શેઠની શિખામણ ઝાંપા સુધી: ઈંધણ બચાવવાની વાત હવામાં!
કેબિનેટ બેઠકમાં મંત્રીઓ અલગ-અલગ લક્ઝુરિયસ કારમાં એકલા જ આવ્યા

AI જનરેટેડ

AI જનરેટેડ
Gujarat Ministers Ignore PM Modis Carpooling Appeal: પશ્ચિમ એશિયામાં યુદ્ધની ભયાનક સ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની સપ્લાય ચેનને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. આ આંતરરાષ્ટ્રીય તણાવના લીધે ક્રૂડના ભાવો આસમાને પહોંચી ગયા છે, જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર પણ જોવા મળી રહી છે. આ ગંભીર કટોકટી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ખૂબ જ મહત્વપૂર્ણ અપીલ કરી હતી કે દેશના સંસાધનો પરનો બોજ ઓછો કરવા માટે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ અત્યંત કરકસરપૂર્વક કરવો જોઈએ. તેમણે નાગરિકોને ખાનગી વાહનોનો મોહ છોડીને પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કારપુલિંગનો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું હતું. જોકે, પીએમ મોદીની આ રાષ્ટ્રજોગ અપીલનો ગુજરાતના પોતાના જ મંત્રીઓ અને નેતાઓ પર કેવો પ્રભાવ પડ્યો છે, તેનું ગાંધીનગરમાં એક ચોંકાવનારું રિયાલિટી ચેક સામે આવ્યું છે. સત્તાધારી પક્ષના મોટાભાગના મંત્રીઓ અને ધારાસભ્યો પીએમની આ ગંભીર સલાહને ઘોળીને પી ગયા હોય તેવું વાસ્તવિક ચિત્ર સચિવાલયમાં જોવા મળ્યું હતું.
કેબિનેટ બેઠકમાં માત્ર 3 કિમી માટે અલગ કારનો કાફલો
ગાંધીનગરમાં યોજાયેલી મહત્વની કેબિનેટ બેઠક દરમિયાન પીએમ મોદીની કારપુલિંગની અપીલનો સરેઆમ ઉલાળિયો થતો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે સોમવારથી બુધવાર દરમિયાન ગુજરાત સરકારના મોટાભાગના મંત્રીઓ ગાંધીનગર સ્થિત મંત્રી નિવાસસ્થાનમાં જ રોકાણ કરતા હોય છે. આ તમામ મંત્રીઓના સરકારી બંગલાઓ એકબીજાની બિલકુલ નજીક આવેલા છે. મંત્રી નિવાસથી સચિવાલયના સ્વર્ણિમ સંકુલ વચ્ચેનું અંતર માંડ 3 કિલોમીટર જેટલું જ છે. આટલા ટૂંકા અંતર માટે પણ મંત્રીઓએ ભેગા મળીને એક ગાડીમાં આવવાનો સામાન્ય વિવેક દાખવ્યો નહોતો. બેઠકમાં ભાગ લેવા માટે રીવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા, કુંવરજી બાવળિયા અને મુખ્ય પ્રવક્તા ઋષિકેશ પટેલ સહિતના અંદાજે 18 જેટલા દિગ્ગજ નેતાઓ પોતાની આલીશાન સરકારી કે ખાનગી કારમાં બિલકુલ એકલા જ સચિવાલય પહોંચ્યા હતા. પીએમની અપીલ બાદ મંત્રીઓ દ્વારા જે થોડા દિવસ ફોટો સેશન અને દેખાડો કરવામાં આવ્યો હતો, તેની હવા આ રિયાલિટી ચેકમાં નીકળી ગઈ છે.
વડોદરામાં પીએમ મોદીએ દેશની જવાબદારીનો ચિતાર આપ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં આયોજિત ‘સરદાર ધામ-3’ ના ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સામેના આર્થિક પડકારોનો ઉલ્લેખ કરીને ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ મંચ પરથી જણાવ્યું હતું કે, "પહેલા વૈશ્વિક કોરોના મહામારીનું મોટું સંકટ આવ્યું, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય આર્થિક મંદીના પડકારો અને હવે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ આ દાયકાના સૌથી મોટા સંકટોમાંથી એક છે. આ વૈશ્વિક તણાવથી ભારત પણ બાકાત રહી શકે નહીં." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આવી વિપરીત પરિસ્થિતિઓમાં દેશના સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો બોજ ઓછો પડે તે માટે સરકાર સતત મહેનત કરી રહી છે. પરંતુ, આ સમયે દેશને માત્ર સરકારી પ્રયાસોની જ નહીં પણ 'જનભાગીદારી' ની શક્તિની જરૂર છે. ભૂતકાળમાં પણ જ્યારે દેશ મુશ્કેલીમાં હતો ત્યારે નાગરિકોએ પોતાની ફરજ સમજીને સરકારને સાથ આપ્યો હતો, માટે આજે પણ ઇંધણ બચાવીને દેશના સંસાધનોની રક્ષા કરવી એ આપણું પરમ કર્તવ્ય છે.
સીએમ સહિત 6 નેતાઓએ નિયમ પાળ્યો
જ્યાં એક તરફ મંત્રીઓ લક્ઝુરિયસ ગાડીઓ મૂકવા તૈયાર નથી, ત્યાં ગુજરાતના રાજ્યપાલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને સમગ્ર વહીવટીતંત્ર સામે એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્યપાલ જ્યારે હાલોલની આધ્યાત્મિક અને સત્તાવાર મુલાકાતે જવાના હતા, ત્યારે તેમણે રાજભવનના કાફલાનો ત્યાગ કર્યો હતો. તેઓ ગાંધીનગરથી સામાન્ય મુસાફરોની જેમ ટ્રેન મારફતે વડોદરા ગયા હતા અને ત્યાંથી વડોદરાથી હાલોલ જવા માટે એસ.ટી. બસ (ST Bus) ની મુસાફરી પસંદ કરી હતી. બીજી તરફ, સરકારમાં ગણ્યાગાંઠ્યા કેટલાક નેતાઓએ પીએમની વાતને ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અપીલ સ્વીકારીને પોતાના સુરક્ષા કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી દીધી હતી. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કૌશિક વેકરિયા સાચી દેશભક્તિ બતાવીને એક જ કારમાં ‘કારપુલિંગ’ કરીને કેબિનેટમાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રવીણ માળી, પ્રદ્યુમન વાજા અને સંજયસિંહ મહિડા જેવા યુવા નેતાઓ પર્યાવરણ અને ઇંધણની બચત માટે ઇલેક્ટ્રિક કાર (EV) નો ઉપયોગ કરીને સચિવાલય પહોંચ્યા હતા.
5 વર્ષમાં ઈંધણ પાછળ 847 કરોડનો આંધણ
ગુજરાત સરકારના ઈંધણના ખર્ચના આંકડા પણ આંખો પહોળી કરી દે તેવા છે. છેલ્લાં 5 વર્ષના સત્તાવાર રેકોર્ડ મુજબ, રાજ્ય સરકારના માત્ર 12 મુખ્ય વિભાગોએ જ પોતાના સરકારી વાહનોના પેટ્રોલ અને ડીઝલ પાછળ અંદાજે 847 કરોડ રૂપિયાનું આંધણ કર્યું છે. આ ગણતરી મુજબ સરકાર દર મહિને સરેરાશ 14.12 કરોડ રૂપિયા અને પ્રતિદિન આશરે 47 લાખ રૂપિયા માત્ર ધુમાડો કરવામાં વાપરી નાખે છે.
કોને કઈ ગાડી મળે છે?
રાજ્યના મંત્રીઓ, મુખ્ય સચિવ, વિવિધ બોર્ડ-કોર્પોરેશન અને કમિશનના ચેરમેનો તેમજ સભ્યો, અધિક મુખ્ય સચિવ અને સચિવ કક્ષાના ટોચના વડાઓને મુસાફરી માટે વૈભવી 7-સીટર ટોયોટા ઇનોવા અથવા હ્યુન્ડાઇની એલાન્ટ્રા ગાડીઓ ફાળવવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ કલેક્ટર, એસપી, ડીડીઓ અને જિલ્લા જજને પણ ઇનોવા કે ટાટા સફારી જેવી દમદાર ગાડીઓ મળે છે. જ્યારે અન્ય ક્લાસ-1 અને ક્લાસ-2 ના અધિકારીઓ માટે સિઆઝ, ક્રેટા, મહિન્દ્રા એક્સયુવી, બોલેરો, મારુતિ એક્સએલ-6, અર્ટિગા, ડીઝાયર અને ટાટા ટિગોર સહિત 15 થી વધુ પ્રકારની મોંઘી ગાડીઓ સરકારી ખર્ચે દોડાવવામાં આવે છે. આ આંકડા અને મંત્રીઓનું વલણ સ્પષ્ટ કરે છે કે સામાન્ય જનતાને નિયમો પાળવાની શિખામણ આપતા નેતાઓ પોતે જ્યારે અમલ કરવાનો આવે ત્યારે પાછળ હટી જાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?