ઈબોલાના વધતાં કેસોને પગલે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં
100 થી વધુ બેડના સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ તૈયાર, આરોગ્ય મંત્રીએ જનતાને આપી ખાતરી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Gujarat Govt on High Alert: દક્ષિણ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઈબોલા વાયરસના વધતા કેસોને પગલે ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સતર્ક બન્યો છે. આ સંદર્ભે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યની સજ્જતા અને આગોતરા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને આશ્વસ્ત કર્યા હતા કે ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી, જેથી જનતાએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી.
આરોગ્ય મંત્રીએ શું કહ્યું
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) આપવામાં આવી છે, તેનું રાજ્યમાં ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગની આખી ટીમનું સુવ્યવસ્થિત આયોજન ગોઠવી દેવાયું છે અને રાજ્યના તમામ વહીવટી તેમજ આરોગ્ય અધિકારીઓ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ છે.
આફ્રિકન દેશોમાં ઈબોલાના કેસોને પગલે ગુજરાત સરકાર એલર્ટ
— Benefit News 24 (@BenefitNews24) May 25, 2026
ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી, નાગરિકોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી: આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
કેન્દ્ર સરકારની SOP અને માર્ગદર્શિકાનું રાજ્યમાં ચુસ્ત પાલન: આરોગ્ય વિભાગ સંપૂર્ણ… pic.twitter.com/AfpbEq7yLH
અમદાવાદ એરપોર્ટ પર આફ્રિકન દેશોના મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સૌથી વધુ પ્રભાવિત આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાંજના 06:00 વાગ્યાથી લઈને સવારના 10:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ પેસેન્જરોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ વિશેષ સ્ક્રીનિંગ માત્ર પ્રભાવિત આફ્રિકન દેશોમાંથી સીધા કે વાયા થઈને આવતા મુસાફરો માટે જ ફરજિયાત કરાયું છે, તેથી અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓ કે સામાન્ય નાગરિકો માટે કોઈ ચિંતાનું કારણ નથી.
સિવિલ અને એસ.વી.પી. હોસ્પિટલ ખાતે 100 થી વધુ બેડના આઇસોલેશન વોર્ડ તૈયાર
કોઈપણ સંભવિત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી લેવાયો છે. આગોતરી તૈયારીના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 32 બેડ અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 10 બેડની ડેઝીગ્નેટેડ એપેક્સ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત, શંકાસ્પદ દર્દીઓની તાત્કાલિક અને યોગ્ય સારવાર માટે અમદાવાદની એસ.વી.પી. (SVP) હોસ્પિટલ ખાતે પણ 60 બેડના અલાયદા આઇસોલેશન વોર્ડ સહિતની વિશેષ તબીબી સુવિધાઓ ઊભી કરાઈ છે. જો એરપોર્ટ પર સ્ક્રીનિંગ દરમિયાન કોઈ મુસાફર શંકાસ્પદ જણાશે, તો ભારત સરકારની ગાઈડલાઈન મુજબ પ્રોટોકોલ હેઠળ તાત્કાલિક તેની સારવાર શરૂ કરી શકાય તેવી રાજ્ય સરકારની પૂરી તૈયારી છે.
નાગરિકોને તકેદારી રાખવા અને ન ગભરાવા અપીલ
અંતમાં આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધી સમગ્ર દેશ કે રાજ્ય સુરક્ષિત છે અને સંક્રમણનો કોઈ ખતરો નથી. માત્ર સંબંધિત પ્રભાવિત દેશોની મુસાફરી કરીને આવેલા નાગરિકોએ જ તકેદારી રાખવાની છે, જેથી રાજ્યમાં સંક્રમણ ફેલાવાની કોઈ શક્યતા ન રહે. ગુજરાતનું આરોગ્ય તંત્ર પ્રજાની સુખાકારી અને સુરક્ષા માટે ચોવીસ કલાક કટિબદ્ધ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?