ગુજરાતમાં ભારે વરસાદ, 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ
ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગનું રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદ

ગુજરાતમાં ભારે વરસાદ
ગુજરાતમાં 16 જૂનથી શરૂ થયેલા ચોમાસાએ આખા રાજ્યને આવરી લીધું છે અને હાલમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઈન અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન (30થી 40 કિમી પ્રતિ કલાક) સાથે ગાજવીજ અને ધોધમાર વરસાદની સંભાવના છે. ખાસ કરીને આજે 28 જુલાઈના રોજ 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યના મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે. કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે.
અમદાવાદમાં વરસાદી માહોલ
અમદાવાદ શહેરમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. કાળા વાદળોથી વિઝિબિલિટી ઘટી ગઈ છે. શહેરના ઓઢવ, શાહીબાગ, રાણીપ, જમાલપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, ચાંદખેડા, મોઢેરા, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. માર્ગો પર પાણી ભરાતા BRTS અને AMTS બસો પણ પાણીમાં ફસાઈ ગઈ હતી.
મધ્ય પ્રદેશમાંથી આવતા વરસાદથી નર્મદા ડેમમાં આવક વધશે
ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી 2.62 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે, જે 32 કલાકમાં નર્મદા ડેમમાં પહોંચશે. હાલ ડેમની સપાટી 124.31 મીટર છે અને આગામી દિવસોમાં આ સપાટીમાં 1.5થી 2 મીટરનો વધારો થવાની સંભાવના છે. હાલ ડેમ 60 ટકા ભરેલો છે અને પાવર જનરેશન દ્વારા નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ
છેલ્લા 24 કલાકમાં 198 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 86 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે. વધુ વરસાદવાળા વિસ્તારોમાં નડિયાદમાં 10.43 ઈંચ, દસ્ક્રોઈમાં 10.35 ઈંચ, મહેમદાબાદમાં 9.37 ઈંચ, માતરમાં 8.03 ઈંચ, મહુધામાં 7.05 ઈંચ અને વાસોમાં 6.22 ઈંચ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની ખાસ સૂચના
જ્યાં ભારે વરસાદની આગાહી છે તે વિસ્તારમાં નદી-નાળાના નજીક ન જવા, વીજળી પડવાની સ્થિતિમાં ખુલ્લા મેદાનમાં ન રહેવા અને વાહન ધીમા ચલાવવાની સલાહ આપવામાં આવી છે. આગામી દિવસોમાં દરિયો તોફાની રહેશે તેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
6થી 10 ઓગસ્ટ વચ્ચે વધુ વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ઓગસ્ટ મહિનાના પ્રથમ 10 દિવસોમાં વધુ એક વરસાદી લહેર રાજ્યમાં પ્રવેશ કરશે અને ખાસ કરીને 6થી 10 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદની શક્યતા છે. તે ખેડૂતવર્ગ માટે આનંદના સમાચાર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!