સુરત-રાજકોટમાં ભીષણ આગ: લાખોનું નુકસાન
સુરતની રાજ ટેક્સટાઈલ માર્કેટ અને રાજકોટની પ્લાયવુડ ફેક્ટરીમાં આગ, ફાયર ટીમોની ભારે જહેમત

સુરત રાજકોટ આગની ઘટના

સુરત રાજકોટ આગની ઘટના
ગુજરાતમાં એક જ દિવસમાં આગ લાગવાની બે મોટી ઘટનાઓ સામે આવી છે. સુરત અને રાજકોટમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.
સુરત: રાજ ટેક્સટાઈલ માર્કેટમાં બ્રિગેડ કોલ
સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઈલ માર્કેટના બી બ્લોકના 9મા માળે આજે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. 9મા માળે આવેલી કુલ 14 દુકાનો પૈકી સાત દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી.
આગની ગંભીરતાને જોતાં ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. આગને કાબૂમાં લેવા માટે ફાયરની 25 ગાડીઓ અને 250 જેટલા જવાનોની ટીમ કામે લાગી હતી. જવાનોએ હાઇડ્રોલિક મશીન અને અન્ય સાધનોનો ઉપયોગ કરીને પેસેજમાંથી દરવાજા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
રાજકોટ: શિવ પ્લાયવુડ ફેક્ટરીમાં ભીષણ આગ
રાજકોટના મોરબી રોડ સ્થિત હડાળા ગામના પાટિયા નજીક આવેલી શિવ પ્લાયવુડ નામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે 4 વાગ્યે આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાં પ્લાયવુડનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના ધુમાડા દૂર સુધી દેખાઈ રહ્યા હતા.
રાજકોટ ફાયર વિભાગની ટીમ તુરંત જ 4થી વધુ ફાયર ફાઈટરો અને પાણીના ટેન્કરો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. જ્વલનશીલ માલને કારણે આગ બુઝાવવી પડકારજનક હતી, પરંતુ ફાયર વિભાગના જવાનોએ લગભગ 5 કલાકની સતત જહેમત બાદ આગ પર 80 ટકા જેટલો કાબૂ મેળવ્યો હતો. સ્ટેશન ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, આગનું ચોક્કસ કારણ અકબંધ છે, પરંતુ શોર્ટ સર્કિટની સંભાવના છે. આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પ્લાયવુડનો જથ્થો બળી જતાં આર્થિક નુકસાન લાખો રૂપિયામાં થવાનો અંદાજ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?