ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ કૌભાંડમાં જેલમાં રહેલાં આરોપી કાર્તિક જશુભાઇ પટેલની નિયમિત જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યુ છે કે, આરોપી કાર્તિક પટેલ મુખ્ય સૂત્રધાર છે. કાર્તિક પટેલનો ગુનામાં ખૂબ જ મહત્વનો રોલ છે. આરોપી સામે અન્ય ગુના નોંધાયા હોવાથી જામીન આપવા ન્યાયોચિત જણાતું નથી. આરોપી કાર્તિક પટેલ સામે પ્રોહિબિશન એકટ અને અન્ય બે ગુના વસ્ત્રાપુર પોલીસ મથકમાં નોંધાયેલા હોવાથી તેમાં ધરપકડ કરવાની બાકી છે.
અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરી ઓપરેશન કરવાના પ્રકરણમાં 3 નિર્દોષ દર્દીના મોત થયા હતા. આ કેસમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન આરોપી કાર્તિક પટેલે ચાર્જશીટ બાદ નિયમિત જામીન માટે અરજી કરી હતી. જેમાં રજૂઆત કરી હતી કે, અરજદાર ખ્યાતિ હોસ્પિટલમાં ફ્કત આર્થિક દ્રષ્ટિકોણથી માલિક છે. બાકી ખ્યાતિ હોસ્પિટલની રોજિંદી પ્રવૃત્તિઓમાં તેમની કોઇ સંડોવણી નથી. અરજદારે સમાજ સેવાના ઇરાદે હોસ્પિટલના પ્રોજેકટને અમલમાં મૂકયો છે. તેમાંથી કમાણી કરવાનો કોઇ ઇરાદો નહોતો. કાર્તિક પટેલે ખ્યાતિકાંડના દોષનો ટોપલો સર્જન ડોકટર ડો.પ્રશાંત વજીરાણી પર ઢોળતાં જણાવ્યું છે કે, તેના નિર્ણયના આધારે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરવામાં હતી. જેમાં તેમની કોઇ ભૂમિકા આવતી નથી.
આરોપી કાર્તિક પટેલની જામીન અરજીનો વિરોધ કરતાં ખાસ સરકારી વકીલ વિજય બારોટે કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીની સૂચનાથી ગરીબ અને અભણ દર્દીઓને કાવતરાના ભાગરૂપે હોસ્પિટલમાં લાવી ખોટી રીતે એન્જીઓપ્લાસ્ટી અને એન્જીઓગ્રાફી સહિત ઓપરેશનો કરવામાં આવતાં હતા. સમગ્ર કૌભાંડની આરોપીને જાણકારી હતી. તેમ છતાં તેણે કૌભાંડ આચરવામાં બનતી મદદગારી કરી હતી. હોસ્પિટલમાં દર્દીઓ ઘટી ગયા પછી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતને ઘણીવાર મળવાનું થતું હતું. તેઓ કહેતા કે, આ રીતે આંકડા ઘટશે તો કામ નહીં ચાલે. આરોપી દ્વારા હોસ્પિટલમાં ડોકટરો ઉપર દર્દીઓને સારવાર માટે લાવવા સતત દબાણ કરવામાં આવતું હતું.
તેમણે ઉમેર્યુ કે, આરોપી વિરૂદ્ધ તપાસનીશ એજન્સીને પૂરતા અને નક્કર પુરાવા હાથ લાગ્યા છે. સાક્ષીઓના નિવેદનોમાં પણ આરોપીની સીધી સંડોવણીની હકીકત સામે આવી છે. આરોપીને અદાલત દ્વારા જામીન આપવામાં આવે તો ખૂબ જ સંવેદનશીલ કેસના સાક્ષીઓ અને પુરાવાઓ સાથે ચેડાં થવાની શક્યતા નકારી શકાતી નથી. જેના કારણે છેવટે ટ્રાયલને વિપરીત અસર થવાની દહેશત છે. તેથી જામીન અરજી ફગાવી દેવી જોઈએ. બંને પક્ષોના વકીલોની દલીલોના અંતે ખાસ સરકારી વકીલ વિજય બારોટની દલીલોને ગ્રાહ્ય રાખીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ન્યાયાધીશ કે.એમ.સોજીત્રાએ આરોપીના જામીન ફગાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં અગાઉ હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારી અને સંજય પટોલિયાને જામીન મળી ગયા હોવાથી તે ગ્રાઉન્ડ ઉપર નિયમિત જામીન આપવા કાર્તિક પટેલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.