ઓમાનમાં ગુજરાતનું 'હાજી અલી' જહાજ ડૂબ્યું
ડ્રોન હુમલાની આશંકા વચ્ચે 14 ખલાસીઓનો બચાવ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Gujarat Cargo Ship Haji Ali Sinks Oman Sea: વિશ્વના નકશા પર હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા ભૂ-રાજકીય તણાવની સીધી અને માઠી અસર હવે ગુજરાતના શિપિંગ ઉદ્યોગ પર પડવાની શરૂ થઈ ગઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું વધુ એક માલવાહક જહાજ 'હાજી અલી' (MSV HAJI ALI BDI 1492) ઓમાનના દરિયાઈ ક્ષેત્રમાં શંકાસ્પદ મિસાઈલ અથવા ડ્રોન હુમલાનો શિકાર બન્યું છે. આ ભયાનક હુમલામાં જહાજમાં વિકરાળ આગ લાગ્યા બાદ તે દરિયામાં ગરકાવ થઈ ગયું છે, જોકે રાહતના સમાચાર એ છે કે તેમાં સવાર તમામ 14 ભારતીય ખલાસીઓનો આબાદ બચાવ થયો છે.
વહેલી સવારે થયેલા પ્રચંડ વિસ્ફોટે મચાવી તબાહી
ઘટનાની વિગતો મુજબ, MSV HAJI ALI જહાજ સોમાલિયાના બરબરા બંદરથી લાઈવ સ્ટોક (પશુઓ) ભરીને શારજાહ તરફ જઈ રહ્યું હતું. 13 મેના રોજ વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે જ્યારે જહાજ ઓમાનના લિમાહ નજીકથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક અહેવાલો અનુસાર, કોઈ અજાણ્યો વિસ્ફોટક પદાર્થ—સંભવતઃ ડ્રોન અથવા મિસાઈલ—જહાજ સાથે સીધું અથડાયું હતું. વિસ્ફોટ બાદ જહાજ પર ગણતરીની મિનિટોમાં જ આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ચાલક દળ તેને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યું હતું અને જહાજ ધીમે-ધીમે દરિયામાં ડૂબવા લાગ્યું હતું.
ખલાસીઓનું સાહસિક રેસ્ક્યુ અને સલાયામાં ચિંતા
જહાજ ડૂબવા લાગતા તેના પર સવાર 1 ટંડેલ અને 13 ખલાસીઓ સહિત કુલ 14 સભ્યોએ અત્યંત સમયસૂચકતા અને હિંમત દાખવી હતી. જહાજ સંપૂર્ણપણે ડૂબે તે પહેલા જ તમામ ખલાસીઓ લાઈફબોટનો સહારો લઈ દરિયામાં ઉતરી ગયા હતા. ઘટનાની જાણ થતા જ ઓમાન કોસ્ટગાર્ડે ત્વરિત કાર્યવાહી હાથ ધરી તમામ 14 સભ્યોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી ઓમાનના ડીબા બંદર પર પહોંચાડ્યા હતા. સલાયામાં ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ જણાવ્યું હતું કે, "સદનસીબે તમામ ખલાસીઓ સુરક્ષિત છે અને તેમના જરૂરી દસ્તાવેજો પણ બચાવી લેવાયા છે. અમે ભારત સરકારને આ ખલાસીઓને રાજદ્વારી માર્ગે વહેલી તકે સ્વદેશ પરત લાવવા માટે વિનંતી કરી છે."
શિપિંગ ઉદ્યોગ પર લટકતી તલવાર
માત્ર એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં સલાયા બંદરનું આ બીજું જહાજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં અકસ્માત કે હુમલાનો ભોગ બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ જેવા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા માલિકો અને ખલાસીઓના પરિવારજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સલાયાના સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે જો આ પ્રકારના હુમલાઓ ચાલુ રહેશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરવો અશક્ય બની જશે. હાલમાં ઓમાન પોલીસ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા આ હુમલા પાછળ કોનો હાથ છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, ભારત સરકાર હવે આ ખલાસીઓને વહેલી તકે સ્વદેશ પરત લાવવા માટે રાજદ્વારી સ્તરે પ્રયાસો તેજ કરે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?