાણીનો પ્રવાહ વધશે, અને અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા ઊભી થશે.
નર્મદા ડેમમાં પણ પાણીની આવક વધશેમધ્યપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. ઇન્દિરા સાગર ડેમમાંથી ગમે ત્યારે 2.62 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે, જે લગભગ 32 કલાકમાં ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચશે.
હાલમાં નર્મદા ડેમની સપાટી 124.31 મીટર છે, જ્યારે તેની મહત્તમ સપાટી 138.68 મીટર છે. 2.62 લાખ ક્યૂસેક પાણીની આવકથી ડેમની સપાટીમાં દોઢથી બે મીટરનો વધારો થશે, પરંતુ આનાથી ડેમને કોઈ નુકસાન થશે નહીં. હાલમાં પાણીની આવક 76,200 ક્યૂસેક છે અને છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 33 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે.
નર્મદા નિગમના અધિકારીઓ ડેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ડેમ સંપૂર્ણ ભરાતા હજુ એક મહિના જેટલો સમય લાગી શકે છે. પાવર જનરેશન વધારીને ડેમને લગભગ 60% ભરેલો રાખવામાં આવી રહ્યો છે, જેથી પૂર જેવી સ્થિતિમાં નદી કાંઠાના ગામોને સુરક્ષિત રાખી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!