જમીન ટુકડાધારા કાયદામાં ઐતિહાસિક સુધારો
હવે 10 ગુંઠા જમીનનું પણ થઈ શકશે ખરીદ-વેચાણ; 135-ડીની નોટિસનો સમય ઘટાડીને 7 દિવસ કરાયો

જમીનના લઘુતમ ક્ષેત્રફળને 10 ગુઠા નક્કી કરાયા

જમીનના લઘુતમ ક્ષેત્રફળને 10 ગુઠા નક્કી કરાયા
ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો, જમીન માલિકો અને સામાન્ય નાગરિકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. વર્ષો જૂના 'ટુકડાધારા કાયદા' (Prevention of Fragmentation Act) અને જમીન હક્કની નોંધણી માટેની '135-ડી'ની પ્રક્રિયામાં વ્યાપક સુધારા કરવા માટે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. આ વટહુકમને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે અને હવે રાષ્ટ્રપતિની મહોર બાદ તે સમગ્ર રાજ્યમાં અમલી બનશે. આ સુધારાથી જમીન વ્યવહારોમાં આવતી કાયદાકીય અડચણો દૂર થશે અને હજારો પેન્ડિંગ કેસોનો નિકાલ આવશે.
ટુકડાધારામાં 78 વર્ષ પછી મોટો ફેરફારવર્ષ 1948થી અમલમાં આવેલા ટુકડાધારા કાયદામાં આઝાદી પછી પ્રથમ વખત આટલો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
ક્ષેત્રફળમાં ઘટાડો: અગાઉના નિયમ મુજબ, ખેતીની જમીનનો વ્યવહાર કરવા માટે લઘુતમ 20 ગુંઠા જમીન હોવી અનિવાર્ય હતી. જો તેનાથી ઓછી જમીન હોય તો તેને 'ટુકડો' ગણીને વ્યવહાર અટકાવી દેવામાં આવતો અથવા તે વ્યવહાર ફોક (રદ) ગણાતો હતો. હવે સરકારે આ મર્યાદા ઘટાડીને 10 ગુંઠા કરી દીધી છે.
ગણતરી: ગાણિતિક દ્રષ્ટિએ જોઈએ તો, 1 ગુંઠા જમીન એટલે 1,089 સ્કે. ફૂટ થાય. આમ, હવે ખેડૂતો 10,890 સ્કે. ફૂટ કે તેથી વધુ જમીનનું ખરીદ-વેચાણ કાયદેસર રીતે કરી શકશે. આ નિર્ણયથી નાના ખેડૂતોને પોતાની જમીન વેચવામાં કે પરિવારમાં હિસ્સા પાડવામાં મોટી રાહત મળશે.
જમીન મહેસૂલ પ્રક્રિયામાં બીજો સૌથી મોટો સુધારો 135-ડીની નોટિસના સમયગાળામાં કરવામાં આવ્યો છે.
ઝડપી પ્રક્રિયા: કોઈપણ જમીનના દસ્તાવેજ થયા બાદ તેની સરકારી દફતરે નોંધ પાડવા માટે અગાઉ 30 દિવસ સુધી રાહ જોવી પડતી હતી, જે દરમિયાન વાંધા-વચકા મંગાવવામાં આવતા હતા. હવે આ સમયગાળો ઘટાડીને માત્ર 7 દિવસ કરી દેવામાં આવ્યો છે.
ફાયદો: આ ફેરફારથી જમીન ખરીદનાર વ્યક્તિએ મહિનાઓ સુધી પ્રોપર્ટી કાર્ડ કે સાત-બારના ઉતારામાં નામ ચઢાવવા માટે રાહ નહીં જોવી પડે. વહીવટી પ્રક્રિયા ઝડપી બનતા ભ્રષ્ટાચાર અને બ્લેકમેઇલિંગ જેવી સમસ્યાઓ પર પણ લગામ લાગશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં 20 ગુંઠાથી ઓછા ક્ષેત્રફળના વ્યવહારો જે ફોક ગણાતા હતા અને જેમાં દંડ વસૂલવામાં આવતો હતો, તેવા તમામ વ્યવહારોને હવે કોઈપણ દંડ વગર નિયમિત કરવામાં આવશે. આ નિર્ણયથી રેવન્યુ કોર્ટ (મહેસૂલ અદાલત) માં વર્ષોથી ચાલી આવતા હજારો વિવાદિત કેસોનો કાયમી ઉકેલ આવશે. જે લોકો શાંતિપૂર્ણ કબજો ધરાવે છે અને જેમની સામે કોઈ કેસ પેન્ડિંગ નથી, તેમની નોંધો હવે ત્વરિત મંજૂર કરવામાં આવશે.
મહાનગરપાલિકા અને ઓથોરિટીઝને પણ લાભઆ ઐતિહાસિક સુધારો માત્ર ગ્રામ્ય વિસ્તારો પૂરતો મર્યાદિત નથી. આ નિર્ણયથી:
શહેરી વિસ્તારો: નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં આવતી જમીનોને પણ ફાયદો થશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર: અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝ (AUDA, SUDA વગેરે) ના વિસ્તારોમાં જમીન સંપાદન અને વિકાસના કાર્યો વધુ વેગવંતા બનશે.
પારદર્શિતા: ખોટા વાંધા ઉઠાવીને જમીન માલિકોને હેરાન કરતા તત્વોની શક્તિ ક્ષીણ થશે.
સામાન્ય રીતે કોઈ મિલકતની 'ગામ નમૂના નંબર 6' માં હક્ક પત્રકની નોંધ પાડવા માટે 135-ડીની નોટિસ આપવામાં આવતી હોય છે. જો જમીન બિનખેતી (NA) હોય તો તેની નોંધ 'ગામ નમૂના નંબર 2' માં કરવામાં આવે છે. સરકારનો આદેશ છે કે જે કેસોમાં કોઈ તકરાર નથી, ત્યાં તંત્રએ ઝડપથી મહેસૂલ વેરો કોની પાસેથી લેવાનો છે તેની સ્પષ્ટતા કરી નોંધો પાડી દેવી જોઈએ.
ગુજરાત સરકારના આ બેવડા વટહુકમથી રાજ્યના રિઅલ એસ્ટેટ ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્રમાં મોટી તેજી આવવાની સંભાવના છે. ખેડૂતો હવે પોતાની નાની જમીનોના સોદા પણ કાયદેસર રીતે કરી શકશે અને વહીવટી પ્રક્રિયામાં થતો વિલંબ ભૂતકાળ બની જશે. રાજ્યપાલની મંજૂરી બાદ હવે વહીવટી તંત્ર આ નવા નિયમોના અમલીકરણ માટે સજ્જ બન્યું છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.