અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી IPLની ફાઇનલ મેચની ક્લોઝિંગ સેરેમની ખાસ થીમ ‘ઓપરેશન સિંદૂર’ પર આધારિત રહેશે, જે ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને નિઃસ્વાર્થ સેવાને સમર્પિત હશે. આ સમારોહમાં સ્ટેડિયમને તિરંગાના રંગોની લાઇટથી શણગારવામાં આવશે, અને પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન પોતાના સુરીલા પર્ફોર્મન્સથી દર્શકોને મંત્રમુગ્ધ કરશે.
BCCI સેક્રેટરી દેવજિત સૈકિયાએ જણાવ્યું કે, “‘ઓપરેશન સિંદૂર’ની સફળતાની ઉજવણી અને સશસ્ત્ર દળોની બહાદુરીનું સન્માન કરવા માટે આ ક્લોઝિંગ સેરેમની યોજવામાં આવી રહી છે. અમે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી, એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ સહિત અન્ય સર્વિસ ચીફ્સ, અધિકારીઓ અને સૈનિકોને IPL ફાઇનલ જોવા માટે આમંત્રણ આપ્યું છે.” તેમણે ઉમેર્યું કે, “ક્રિકેટ ભલે રાષ્ટ્રીય ઝનૂન હોય, પરંતુ રાષ્ટ્રની સુરક્ષા, અખંડિતતા અને સાર્વભૌમત્વથી મોટું કંઈ નથી.”
‘ઓપરેશન સિંદૂર’ની પૃષ્ઠભૂમિ 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારતીય સેનાએ 6-7 મેની રાત્રે આ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાં પર સફળ હુમલા કર્યા હતા. પાકિસ્તાનની યુદ્ધવિરામની વિનંતી બાદ ભારતે આ ઓપરેશન બંધ કર્યું હતું. આ ઓપરેશનની સફળતાએ રાષ્ટ્રનું રક્ષણ કર્યું અને દેશવાસીઓને પ્રેરણા આપી.
IPLની આ સિઝન દરમિયાન પણ સુરક્ષાને લગતા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. 8 મેના રોજ ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલાને કારણે અધવચ્ચે રોકવામાં આવી હતી. ત્યારબાદ BCCIએ IPLને એક અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી હતી. યુદ્ધવિરામની જાહેરાત બાદ BCCIએ બાકીની મેચોનું શિડ્યૂલ જાહેર કર્યું, અને હવે ફાઇનલ મેચની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
આ ક્લોઝિંગ સેરેમની માત્ર ક્રિકેટની ઉજવણી નહીં, પરંતુ ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને દેશભક્તિનું સન્માન કરવાનો અનોખો પ્રસંગ બનશે. BCCIનો આ પ્રયાસ દેશના નાયકો પ્રત્યેની કૃતજ્ઞતા અને સમ્માનનું પ્રતીક છે.