વડોદરામાં સપ્ટેમ્બર 2024 માં ધોરણ 1 ની વિદ્યાર્થિનીના શંકાસ્પદ મોત મામલે ચકચાર જગાવનાર કેસમાં કોર્ટે આચાર્ય ગોવિંદ નટને 10 વર્ષની સજા અને ₹2 લાખનો દંડ ફટકાર્યો છે. જોકે, આ ચુકાદામાં એક ગંભીર વળાંક આવ્યો છે. કોર્ટે આરોપી સામે લગાવવામાં આવેલા POCSO અને હત્યાના આરોપોને નકારી કાઢ્યા છે, અને માત્ર ગંભીર બેદરકારી બદલ સજા ફટકારી છે. આ નિર્ણયથી પોલીસ તપાસ અને ચાર્જશીટની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
શું હતી ઘટના અને પોલીસનો દાવો?
સપ્ટેમ્બર 2024 માં, એક શાળામાંથી ધોરણ 1 માં ભણતી બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. પોલીસે આ કેસમાં આચાર્ય ગોવિંદ નટ સામે દુષ્કર્મનો પ્રયાસ કરી ગળું દબાવી હત્યા કરવાનો અને શાળામાં જ ખાડો ખોદી બાળકીને દફનાવી દેવાનો ઘૃણાસ્પદ આરોપ લગાવ્યો હતો. પોલીસે આ કેસમાં 150 સાક્ષીઓ અને કડક કાર્યવાહીના દાવા કર્યા હતા.
કોર્ટનો ચુકાદો, 'માત્ર બેદરકારી' અને પુરાવાનો અભાવ...
પોલીસના તમામ દાવાઓ અને કડક ચાર્જશીટ હોવા છતાં, કોર્ટમાં પોલીસ પોતાના પુરાવા સાબિત કરી શકી નહીં. કોર્ટે નોંધ્યું કે, બાળકીનું મોત માત્ર આરોપીની ગંભીર બેદરકારીના કારણે થયું હતું. POCSO અને હત્યા જેવા ગંભીર આરોપો માટે પૂરતા પુરાવા રજૂ ન થતાં, કોર્ટે તેમને રદ કર્યા. આ ચુકાદો પોલીસની તપાસ પ્રક્રિયા અને પુરાવા એકત્રિત કરવાની પદ્ધતિ પર તીખા પ્રશ્નાર્થ મૂકે છે. આ કેસના ચુકાદાથી સમાજમાં ન્યાયની પ્રક્રિયા અને ગુનાની ગંભીરતા વચ્ચેના ભેદ અંગે નવી ચર્ચાઓ શરૂ થઈ છે.