લાંચિયા અધિકારીના ઘરમાંથી 1.76 કરોડ રોકડ મળી
ગાંધીનગરમાં એસીબીનો મોટો સપાટો, વિદ્યુત નિરીક્ષકની ₹2.64 કરોડની બેનામી સંપત્તિ જપ્ત

₹5 લાખની લાંચ લેતા વર્ગ-1 અધિકારી ઝડપાયો

₹5 લાખની લાંચ લેતા વર્ગ-1 અધિકારી ઝડપાયો
Gujarat ACB Raid: ગુજરાતમાં ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. એસીબીની ટીમે એક મોટી કાર્યવાહી કરતા ગાંધીનગરમાં ઉર્જા વિભાગ હેઠળ કાર્યરત વિદ્યુત નિરીક્ષણ કચેરીના વર્ગ-1 (Class-1) અધિકારી અશ્વિન બી. ચૌધરી (એ.બી.ચૌધરી) ને ₹5 લાખની મસમોટી લાંચ લેતા રંગેહાથ દબોચી લીધો છે. સોલાર પેનલની એનઓસી (NOC) આપવાના બહાને લાંચ લેતા ઝડપાયેલા આ ઉચ્ચ અધિકારીના ઘરો અને ગાડીઓ પર જ્યારે એસીબીએ દરોડા પાડ્યા, ત્યારે ત્યાંથી મળેલી કરોડોની બેનામી સંપત્તિ જોઈને ખુદ તપાસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
સોલાર પેનલની મંજૂરી (NOC) માટે માંગી હતી લાંચ
મળતી વિગતો અનુસાર, એક અરજદારે સોલાર પેનલ લગાવવા માટે જરૂરી એનઓસી (No Objection Certificate) મેળવવા માટે વિદ્યુત નિરીક્ષણ કચેરીનો સંપર્ક કર્યો હતો. આ સત્તાવાર મંજૂરી આપવાના અવેજમાં મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીએ ₹5 લાખની ગેરકાયદેસર માંગણી કરી હતી. અરજદાર આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે ગાંધીનગરમાં જ એક મજબૂત છટકું ગોઠવ્યું હતું. અધિકારીએ જેવી લાંચની રકમ સ્વીકારી, કે તરત જ એસીબીએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. લાંચની આ ₹5 લાખની રોકડ રકમ અધિકારીની લક્ઝરી કારમાંથી જ રિકવર કરવામાં આવી હતી.
સુરત અને અમદાવાદની મિલકતો પર એસીબી ત્રાટકી: કરોડોની રોકડ મળી
વર્ગ-1 ઓફિસરની ધરપકડ કર્યા બાદ એસીબીની અલગ-અલગ ટીમો દ્વારા આરોપી અધિકારીના ગાંધીનગર, અમદાવાદ અને સુરત સ્થિત રહેઠાણો પર એકસાથે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ તપાસનું મુખ્ય કેન્દ્ર સુરતના વી.આઈ.પી. રોડ પર વેસુ વિસ્તારમાં આવેલી પોશ સોસાયટી 'શિલ્પ રેસિડેન્સી' નું મકાન નંબર બી-405 રહ્યું હતું. અધિકારીના આ જુદા-જુદા સ્થાનો અને વાહનોના ખૂણે-ખૂણેથી એસીબીને કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે. સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીના ઘરો અને ગાડીઓમાંથી માત્ર બિનહિસાબી રોકડા રૂપિયા જ ₹1 કરોડ 76 લાખ મળી આવ્યા હતા, જેને જોઈને એસીબીના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
₹2.64 કરોડની અધધ મત્તા જપ્ત: દાગીના અને ગિફ્ટ વાઉચરનો ખુલાસો
એસીબીએ અશ્વિન ચૌધરીની મિલકતોમાંથી માત્ર રોકડ જ નહીં, પરંતુ મોટા પ્રમાણમાં કિંમતી કાયદેસર અને ગેરકાયદેસર ચીજવસ્તુઓ પણ જપ્ત કરી છે. દરોડા દરમિયાન ₹88 લાખ 82 હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા છે. આ ઉપરાંત, ઘરમાંથી ₹5 લાખ 51 હજારની કિંમત ધરાવતા વિવિધ ગિફ્ટ વાઉચર્સ પણ મળી આવ્યા છે. એસીબીએ આ સમગ્ર ઓપરેશન દરમિયાન લાંચિયા અધિકારી પાસેથી કુલ ₹2 કરોડ 64 લાખની અધધ મત્તા (મુદ્દામાલ) કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની અપ્રમાણસર મિલકતો અંગે તપાસ તેજ કરી છે.
ગાંધીનગરમાં ભ્રષ્ટાચારનો સિલસિલો: અગાઉ વર્ગ-2 અધિકારી પણ ઝડપાયો હતો
ગાંધીનગરમાં સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. આ અગાઉ ગત 18 મે, 2026ના રોજ પણ ગાંધીનગર ઉદ્યોગ ભવનના છઠ્ઠા માળે એસીબીએ દરોડા પાડ્યા હતા. જ્યાં આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા વર્ગ-2ના ઉચ્ચ અધિકારી મનિષકુમાર નવિનચન્દ્ર રાવલ એક બાંધકામ પ્રોજેક્ટના ફાયર એન.ઓ.સી. (Fire NOC) અને સર્ટિફિકેટ માન્ય રાખવાના બદલામાં ₹5 લાખની લાંચ માંગતા એસીબીના સકંજામાં આવ્યા હતા. આમ, સરકારી મંજૂરીઓના બહાને લાખો રૂપિયાની ઉઘરાણી કરતા અધિકારીઓ સામે એસીબીએ હવે કડક વલણ અપનાવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.