માવઠાના મારથી ગુજરાતના ખેડૂતોને આર્થિક ફટકો
વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું, કપાસ અને મગફળી સહિત શાકભાજીના પાકમાં સડો પેઠો

કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી

કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી
ગુજરાતના વાતાવરણમાં આવેલા અણધાર્યા પલટાને કારણે છેલ્લા 2-4 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોની કમર તોડી નાખી છે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધીના વિસ્તારોમાં પડેલા આ અણધાર્યા વરસાદને કારણે ખેતરોમાં ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના પરિણામે ખેડૂતો ફરી એકવાર આર્થિક સંકટમાં મુકાયા છે. ખેત પેદાશોની ગુણવત્તા બગડી જવાથી તેમને તેમના પાકના પૂરતા ભાવ મળી રહ્યા નથી, જે આ નુકસાનમાં વધારો કરી રહ્યું છે.
વરસાદી પાણીમાં ભીંજાઈ જવાથી સડો પેઠ્યો
રાજ્યના મુખ્ય પાકો પૈકી કપાસ અને મગફળીને આ માવઠાને કારણે મોટો ફટકો પડ્યો છે. લાખો હેક્ટરમાં આ બન્ને પાક ઊભા છે અને વરસાદી પાણીમાં ભીંજાઈ જવાથી તેમાં સડો પેસી જવાની સંભાવના વધી ગઈ છે. સડાને કારણે પાકની ગુણવત્તા ખરાબ થઈ રહી છે, જે બજારમાં તેના ભાવ ઘટાડશે. આ ઉપરાંત, કઠોળના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો છે, જેનાથી રાજ્યના કૃષિ ઉત્પાદનને મોટો આંચકો લાગ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી માવઠું ત્રાટક્યું
વાલોળ, દૂધી અને તુરીયા જેવી વેલાવાળી શાકભાજીમાં સડો
કપાસ અને મગફળીની સાથે-સાથે શાકભાજી અને બાગાયતી પાકો પણ જોખમમાં છે. વાલોળ, દૂધી અને તુરીયા જેવી વેલાવાળી શાકભાજીમાં સડો પેસી ગયો છે. કૃષિ નિષ્ણાતોની ચેતવણી છે કે, જો હજુ 1-2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, તો વેલાની મોટાભાગની શાકભાજીનો પાક નાશ પામશે. કોબી, ફુલાવર અને રીંગણ જેવી શાકભાજીમાં પણ ભેજભર્યા હવામાનને કારણે ઈયળ અને જીવજંતુનો ઉપદ્રવ વધવાની સંભાવના છે. માત્ર શાકભાજી જ નહિ, પણ કેળા જેવા મહત્વપૂર્ણ બાગાયતી પાકને પણ માવઠાથી વ્યાપક નુકસાન થયું છે.
20 કિલો કેળાની ખરીદી માત્ર100થી 140ના ભાવે
કેળાના પાકને થયેલા નુકસાન વચ્ચે ખેડૂતોનું વ્યાપક શોષણ થઈ રહ્યું હોવાની વાત સામે આવી છે. હાલમાં બજારમાં એક ડઝન કેળાનો ભાવ રૂપિયા 50થી 60 બોલાઈ રહ્યો છે, પરંતુ ખેડૂતો પાસેથી 20 કિલો કેળાની ખરીદી માત્ર રૂપિયા 100થી 140ના ભાવે કરવામાં આવી રહી છે, જે સરેરાશ 5થી 7 પ્રતિ કિલોના ભાવે પડે છે. આનો અર્થ એ થયો કે, રૂપિયા 50માં વેચાતા કેળા ખેડૂત માત્ર 5 રૂપિયાના ભાવે વેચવા મજબૂર બન્યા છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદના મારથી માંડ બેઠા થયેલા ખેડૂતો પર ફરી આર્થિક ફટકો પડતાં ખેડૂત સંગઠનોએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક રાહતની માંગણી કરી છે.
ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં માંગ
ખેડૂત સંગઠનોએ મુખ્યત્વે 3 માંગણીઓ મૂકી છે. સેટેલાઈટના માધ્યમથી નુકસાનીનો ઝડપી અને સચોટ સર્વે કરવામાં આવે, સર્વેના આધારે ખેડૂતોને તાત્કાલિક આર્થિક વળતર ચૂકવવામાં આવે, અને ગુજરાતમાં જે પાક વીમા યોજના બંધ કરી દેવામાં આવી છે, તેને વહેલી તકે ફરીથી શરૂ કરવામાં આવે. રાજ્ય સરકારે આ માવઠાના મારથી બેહાલ થયેલા ખેડૂતોની મદદે ઝડપી અને યોગ્ય પગલાં ભરવા જોઈએ તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!