રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કરી સરકારને રાજ્યની શાળા-કોલેજોની સ્થિતિ અંગે તપાસ કરવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશના પગલે સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં રાજ્યની 11451 શાળાઓમાં ફાયર એનઓસી નહી હોવાનો રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે. 11451 શાળાઓમાંથી 3302 શાળા સરકારી હોવાનું સામે આવ્યું છે. જ્યારે 9563 શાળાઓ પાસે ફાયર એનઓસી હોવાનું જણાવ્યુ છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠ સમક્ષ સરકારે કરેલી રજૂઆતના પગલે શૈક્ષણિક સંસ્થાઓને ફાયરના સાધનો નાખવા અને એનઓસી મેળવવા એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
હાઈકોર્ટે ટકોર કરી હતી કે રાજ્યમાં મોટાભાગની શાળાઓ પાસે ફાયર એનઓસી નહી હોવાથી વિદ્યાર્થીઓ રામભરોસે ભણી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે. સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટ જણાવ્યુ છે કે રાજ્યની કુલ 55344 શાળાની ચકાસણી કરવામાં આવી હતી. તેમાંથી11451 શાળાઓ પાસે ફાયર એનઓસી નથી. જ્યારે 9563 શાળાઓ પાસે ફાયર એનઓસી છે. ફાયર એનઓસી નહી ધરાવનાર શાળાઓને નોટિસ આપી છે. 43893 શાળાઓએ ફાયર એનઓસી મેળવવા બાહેંધરી પત્ર ભર્યા છે. ફાયરના સાધનો ન હોય તેવી 771 શાળાઓએ ફાયરના સાધનો ખરીદ કરવા માટે અરજી કરી છે.
9 મીટરથી વધુ ઉંચાઈ ધરાવતી શાળાઓ માટે ફાયર એનઓસી ફરજિયાત :
દરેક શાળામાં 6 મહિને મોકડ્રિલ અને આકસ્મિક ચેકિંગ કરવાની સરકારે હાઈકોર્ટને ખાતરી આપી છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં એકઠાં થાય તેવા કાર્યક્રમો યોજી શકાશે નહીં. શાળાના પરિસરમાં કોઇપણ જાતનું જ્વલનશીલ પ્રવાહી રાખી શકાશે નહીં. દરેક શાળા કે શૈક્ષણિક સંસ્થાએ 10 હજાર લીટર પાણીની ટાંકી ફરજિયાત રાખવી પડશે. 9 મીટરથી વધુ ઉંચાઇ ધરાવતી શાળાએ ફરજિયાત ફાયર એનઓસી મેળવવાની રહેશે. શાળામાં દરેક માળ ઉપર રેતી ભરેલી ડોલ રાખવાની રહેશે.