લગ્ન નોંધણી કૌભાંડઃ SPGના લાલજી પટેલે કર્યો ખુલાસો
પાટણ જિલ્લાના એક ગામની યુવતીએ એક જ દિવસે 4 સ્થળે હાજરી બતાવી લગ્ન નોંધણી કરાવી

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
ગુજરાતમાં વધુ એક લગ્ન નોંધણી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પાટીદાર નેતા અને સરદાર પટેલ ગૃપના અધ્યક્ષ લાલજી પટેલે પંચમહાલના કણજીપાણી ગ્રામ પંચાયતમાં થયેલા લગ્ન નોંધણી કૌભાંડનો ખુલાસો કર્યો છે. સિદ્ધપુર તાલુકાના માથુપુરા ગામની યુવતીએ ઊંઝા તાલુકાના ઉનાવા ગામના યુવક સાથે લગ્ન કરી નોંધણી કરાવી હતી. યુવક-યુવતીએ એક જ દિવસે ત્રણ કલાકમાં ત્રણ જિલ્લાના ચાર સ્થળે હાજર રહી લગ્ન નોંધણી કરાવી હોવાનો ઘટસ્ફોટ થતાં લગ્ન નોંધણી પ્રક્રિયા સામે સવાલ ઉઠી રહ્યા છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના માથુપુરા ગામની યુવતીએ મહેસાણા જિલ્લાના ઉનાવા ગામના યુવક સાથે લગ્ન કરી નોંધણી કરાવી હતી. 14 નવેમ્બર 2025ના રોજ પાટણ જિલ્લાના હારીજમાં લગ્ન કરી, ઊંઝામાં સ્ટેમ્પ ખરીદી, વિસનગરમાં નોટરી કરાવી, પંચમહાલના કણજીપાણીમાં તલાટી સમક્ષ લગ્ન નોંધણી કરાવી હોવાનો દાવો કર્યો છે. એક જ દિવસે 3 કલાકમાં 4 જગ્યાએ બંને યુવક યુવતીએ હાજરી બતાવી છે. ચારેય સ્થળ વચ્ચે અંદાજે 350 કિલોમીટરનું અંતર હોવાથી લગ્ન નોંધણી પ્રક્રિયા અંગે લાલજી પટેલે સવાલ ઉઠાવ્યા છે.
સરદાર પટેલ ગૃપના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું કે, અમારી ટીમે ચારેય સ્થળ ઉપર જઈને વિગતો મેળવી હતી. પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગામના તલાટી અર્જુન મેઘવાલને મળતાં તેમણે લગ્ન નોંધણી કર્યાની કબૂલાત કરી હતી. આ સમયે અમે તેમનું સ્ટીંગ કરી લીધુ હતું. જેમાં તેઓ કેવી રીતે લગ્ન નોંધણી કરી રહ્યા છે અને કેટલાં લગ્ન કરાવ્યા છે તેની ચોંકાવનારી કબૂલાત કરી હતી.
તલાટીએ ત્રણ દિવસમાં 24 લગ્નો કરાવ્યાની અને 2025ના વર્ષમાં 2 હજાર લગ્ન નોંધણી કરાવી હોવાનો દાવો કર્યો હતો. એક લગ્ન નોંધણી પેટે તેઓ 2500 રૂપિયા લેતા હોવાથી એક વર્ષમાં તેમણે 2 હજાર લગ્ન કરાવ્યા હોવાથી 50 લાખ રૂપિયા કમાણી કરી હોવાનો સ્ટીંગમાં ખુલાસો કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, એક જ ગામમાં માત્ર 3 દિવસમાં 24 જેટલા લગ્નો રજિસ્ટર થયા છે. આ આંકડો સામાન્ય નથી. રાજ્યભરના યુગલો અહીં લગ્ન નોંધણી કરાવવા આવે છે. આ કૌભાંડમાં સ્થાનિક તંત્રની મિલીભગત હોઈ શકે છે. કણજીપાણી ગામના તલાટી અર્જૂન મેઘવાલનો નામજોગ ઉલ્લેખ કરી જણાવ્યું કે, તલાટી પોતે જ કબૂલે છે કે તેણે વર્ષ 2025માં એક જ વર્ષમાં 2000 જેટલા લગ્નો કરાવ્યા છે.
લાલજી પટેલના દાવા મુજબ તેમની પાસે એક વીડિયો પુરાવો પણ છે જેમાં તલાટી કથિત રીતે બોલી રહ્યા છે કે, તે એક લગ્નના નોંધણી પેટે 2500 રૂપિયા લે છે. જો ગણતરી માંડવામાં આવે તો એક લગ્નના 2500 રૂપિયા લેખે 2000 લગ્નના સીધા 50 લાખ રૂપિયાની કમાણી તલાટીએ કરી હોવાનો અંદાજ છે.
તેમણે ઉમેર્યું કે, લગ્ન કરનાર યુવક-યુવતી એક જ તારીખે થોડા કલાકોમાં ચાર જગ્યાએ કેવી રીતે પહોચી શકે. તેથી લગ્નની નોંધણી પ્રક્રિયા બોગસ છે. સમગ્ર લગ્ન નોંધણી કૌભાંડ અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા અમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ માગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર નેતા વરૂણ પટેલે થોડા મહિના અગાઉ વિજાપુરમાં લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર અંગે યોજાયેલી જાગૃતિ રેલીમાં બનાસકાંઠા જિલ્લામાં થયેલા લગ્ન નોંધણી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે લગ્ન નોંધણી કૌભાંડ એક જ જિલ્લામાં નહી પણ સમગ્ર ગુજરાતમાં સર્વવ્યાપી છે તેવું આ કિસ્સા પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે પણ સમગ્ર કૌભાંડ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની તાતી જરૂરીયાત છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?