ગુજરાતમાં 44.45 લાખ મતદારોનું મેપિંગ હજુ બાકી
મતદાર યાદીની સુધારણા ઝુંબેશ દરમિયાન 18 લાખથી વધુ મૃતક મતદારો મળ્યાનો ખુલાસો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 27 ઓક્ટોબર 2025થી રાજ્યમાં શરૂ કરાયેલી SIR (ખાસ સઘન સુધારણા) ઝુંબેશની સમય મર્યાદા વધારી 14 ડિસેમ્બર કરવામાં આવી હતી. જેથી ફોર્મ પરત આપવા માટે ત્રણ દિવસનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો. રાજ્યમાં મતદાર ગણતરીના તબક્કાની 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે 19-12-2025ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.
ગુજરાતમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે પૈકી 4.34 કરોડ મતદારોએ ગણતરી ફોર્મ પરત કર્યા છે. તમામ ફોર્મનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું હતું. 44.45 લાખ જેટલા મતદારોનું મેપીંગ થયું નથી. તમામ 33 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે.
તેથી રાજ્યના કુલ 182 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ છે. બૂથ લેવલ ઓફિસર અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન પણ કરાયું હતું.
આ બેઠકોના નિષ્કર્ષ સાથે જે તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે મતદારોના નામની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર અને મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી હતી. જિલ્લાવાર મૂકવામાં આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગણતરીના તબક્કાના છેલ્લા ચરણ સુધીમાં ધ્યાને આવ્યું કે, 18,07,277 અવસાન પામેલા મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 9,69,813 મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા છે. આ ઉપરાંત 40,26,010 થી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા છે.
જ્યારે 3,81,534 મતદારો રિપિટેડ હોવાનું ધ્યાને આવ્યું છે. મતદારયાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેય સાથે અમલમાં મૂકાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું છે. ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ 27 ઓક્ટોબર 2025થી શરૂ કરીને ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી કરવામાં આવી છે.
મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયા બાદ 19-12-2025 થી 18-01-2026 સુધી મતદારયાદી સબંધી વાંધા-દાવા રજૂ કરી શકાશે. જે ભારતના નાગરિક છે અને SIR પછી કોઇ કારણસર ડ્રાફટ રોલમાં નામ નથી સામેલ થયું તો તેવા નાગરિકો આધાર પુરાવા સાથે ફોર્મ નંબર 6 ભરીને મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે મતદાર યાદીમાં બે જગ્યાએ નામ રાખવું તે ગુનો બને છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?