ગુજરાતમાં 80મો સ્વાતંત્ર્ય દિવસ
અમરેલીથી કચ્છ સુધી તિરંગાની શાન, CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાતો

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Amreli Independence Day Celebration: સમગ્ર ગુજરાતમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિ, ઉત્સાહ અને રાષ્ટ્રગૌરવના માહોલમાં કરવામાં આવી. રાજ્યકક્ષાનો મુખ્ય સમારોહ અમરેલી ખાતે યોજાયો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું. અમરેલીથી લઈને વડોદરા, ગાંધીનગર, કચ્છ, ગોધરા અને નવરચિત વાવ-થરાદ જિલ્લા સુધી વિવિધ સ્થળોએ તિરંગાને સલામી આપવામાં આવી અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.
અમરેલીમાં રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે ફરકાવ્યો તિરંગો
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાની જન્મભૂમિ અમરેલીમાં રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાયો. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ તેમણે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું. સમારોહ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારાથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો આ ભવ્ય ઉજવણીના સાક્ષી બન્યા.
હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, મહિલા જવાનોની રાઇફલ ડ્રીલે જીત્યાં દિલ
અમરેલીના મુખ્ય સમારોહમાં હેલિકોપ્ટર દ્વારા આકાશમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ અને જેલ પોલીસની મહિલા જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલી શાનદાર રાઇફલ ડ્રીલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત પોલીસ પરેડ, ડોગ શૉ, અશ્વદળનું પ્રદર્શન, બાઈક સ્ટંટ, યોગ અને વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમોએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ભવ્ય બનાવી હતી.
અમરેલીને ₹403 કરોડના વિકાસકાર્યોની ભેટ
સ્વાતંત્ર્ય પર્વના અવસરે અમરેલી જિલ્લામાં આશરે ₹403 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસકાર્યો સાથે નાગરિકોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી સહિતની કલ્યાણકારી જાહેરાતો પણ કરી. CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતના લોકો એકતાથી અને સંકલ્પબદ્ધ થઈને કામ કરે તો કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.
‘છેલ્લા 25 વર્ષથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન’: CM ભૂપેન્દ્ર પટેલ
રાજ્યજોગ સંબોધનમાં મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને નમન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 25 વર્ષમાં ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે. મુખ્યમંત્રીએ ગરીબ, યુવા, ખેડૂત અને નારી શક્તિને વિકસિત ભારતના મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યા. તેમણે કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ સંરક્ષણ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂક્યો.
ખેડૂતો, આવાસ અને આરોગ્ય ક્ષેત્રે સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ખેડૂતોને દિવસે પણ સાતત્યપૂર્ણ વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ગરીબ કલ્યાણ યોજનાઓ હેઠળ રાજ્યમાં 16 લાખથી વધુ પરિવારોને પાકાં મકાન મળ્યાં છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 10,300થી વધુ આરોગ્ય મંદિરો કાર્યરત કરવામાં આવ્યા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. ગુજરાતના આધુનિક બંદરો દેશની આર્થિક પ્રગતિના મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર બની રહ્યા હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું.
વડોદરામાં હર્ષ સંઘવીની હાજરી, Gen Z યુવાનો સાથે દેશભક્તિ
વડોદરામાં પણ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ તેમણે Gen Z યુવાનો સાથે મુલાકાત કરી અને દેશભક્તિના ગીતો સાથે યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. યુવાનોને સંબોધતા હર્ષ સંઘવીએ સરદાર વલ્લભભાઈ પટેલના રજવાડાંઓના એકીકરણના ઐતિહાસિક યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાતની દરિયાઈ સુરક્ષા પર ફોકસ, ડ્રગ્સ તસ્કરી સામે કડક કાર્યવાહી
હર્ષ સંઘવીએ ગુજરાતની આશરે 1,600 કિલોમીટર લાંબી દરિયાઈ સરહદની સુરક્ષા અંગે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે દરિયાઈ માર્ગે થતી ઘૂસણખોરી અને ડ્રગ્સ તસ્કરી સામે ગુજરાત પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, છેલ્લા 5 વર્ષમાં વિદેશી ડ્રગ્સ તસ્કરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
ગાંધીનગરના ‘કમલમ’માં ભાજપનું ધ્વજવંદન
ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદો અને દેશની સરહદોનું રક્ષણ કરતા સુરક્ષા જવાનોને નમન કર્યું. કાર્યક્રમ દરમિયાન RSSના મુખ્ય વક્તા ભાનુભાઈએ Gen Z યુવાનો અને વર્તમાન સામાજિક પરિસ્થિતિ અંગે વિચારો રજૂ કર્યા.
વાવ-થરાદમાં પ્રથમ વખત જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ
નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ વખત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. રાહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પરંપરાગત ગુજરાતી પોશાકમાં ધ્વજવંદન કર્યું. સરહદી વિસ્તારના હજારો લોકોની હાજરીમાં ‘ભારત માતા કી જય’ના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.
ભુજ BSF કેમ્પમાં જવાનોની શાનદાર પરેડ
કચ્છના ભુજ સ્થિત BSF કેમ્પમાં પણ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. BSF DIG યોગેન્દ્રસિંહ રાઠોડની હાજરીમાં જવાનોએ શિસ્તબદ્ધ પરેડ અને ગાર્ડ ઓફ ઓનર આપીને તિરંગાને સલામી આપી. સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
ગોધરામાં કૃષિ મંત્રી રમેશ કટારાએ કર્યું ધ્વજવંદન
પંચમહાલના ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો. રાજ્યના કૃષિ મંત્રી રમેશ કટારાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને ખેલાડીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
કોંગ્રેસ કાર્યાલયમાં ધ્વજવંદન, અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર
અમદાવાદ સ્થિત ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. આ દરમિયાન તેમણે સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી ભાજપ સરકાર પર આકરા રાજકીય પ્રહારો કર્યા. અમિત ચાવડાએ આઝાદીના ઇતિહાસ, બંધારણ, બેરોજગારી, ભૂખમરો અને સામાજિક ભેદભાવ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે યુવાનો અને કોંગ્રેસ કાર્યકરોને બંધારણના રક્ષણ માટે એકજૂથ થવાની અપીલ કરી.
અમરેલીથી કચ્છ સુધી ગુજરાત દેશભક્તિના રંગે રંગાયું
80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં તિરંગા યાત્રા, ધ્વજવંદન, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. રાજ્યકક્ષાના અમરેલી કાર્યક્રમમાં વિકાસકાર્યોની જાહેરાતથી લઈને સરહદી કચ્છમાં BSF જવાનોની શાનદાર પરેડ સુધી ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રગૌરવ અને દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?