ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદના કારણે અનેક શહેરો અને વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ગાંધીનગરમાં પણ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા. આ સાથે જ વરસાદી ગંદકીના કારણે માખી, મચ્છર અને જીવજંતુઓ વધી જતા મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે.
હોસ્પિટલોમાં શરદી, ઉધરસ, ફ્લૂ, ડેન્ગ્યુ, કોલેરા જેવી બીમારીઓના દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. કેટલાક દર્દીઓની સામાન્ય તબિયત બગડવાથી મૃત્યુ પણ થયા છે, જેને કારણે તંત્ર હવે હરકતમાં આવ્યું છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રોગચાળો અટકાવવા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગંદકી રાખનારા 14 સ્થળોને નોટિસ આપવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં પણ પાણી ભરાવાની અને મચ્છર વધવાની ફરિયાદ બાદ નોટિસ ફટકારી છે.
મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં દવા છંટકાવ અભિયાન હાથ ધરાયું છે. પ્લોટ નંબર 152-1 અનાબડવાટિકા સોસાયટી, સેક્ટર-23, બોરિજ, ઘનશ્યામ ગઢ, સેક્ટર-8 સહિતના વિસ્તારોમાં દવા છાંટવામાં આવી છે.
વરસાદી તકલીફોના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓને ઊંધો લઈ કામમાં ઝડપી ગતિ લાવવાનો આદેશ આપ્યો હતો, તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ અને સચિવોને મેદાને ઉતરી કામગીરી કરવાના સૂચન આપ્યા હતા.